બ્રૉન્ટ, શાર્લોટ (જ. 21 એપ્રિલ 1816, થૉર્નટન, યૉર્કશાયર; અ. 31 માર્ચ 1855) : આઇરિશ અંગ્રેજ નવલકથાકાર અને કવયિત્રી. પિતા પૅટ્રિક, પાદરી. માતા મારિયાનું અવસાન થયું ત્યારે શાર્લોટની વય પાંચ વર્ષની હતી. શિક્ષણ કાઉઆન બ્રિજની ‘કવર્જી ડૉટર્સ સ્કૂલ’માં. જેન આયર’ નવલકથામાંની લોવુડની શાળા તે આ જ. પાછળથી શાળાએ જવાનું બંધ થતાં ઘરમાં જ અભ્યાસ ચાલુ રાખ્યો. વાંચવાનો ભારે શોખ. તેમની અન્ય સાહિત્યકાર બહેનો ઍન અને એમિલી તથા ભાઈ બ્રાનવેલની જેમ ‘અરેબિયન નાઇટ્સ’ અને બાયરન, સર વૉલ્ટર સ્કૉટ જેવા લેખકોનાં પુસ્તકો વાંચવાનું શાર્લોટને જાણે કે વ્યસન થઈ પડ્યું. તરંગતુક્કાથી ભરેલું સામયિક ભાઈબહેનો લખતાં. વચમાં એક વર્ષ માટે શાર્લોટે મિસ વુલર્સની શાળામાં અભ્યાસ કર્યો. આ જ શાળામાં તે શિક્ષિકા બની. સિજવિક અને વ્હાઇટ પરિવારોમાં વારાફરતી ગવર્નેસ તરીકે રહી. બ્રસેલ્સની પેન્શનેટ હેજર સંસ્થામાં ફ્રેન્ચ તથા જર્મન ભાષાઓનો અભ્યાસ કર્યો. ત્રણેય બહેનોએ ‘પોયમ્સ બાય ક્યુરર, એલિસ ઍન્ડ ઍક્ટન બેલ’ (1846) નામે કાવ્યસંગ્રહ પ્રકાશિત કર્યો. શાર્લોટની પ્રથમ નવલકથા ‘ધ પ્રોફેસર’ લખાઈ; પરંતુ તેના જીવનકાળ દરમિયાન તે પ્રસિદ્ધ થઈ શકી નહિ. આ પછી તેણે ‘જેન આયર’ (1847) નવલકથા ‘બેલ’ તખલ્લુસથી લખી. લોકોને તે ગમી, પરંતુ તેની ખરેખર લેખિકા કોણ હશે તે જાણવાનું કુતૂહલ થયું. શાર્લોટનાં ભાઈ બ્રાનવેલ અને બહેન એમિલી બંનેનાં અવસાન 1848માં થયાં. કરુણ અનુભવની તે પળોમાં તેણે ‘શર્લી’ (1849) નવલકથા લખી. આ અરસામાં શ્રીમતી ગાસ્કેલની મૈત્રી પ્રોત્સાહક બની. ગાસ્કેલે શાર્લોટનું જીવનચરિત્ર સુપેરે આલેખ્યું. બ્રસેલ્સનાં સ્મરણો બ્યાન તેણે ‘વિલેટ’(1853)માં કર્યું. પોતે ‘ક્યુરર બેલ’ના તખલ્લુસથી જ લખવાનું ચાલુ રાખ્યું. 1854માં એ.બી. નિકોલ્સ સાથે તેમણે લગ્ન કર્યું. જોકે પોતાના બાળકને જન્મ આપે તે પહેલાં તેનું અવસાન થયું. કૉર્નહિલ મૅગેઝીનમાં ‘એમા’(1860)નો કેટલોક ભાગ પ્રસિદ્ધ થયો. સુપ્રસિદ્ધ નવલકથાકાર થૅકરેએ તેનો ઉપોદઘાત લખ્યો. બ્રૉન્ટ બહેનોમાં શાર્લોટના ચાહકોનો એક મોટો વર્ગ હતો. તેણે અનેક લાગણીસભર વાસ્તવિક ચરિત્રચિત્રણો આપ્યાં.
શાર્લોટની સર્વશ્રેષ્ઠ કૃતિ ‘જેન આયર’ છે. આ નવલકથા આત્મકથનાત્મક પ્રકારની છે. શ્રીમતી રીડ, હર્શ, મિસ ટૅમ્પલ અને હેલન બર્ન્સ જેવાં કમનસીબ અને અત્યંત દુ:ખી પાત્રોની સૃષ્ટિ વાચકને શાર્લોટના જીવનનું હૂબહૂ દર્શન કરાવે છે. નવલકથાના અંતે નાયિકા જેન રૉચેસ્ટર સાથે લગ્ન કરે છે. આ લાગણીપ્રધાન નવલકથામાં તેમની કથાનક કહેવાની રીત આગવી અને વાચકને ગમે તેવી છે.
યોગેશ જોશી
વિ. પ્ર. ત્રિવેદી