બ્લૂર, એલા ઉર્ફે રિવી (જ. 1862, સ્ટેટન આઇલૅન્ડ, ન્યૂયૉર્ક; અ. 1952) : જાણીતા ઉદ્દામવાદી અને મહિલાઓ માટેના હક માટેનાં આંદોલનકાર. તેઓ ‘મધર બ્લૂર’ તરીકે બહુ જાણીતાં હતાં. ઓગણીસમા વર્ષે જ તેમનાં લગ્ન થયાં હતાં; એથી જ કદાચ તેઓ સ્ત્રીઓ માટેના અધિકાર માટે જાગ્રત અને સક્રિય બન્યાં. તેમની રાજકીય સક્રિયતાના કારણે 1896માં તેમને છૂટાછેડા લેવા પડ્યા. બીજું લગ્ન પણ નિષ્ફળ નીવડતાં, તેમણે સંપૂર્ણપણે રાજકારણ અપનાવ્યું અને અગ્રણી આંદોલનકાર બની રહ્યાં.
1901માં તેઓ સમાજવાદી પક્ષમાં જોડાયાં. 1919માં તેમના નેજા હેઠળ અમેરિકન કૉમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપના પણ થઈ હતી.
મહેશ ચોકસી