બ્રૉડવે : અમેરિકન વ્યાવસાયિક રંગભૂમિનું મુખ્ય કેન્દ્ર. ન્યૂયૉર્કનો એક વિશાળ રસ્તો કે જેના ઉપર, અથવા જેને ફંટાતા અનેક રસ્તાઓ પર, એ શહેરનાં મોટાભાગનાં વ્યાવસાયિક નાટ્યગૃહો આવેલાં છે. એ નાટ્યગૃહોમાં જે રીતે, અને જે પ્રકારનાં, નાટકો આજ સુધી રજૂ થતાં આવ્યાં છે તેને લગતી સમગ્ર વ્યાવસાયિક નાટ્યપ્રવૃત્તિ માટે આ શબ્દ વાપરવામાં આવે છે; દા.ત., ‘બ્રૉડવે નાટક’ કે ‘બ્રૉડવે નાટ્યપ્રવૃત્તિ’. તેમાં મુખ્યત્વે લોકરંજન, કૉમેડી, મ્યુઝિકલ કૉમેડી, અથવા અતિરંજક તત્વોથી ભરપૂર રહસ્ય ઘૂંટતાં નાટકો હોય છે. ઇંગ્લૅન્ડમાં આ પ્રકારની નાટ્યપ્રવૃત્તિનું કેન્દ્ર લંડનમાં ‘વેસ્ટ એન્ડ’ અથવા ‘શાફટેસબરી ઍવેન્યૂ’ વિસ્તારમાં છે; એ નાટકો અને નાટ્યપ્રવૃત્તિને ‘વેસ્ટ એન્ડ નાટ્યપ્રવૃત્તિ’ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં ત્યાં જૂની રંગભૂમિની નાટ્યપ્રવૃત્તિને ભાંગવાડી થિયેટર પરથી ‘ભાંગવાડી નાટક’ કે એવી નાટ્યપ્રવૃત્તિ તરીકે કેટલાકે ઓળખાવી પણ છે. અને એ જ રીતે ‘મુંબઈનું નાટક’ એવો ઉક્તિપ્રયોગ પણ વિશિષ્ટ પ્રકારના નાટ્યમાળખાનો સૂચક બન્યો છે. બ્રૉડવે રસ્તા પર પણ ‘બ્રૉડવે’ નામનું એક નાટ્યગૃહ (સ્થાપના : 1847) હતું, જ્યાં એડવિન બૂથ, એલેન ટેરી અને સર હેન્રી ઇરવિંગ જેવાં નટ-નટીઓએ અભિનય કર્યો હતો. આ બ્રૉડવે વિસ્તારમાં 1703થી ધીમે ધીમે નાટ્યગૃહો બંધાતાં, અને પછી બંધ પડતાં કે ભંગાતાં રહ્યાં છે. અમેરિકામાં શેક્સપિયરનાં નાટકોની શરૂઆત પણ આ બ્રૉડવે પર થઈ હતી. પ્રારંભથી અત્યાર સુધીમાં જે થિયેટરો કે નાટ્યગૃહો આ વિસ્તારમાં સક્રિય હતાં એમાં ખૂબ નોંધપાત્ર તે આ : જૉન થિયેટર, ઍન્થની થિયેટર, ચથામ થિયેટર, બૉવેરી થિયેટર, એસ્ટર પૅલેસ ઑપેરા હાઉસ, પાઇક ઑપેરા હાઉસ, મેટ્રોપોલીન ઑપેરા હાઉસ, લ્યુસિયમ થિયેટર, ફિફ્થ ઍવેન્યૂ થિયેટર, બીજું ઑપેરા થિયેટર, ઑલિમ્પિક થિયેટર, પ્લીમાઉથ થિયેટર, મ્યુઝિક હાઉસ, વિન્ટરગાર્ડન થિયેટર અને કેટલીક સંગીત અકાદમીઓ વગેરે. દેશનાં નાનાં શહેરો કે કેન્દ્રોમાં નવોદિત કલાકારો ઓછી સાધનસંપત્તિએ પોતાની નાટ્યપ્રવૃત્તિમાં જે અવનવા પ્રયોગો કરે એમની એ અવેતનિક વૈકલ્પિક પ્રવૃત્તિને બ્રૉડવેની જુદા પ્રકારની એટલે કે ‘ઑફ બ્રૉડવે (બ્રૉડવેથી દૂર) નાટ્યપ્રવૃત્તિ’ના નામે ઓળખાવાય છે. જોકે એમાંથી કેટલાંક નાટ્યજૂથો તો પોતાનું નાટક બ્રૉડવેના કોઈ થિયેટરમાં ભજવાય એને જ મોટી સિદ્ધિ માને છે. અલબત્ત, કેટલાંક નાટ્યજૂથો એવાંયે છે, જે પોતાની પ્રાયોગિક રંગભૂમિને ‘ઑફ-ઑફ બ્રૉડવે’ રંગભૂમિ તરીકે ગણાવે છે; અને પોતાનો એ જુદો ચોકો સાચવી રાખવામાં ગૌરવ માને છે. ‘બ્રૉડવે નાટક’ અનેક રીતે વિશિષ્ટ પ્રકારનું નાટ્યમાળખું છે, અને એ લોકપ્રિય વ્યાવસાયિક નાટ્યપ્રવૃત્તિનો પર્યાય છે. એ માહોલથી કંઈક અવનવું કરવાની ખેવના જાગી ત્યારે બ્રૉડવેના સફળ નટદિગ્દર્શકો પ્રેક્ષકોની બીબાંઢાળ રસવૃત્તિથી અલગ પ્રકારનાં અને પોતાને ગમતાં આવાં ગાર્દ નાટકો કરવા બ્રૉડવેથી દૂર–ઑફ બ્રૉડવે કેન્દ્રોમાં દોડી જતા હોય છે.
મહેશ ચંપકલાલ શાહ
હસમુખ બારાડી