બ્લૂ પર્વતમાળા (1) : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં સિડનીથી પશ્ચિમે આશરે 65 કિમી.ને અંતરે આવેલા પર્વતો. તે વાદળી રંગના દેખાતા હોવાથી અહીંના પ્રથમ વસાહતીઓએ તેને આ પ્રમાણેનું નામ આપેલું છે. તેમનો આ વાદળી રંગ પર્વતીય ઢોળાવો પર ઊગતાં વિવિધ પ્રકારનાં નીલગિરિ વૃક્ષોમાંથી છૂટાં પડીને હવામાં વિખેરાતાં તૈલી બુંદો પર પડતાં પ્રકાશકિરણોને કારણે ઉદવે છે.

બ્લૂ પર્વતમાળા પૂર્વ ઑસ્ટ્રેલિયામાં પથરાયેલી ગ્રેટ ડિવાઇડિંગ રેન્જનો મધ્યપૂર્વીય ઉચ્ચપ્રદેશ-વિભાગ રચે છે. આ પર્વતમાળા આશરે 1420 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તે પૂર્વ તરફ એમુ મેદાનોથી તથા પશ્ચિમ તરફ બાથર્સ્ટ મેદાનોથી ઘેરાયેલી છે. તેમનો પૂર્વ ભાગ રેતીખડકના ઉચ્ચપ્રદેશથી બનેલો છે, ખીણોથી કોતરાયેલો છે અને 370થી 550 મીટરની ઊંચાઈવાળો છે; પશ્ચિમ ભાગ સમુત્પ્રપાતોવાળો છે અને 1100–1200 મીટરની ઊંચાઈ ધરાવે છે. ગ્રોસ અને કૉક્સ નદીઓ આ પર્વતોને વીંધીને બહાર પડે છે, કોતરાયેલી ખીણોની બાજુઓ ઉગ્ર ઢોળાવવાળી બની રહી છે. પર્વતોના મોટાભાગના ઢોળાવો નીલગિરિ વૃક્ષોથી આચ્છાદિત છે. આખીયે પર્વતમાળાનું ભૂપૃષ્ઠ પ્રપાતી ઢોળાવોવાળું બની રહેલું છે.

બ્લૂ પર્વતમાળા શહેર : બ્લૂ પર્વતોના અહીંના વિસ્તારમાં 1947ના અરસામાં 26 જેટલી નગરવસાહતોવાળું શહેર વિકસ્યું છે. તેનો કુલ વિસ્તાર આશરે 1400 ચોકિમી. જેટલો છે. આ શહેરનું કેન્દ્ર સિડનીથી પશ્ચિમે 100 કિમી.ને અંતરે છે. સૌથી મોટું નગર કટુમ્બાએ તેનું મુખ્ય મથક છે, ત્યાંથી બધાં નગરોનો વહીવટ ચાલે છે. તેની કુલ વસ્તી 63866 (1981) જેટલી છે. લ્યુરા, માઉન્ટ વિક્ટોરિયા, બ્લૅકહીથ, સ્પ્રિંગવુડ, વેન્ટવર્થ ધોધ અને હેઝલબ્રુક અન્ય મહત્વનાં કેન્દ્રો છે. તે બધાં રેલમાર્ગની બાજુમાં તેમજ લિથગો અને સિડની જતા ધોરીમાર્ગ પર આવેલાં છે. આ પર્વતો પ્રવાસીઓ માટે રજાઓ ગાળવાનું જાણીતું મથક હોવાથી અહીં શહેરીકરણનો ઝડપી વિકાસ થયેલો છે.

ઘણા પ્રવાસીઓ વસંતઋતુ દરમિયાન ખીલી ઊઠતાં ફૂલોના બગીચાઓ જોવા આ પર્વતમાળાની મુલાકાત લે છે. કટુમ્બા નજીકના રમણીય રેલમાર્ગ અને રજ્જુમાર્ગની તથા બેલ નજીકના વાંકચૂકા રેલમાર્ગની સહેલ માણવા ઘણા લોકો આવે છે. કુદરતી ર્દશ્યો ધરાવતાં અન્ય આકર્ષણોમાં ત્રણ ભગિની-ખડકરચનાઓ (Three Sister Rock Formation), વેન્ટવર્થ ધોધ અને ગોવેટ લીપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કલાકાર નૉર્મન લિન્ડસેનું ફાલ્કન બ્રિજ ખાતે આવેલું નિવાસસ્થાન હવે સંગ્રહાલય તરીકે ઉપયોગમાં લેવાય છે.

