બ્લન્ડન, એડમંડ ચાર્લ્સ (જ. 1896, કૅન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 1974) : આંગ્લ કવિ અને વિવેચક. તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો. પછી 1924થી 1927 સુધી તેમણે ટોકિયો યુનિવર્સિટી ખાતે અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર તરીકે કાર્ય કર્યું. 1931માં તેઓ ઑક્સફર્ડની મેટ્રૉન કૉલેજમાં ફેલો નિમાયા.

1943માં તેઓ ‘ધ ટાઇમ્સ લિટરરી સપ્લિમેન્ટ’ના સ્ટાફમાં જોડાયા. 1953માં તેઓ હૉંગકૉંગ યુનિવર્સિટીમાં અધ્યાપક બન્યા. 1966થી 1968 સુધી તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં કાવ્યશાસ્ત્રના પ્રોફેસર તરીકે કાર્ય કર્યું.

તેઓ ઇંગ્લૅન્ડના ગ્રામીણ જીવન તથા પ્રકૃતિના બેહદ ચાહક હતા. મુખ્યત્વે ‘પૅસ્ટૉરલ્સ’ (1916) તથા ‘વૅગ્નર ઍન્ડ અધર પૉએમ્સ’ જેવા કાવ્યસંગ્રહો જોતાં તેમનો પ્રતિભાવિશેષ પ્રકૃતિકાવ્યોમાં જણાય છે. તેમનો નિબંધસંગ્રહ ‘અંડરટોન્સ ઑવ્ વૉર’ (1928) પણ સાહિત્યક્ષેત્રે તેમનું એક ઉત્તમ પ્રદાન લેખાયું છે.

મહેશ ચોકસી