બ્લાંક, લૂઈ (જ. 29 ઑક્ટોબર 1811, માડ્રિડ; અ. 6 ડિસેમ્બર 1882, કેન્સ) : ફ્રેંચ સમાજવાદી, રાજનીતિજ્ઞ અને ઇતિહાસકાર. તેમનું પૂરું નામ બ્લાંક ઝ્યાં જૉસેફ લૂઇ હતું. તેમણે રોડેઝ અને ફ્રાંસ ખાતે શાલેય અભ્યાસ કર્યો. ત્યારબાદ બે વર્ષ ખાનગી શિક્ષક તરીકે કામ કર્યું. તેઓ 1839માં ‘રેવ્યુ દ પ્રૉગ્રેસ’ નામક ફ્રેંચ વર્તમાનપત્ર પ્રગટ કરવા લાગ્યા, જેમાં ‘ધી ઑર્ગેનિઝેશન ઑવ્ લેબર’ નામની લેખનશ્રેણી પ્રગટ થવા લાગી. તેના લેખો પછીથી ગ્રંથ રૂપે પ્રગટ થયા અને ઓગણીસમી સદીના મધ્યભાગ સુધીમાં તેની દસ આવૃત્તિઓ પ્રકાશિત થઈ. આ ગ્રંથથી તેમના વિચારો જાહેરમાં અભિવ્યક્ત થયા. તેથી ફ્રેંચ કામદારવર્ગોમાં તેઓ ખૂબ જાણીતા બન્યા. તેમની કારકિર્દીના ઘડતરમાં આ ગ્રંથ નિર્ણાયક પુરવાર થયો. આ ગ્રંથમાં તેમણે સ્પર્ધાત્મક ઉદ્યોગોની એટલે કે મૂડીવાદની ટીકા કરી હતી અને સામાજિક કાર્યશાળાઓ (social workshops) સ્થાપવાની ભલામણ કરી હતી.

લૂઈ બ્લાંક

તેઓ 1843માં ડાબેરી ઝોક ધરાવતા રિપબ્લિકનોના સામયિકમાં જોડાયા. આ દરમિયાન ચૂંટણીઓ અંગેની જાહેર સભાઓમાં, મિટિંગોમાં ચૂંટણી-સુધારાઓની ભલામણ કરતા. 22 ફેબ્રુઆરી, 1848માં પૅરિસમાં આવી જ એક સભામાં તેમના ઉશ્કેરણીજનક ભાષણને લીધે સભા બંધ કરવાની ફરજ પડી હતી. 23 ફેબ્રુઆરી, 1848ના રોજ ફ્રાંસના પ્રજાસત્તાક વિરુદ્ધ હુલ્લડો ફાટી નીકળ્યાં અને અંતે ફ્રેંચ પ્રજાસત્તાકનો અંત આવ્યો. 25 ફેબ્રુઆરી, 1848માં રચાયેલ બીજા ફ્રેંચ પ્રજાસત્તાકની કામચલાઉ સરકારમાં તેમની નિમણૂક થઈ. આ સરકાર સમક્ષ તેમણે બે મુખ્ય દરખાસ્તો રજૂ કરી – એક, કામદારોને કામ દ્વારા ભરણપોષણ પૂરું પાડવાની જવાબદારી અને બે, પ્રત્યેક નાગરિક માટે કામની બાંયધરી. તેમની આ દરખાસ્તો સરકારે સ્વીકારી. ત્યારપછી તેમણે કામદારોના પ્રશ્નો અંગે ઘણું કામ કર્યું. આ દરમિયાન 1848ની ક્રાંતિ માટે તેમને તકસીરવાર ઠેરવવામાં આવતાં તેઓ ફ્રાંસમાંથી લંડન ભાગી ગયા અને લૂઇ નેપોલિયનના સામ્રાજ્યના પતન પછી 22 વર્ષ બાદ, 1870માં ફ્રાંસ પાછા ફર્યા. કામદારોના ક્ષેત્રે તેમની નોંધપાત્ર કામગીરીને કારણે તેમને ‘લક્સમબર્ગ કમિશન’ના ચૅરમૅન નીમવામાં આવ્યા. આ કામગીરી દરમિયાન તેમણે શ્રમિકો અને ઉદ્યોગોની જરૂરિયાત અનુસાર શ્રમજીવીઓની કામગીરીની પુનર્રચનાની ભલામણો કરી હતી.

1870માં ફ્રાંસ પરત આવ્યા બાદ, તેમણે ચૂંટણીઓમાં ઝંપલાવ્યું અને 1871માં નૅશનલ ઍસેમ્બ્લી (ફ્રાંસની ધારાસભા)માં વિક્ટર હ્યુગો જેવા જાણીતા વિદ્વાનને હરાવી ચૂંટાઈ આવ્યા. 1876માં તેઓ ફરી ચૂંટાઈ આવ્યા. આ સમય દરમિયાન પણ ડાબેરી વિચારો સાથે તેઓ કામદારો માટે લડતા રહ્યા.

તેમના અવસાન બાદ તેમના મિત્રોએ તેમના દીર્ઘજીવન દરમિયાનનાં સૌથી અગત્યનાં પ્રવચનોનો ‘Discours Politiques’ નામક સંગ્રહ પ્રગટ કર્યો હતો.

‘ધી ઑર્ગેનિઝેશન ઑવ્ લેબર’ (1840) તેમનો પ્રથમ અને સુપ્રસિદ્ધ ગ્રંથ હતો. લંડનના નિવાસ દરમિયાન તેમણે 1848માં ‘રેવોલ્યૂશન ઑવ્ 1848’ ગ્રંથ લખ્યો. ત્યારબાદ તેમનો ‘હિસ્ટરી ઑવ્ ફ્રેંચ રેવોલ્યૂશન’ (1862) ગ્રંથ પ્રગટ થયો. તેમનો ‘ધ હિસ્ટરી ઑવ્ ટેન યર્સ’ (1830–40) ગ્રંથ બે ભાગમાં પ્રગટ થયો છે, જેની બીજી આવૃત્તિ 1844–45માં અને તેનું પુનર્મુદ્રણ 1969માં પ્રગટ થયાં. વળી ‘હિસ્ટ્રી ઑવ્ ધ રેવોલ્યૂશનરી રિફ્રેન્ચાઇઝ’ નામક (1847–62) તેમનો ગ્રંથ 12 ખંડોમાં પ્રકાશિત થયેલો, જેમાં તેમણે એ યુગની રાજકીય, આર્થિક ને સામાજિક પરિસ્થિતિનું બયાન કર્યું છે. લંડનવાસ દરમિયાન તેમણે ‘હિસ્ટૉરિકલ રિવિલેશન્સ : ઇન્સ્ક્રાઇબ્ડ ટુ લૉર્ડ નૉર્મનબી’ (1858, પુનર્મુદ્રિત : 1971) ગ્રંથ અંગ્રેજી ભાષામાં પ્રગટ કર્યો હતો. આ ઉપરાંત પણ તેમણે બીજા ઘણા ગ્રંથો લખ્યા હતા.

રક્ષા મ. વ્યાસ