ઇતિહાસ : સિડનીની વસાહત શરૂ થઈ ત્યારે આ પર્વતોમાં અવરજવર માટે માર્ગોનો વિકાસ થયેલો ન હતો. ખીણમાર્ગો મારફતે પર્વતોની આરપાર જવા આવવામાં ઘણી હાડમારીઓ પડતી હતી. 1788માં અહીંના ગવર્નર આર્થર ફિલિપે આ પર્વતમાળાને ‘બ્લૂ પર્વતમાળા’નું નામ આપ્યું. 1789ના જૂનમાં ગવર્નર આર્થર ફિલિપે પર્વતો ઓળંગવા માટે માર્ગ બનાવવાની યોજના વિચારી અને તેથી આ પર્વતોથી બ્રોકન બેની ખાડી સુધીનો વિસ્તાર તે ખૂંદી વળ્યો. 1790ના દાયકા દરમિયાન સિડની અને બ્લૂ પર્વતમાળા વચ્ચે ઘણાં આરોહણો થયાં. 1802માં ફ્રાન્સિસ બૅરેલિયરે, 1804માં જ્યૉર્જ કેલીએ, 1805માં ગવર્નર ફિલિપે, 1813માં ગ્રેગરી બ્લૅક્સલૅન્ડ, વિલિયમ લૉસન અને વિલિયમ ચાર્લ્સ વેન્ટવર્થે જરૂરી માર્ગવ્યવસ્થા માટે ઘણા પ્રયાસો આદરેલા. 1813ના નવેમ્બરમાં ગવર્નર લેચલન મેકેરીએ મોજણીદાર વિલિયમ કૉક્સને આ પર્વતો પર માર્ગ બાંધવાનો આદેશ આપ્યો. કૉક્સે 1815 સુધીમાં માર્ગ બાંધી આપ્યો અને ગવર્નર મેકેરીએ તેની સફર પણ ખેડી. અગાઉ સિડનીના ઉચ્ચ વર્ગના નિવાસીઓ જ આ પર્વતોનો વિહારધામ તરીકે ઉપયોગ કરતા, પરંતુ હવે અવરજવર માટે માર્ગોની સુવિધા મળવાથી ઘણા પ્રવાસીઓ અહીંનાં રમણીય ર્દશ્યો માટે જિનોલન ગુફાઓની, રાષ્ટ્રીય ઉદ્યાનની અને ગ્રોસ નદીની ખીણમાં વિકસાવાયેલા અભયારણ્યની અવારનવાર મુલાકાત લે છે.

બ્લૂ પર્વતમાળા (2) : પૂર્વ જમૈકામાં આવેલી પર્વતમાળા. તે કિંગ્સ્ટનથી ઉત્તરે 13 કિમી. અંતરે આવેલી સ્ટોની હિલથી પશ્ચિમે 50 કિમી. સુધી અને પૂર્વમાં કેરીબિયન સમુદ્ર તરફ વિસ્તરેલી છે. ‘બ્લૂ માઉન્ટન પીક’ તરીકે ઓળખાતું તેનું સર્વોચ્ચ શિખર 2256 મીટર ઊંચાઈવાળું છે. આ પર્વતો હંસરાજ(Fern)નાં ગીચ વૃક્ષોથી આચ્છાદિત છે.

વ્યાપારી પવનોના માર્ગમાં આવતા તેના ઢોળાવો પર વાર્ષિક સરેરાશ 5000 મિમી. જેટલો વરસાદ પડે છે, જમીન-ધોવાણ મોટા પ્રમાણમાં થતું રહે છે. અહીં નદીઓની ગૂંથણી બની રહેલી છે. શિયાળા દરમિયાન તાપમાન 7° સે. જેટલું નીચું જાય છે, હિમજન્ય ધુમ્મસ અને કરાનો વરસાદ પડવાની ક્રિયા શિખર-વિભાગોમાં ક્યારેક થઈ જાય છે. અહીંની ખીણોમાં અગાઉ ખેડૂતો કૉફીનું વાવેતર કરતા હતા.

બ્લૂ પર્વતમાળા (3) : યુ.એસ.ના મધ્ય ઓરેગૉનથી અગ્નિ વૉશિંગ્ટન તરફ 310 કિમી. લંબાઈમાં પથરાયેલી કમાનાકાર પર્વતમાળા. આ પર્વતમાળા 109 કિમી. પહોળી અને 2000 મીટર ઊંચાઈવાળી છે. આલ્ડ્રીચ, સ્ટ્રૉબેરી અને ઍલ્કહૉર્ન ડુંગરધારો આ પર્વતમાળામાં આવેલી છે. ઍલ્કહૉર્ન ડુંગરધાર પર આવેલું સર્વોચ્ચ શિખર રૉક ક્રીક બ્યૂટ 2800 મીટરની ઊંચાઈ ધરાવે છે. કોલંબિયા નદીને મળતી શાખાનદીઓ આ પર્વતમાળામાંથી નીકળે છે.

આ પર્વતમાળા ઉત્થાન પામેલી છે. સ્તરો વીંટળાયેલી સ્થિતિમાં મળે છે. લાવાનો ઉચ્ચપ્રદેશ ખીણોથી છેદાયેલો છે.

પર્વતીય ઢોળાવો પર તથા તળેટી-ભાગોમાં આવેલાં થાળાંઓમાં અને સપાટ મેદાની વિસ્તારોમાં ખેતી થાય છે. ખેતી માટે કોઈ કોઈ જગાએ સિંચાઈની મદદ પણ લેવાય છે. ઢોળાવો પાઇન અને ફરનાં ગીચ વૃક્ષોથી આચ્છાદિત છે. ખાણક્રિયાનું પ્રમાણ અહીં ઓછું હોવાથી પશુપાલન માટે ગોચરોનો તથા લોકો માટે મનોરંજન-સ્થળોનો વિકાસ કરવામાં આવ્યો છે. પાઇન વૃક્ષોના ઘેરા વાદળી દેખાવ પરથી આ પર્વતોને ‘બ્લૂ પર્વતમાળા’ નામ અપાયું છે.

ગિરીશભાઈ પંડ્યા