બ્લૂપૅનિકના રોગો : ધૂસડો (bluepanic)નામના ઘાસને કેટલીક ફૂગના ચેપથી થતા રોગો. આ ઘાસનું વૈજ્ઞાનિક નામ Panicum antidotale Retz. છે. આ ઘાસ સૂકા વિસ્તારોમાં ઢોરોના ચારા માટે આગવું સ્થાન ધરાવે છે. તે હલકી જમીનમાં અને ઓછા વરસાદમાં થતો પાક હોવાથી રોગના પ્રશ્નો નહિવત્ છે. બ્લૂપેનિકને ફૂગ દ્વારા થતા રોગો આ પ્રમાણે છે :
1. ફૂગથી થતાં પાનનાં ટપકાં : Cercospora, Helminosporium, Colletotrichum તેમજ કેટલીક અન્ય ફૂગો આ વનસ્પતિના પાન ઉપર આક્રમણ કરે છે. તેનાથી પાન ઉપર જુદા જુદા આકાર અને રંગનાં ટપકાં અને ઝાળનું નિર્માણ થાય છે. આમ તો આ રોગ તીવ્ર સ્વરૂપમાં થતો નથી, તેથી બ્લૂપેનિક માટે આ રોગના નિયંત્રણમાં દવા છાંટવી તે આર્થિક રીતે મોંઘી પડે છે.
2. દાણાનો અંગારિયો : આ એક દાણાને થતો રોગ છે. આ રોગના ચેપથી ફૂલમાં આક્રમિત બીજાશયમાં દાણા બેસવાને બદલે ફૂગના કાળા રંગના બીજાણુઓ પેદા થાય છે. જોકે પાકનું સંવર્ધન ઘાસનાં જડિયાં અને ઘાસની ગાંઠવાળી ડાળીઓથી થતું હોવાથી પાકને ખાસ નુકસાન થતું નથી.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