બ્રૉક્વે, (આર્ચિબાલ્ડ) ફેનર (જ. 1888, કલકત્તા; અ. 1988) : બ્રિટનના રાજકારણી અને અગ્રણી શાંતિવાદી. તેમનો જન્મ મિશનરી કુટુંબમાં થયો હતો. ઉત્તરોત્તર તેમને જાહેર જીવનની સક્રિય પ્રવૃત્તિમાં વિશેષ રસ પડવા લાગ્યો.
અણુશસ્ત્રો પર પ્રતિબંધ મૂકવાની ઝુંબેશના તેઓ સ્થાપક અને જોશીલા હિમાયતી હતા. તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો પત્રકારત્વથી. પછી ‘ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી’માં જોડાયા અને શાંતિવાદી પ્રવૃત્તિના પ્રખર સમર્થક તરીકે કાર્ય કરતા રહ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમને જેલવાસ વેઠવો પડ્યો હતો. 1929–31 દરમિયાન પ્રથમ વાર તથા 1950–64ના ગાળામાં બીજી વાર તેઓ બ્રિટિશ પાર્લમેન્ટમાં ચૂંટાયા. 1964માં તેમની આજીવન ‘પિયર’ તરીકે નિમણૂક થઈ હતી.
મહેશ ચોકસી