બ્રેમન : વાયવ્ય જર્મનીમાં આવેલું બ્રેમન રાજ્યનું પાટનગર, ઉત્તર યુરોપનું જાણીતું ઔદ્યોગિક અને વ્યાપારી મથક તથા ઉત્તર જર્મની વિસ્તારનું મહત્વનું નદીબંદર. ભૌગોલિક સ્થાન : તે 53° 08´ ઉ. અ. અને 8° 47´ પૂ. રે. પર ઉત્તર સમુદ્ર કિનારાથી દક્ષિણે આશરે 70 કિમી. અંતરે વેઝર નદીને બંને કાંઠે વસેલું છે. 404 ચોકિમી. વિસ્તાર ધરાવતું બ્રેમન દરિયાકિનારા પરના 1830માં ખુલ્લા મુકાયેલા બહારી બંદર બ્રેમરહેવન (80 ચોકિમી.) સાથે નદીનાળ (estuary) પ્રદેશથી જોડાયેલું છે. જર્મનીમાં બંદરો અને ગોદીઓના સંદર્ભમાં મહત્વની ર્દષ્ટિએ હેમ્બર્ગ પછી બ્રેમનનો ક્રમ આવે છે. આ બંદરી શહેર સુધી વેઝર નદી મારફતે મધ્યમ કદનાં વહાણોની અવરજવર થઈ શકે છે, જ્યારે બ્રેમરહેવનનો બહારી બંદર તરીકે ઉપયોગ થાય છે. 1947માં બ્રેમરહેવનને બંદર તરીકે વધુ વિકસાવીને બ્રેમન સાથે સાંકળી લેવામાં આવેલું છે. આ બંને બંદરો સંયુક્ત રીતે વાર્ષિક 3.5 કરોડ ટન જેટલા માલસામાનની હેરફેર કરે છે. આ ઉપરાંત વેઝર નદીને જર્મન નહેર યોજના સાથે પણ સાંકળી લેવામાં આવેલી છે.

ભૂપૃષ્ઠ : આ સ્થળ મૂળ તો નદીનાળને કાંઠે રેતીના ઢૂવા નજીક વસેલું. વેઝર નદીમાં આવતાં પૂરનાં પાણીની અસરને કારણે તેનો ખીણવિસ્તાર પહોળો બનેલો છે. તેમાં ભૂતકાળમાં થયેલો હિમનદીજન્ય ઘસારો પણ કારણભૂત છે. હિમયુગ પૂરો થઈ ગયા બાદ તત્કાલીન પંકપ્રદેશો તથા ઉજ્જડ ભૂમિના નીચાણવાળા ભાગોમાં પવનો ફૂંકાવાથી 15 મીટર જાડાઈનો રેતીનો થર જામેલો છે. વળી અહીં તૈયાર થયેલા 40 કિમી. લાંબા અને 3 કિમી. પહોળા રેતીના ઢૂવાઓને કારણે આ શહેર ત્યાંથી ઉત્તર-દક્ષિણ તરફ નાનીમોટી વસાહતોથી વિસ્તરતું ગયેલું છે. 1849થી 1945નાં લગભગ સો વર્ષના ગાળા દરમિયાન તેનો વિસ્તાર 324 ચોકિમી. જેટલો થયેલો. આજે તે વધુ વિસ્તર્યું છે.

બ્રેમનનું અર્થતંત્ર મુખ્યત્વે તો વહાણવટા અને વેપાર પર નભે છે. અહીં જહાજવાડો, હવાઈ જહાજોનું બાંધકામ, ખનિજતેલ રિફાઇનરી, મોટરગાડીઓ, વીજઉપકરણો સુતરાઉ કાપડ અને ખાદ્યપ્રક્રમણના ઔદ્યોગિક એકમો આવેલા છે. અન્ય ઉદ્યોગોમાં શણવણાટ, અનાજ દળવાની મિલો, રસાયણોની પ્રક્રિયા તથા દરિયાઈ સાધનસામગ્રીનો સમાવેશ થાય છે. અહીં કાચા પોલાદનું મથક છે. તે ઉપરાંત તે કપાસ, તમાકુ, કૉફી તથા ઊનના આયાતી વેપારની તેમજ વહાણવટા માટે દલાલોનો ઇજારો પણ ભોગવે છે. 1993 મુજબ અહીં 354 જેટલા ઔદ્યોગિક એકમોમાં 77,828 જેટલા લોકો કામ કરે છે. 20મી સદીનાં છેલ્લાં વર્ષોમાં વહાણવટાના વિદેશી વેપાર માટે તથા ઉદ્યોગોના વિકાસ અર્થે બ્રેમન અને બ્રેમરહેવન બંદરોને જકાતમુક્તિની સુવિધા અપાઈ હોવાથી તે ધીકતું બંદર બની રહેલું છે. અહીં 108 કિમી.ના રસ્તાઓનો વિકાસ કરવામાં આવ્યો છે. 1992 મુજબ, 9900 હેક્ટર જમીન ખેતી હેઠળ છે. દેશમાં 14,041 જેટલાં પશુઓ છે. ગાયો, ઘેટાં, ઘોડા, ભુંડ મુખ્ય પશુઓ છે. મરઘાં ઉછેર પણ થાય છે.

જોવાલાયક સ્થળો : અહીંનાં જાણીતાં ઐતિહાસિક સ્થળોમાં 11મી સદીના રોમન ગૉથિક શૈલીના સેન્ટ પીટરના કૅથિડ્રલનો, 1404ના રૉલેન્ડના બાવલાનો અને 15મી સદીમાં બાંધેલા ગૉથિક શૈલીના નગરગૃહનો સમાવેશ થાય છે. કેટલાંક મધ્યકાલીન દેવળો, કાપડના વેપારીઓનો ગિલ્ડ હૉલ તથા કેટલીક જૂની ઇમારતોની પણ જોવાલાયક સ્થળોમાં ગણના થાય છે. 1957 અને 1962ના ગાળા દરમિયાન આ શહેરથી 5 કિમી. અંતરે ન્યૂ વાહર (Neue Vahr) નગરનું અદ્યતન ઉપગ્રહ મથક પણ સ્થપાયું છે. 1970માં બ્રેમન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત અહીં ઘણાં થિયેટરો, હૉટેલો, કલબો, 10,000 બેઠકોની ક્ષમતાવાળો કાગ્રેસખંડ, પુસ્તકાલયો, વિવિધ સ્થાપત્ય-શૈલીવાળી ઇમારતો, સંગ્રહાલયો અને ગૅલરીઓ તેમજ ઉદ્યાનો અને રમતગમત માટેનાં મેદાનો પણ છે.

વસ્તી : જર્મનીનાં મોટાં ગણાતાં દસ શહેરોમાં આજે બ્રેમનની ગણતરી થાય છે. 18મી સદીના મધ્યકાળનાં વર્ષોમાં માત્ર 30,000ની વસ્તી ધરાવતું આ નગર તેના મોકાના સ્થાનને કારણે ક્રમે ક્રમે થયેલા ઔદ્યોગિક અને આર્થિક વિકાસથી સતત વિસ્તરતું રહ્યું છે. તેની વસ્તી 1880માં આશરે 1,62,000, 1920માં આશરે 2,64,000 અને 1939માં આશરે 4,24,000 જેટલી થઈ ગયેલી. પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલી તારાજીથી તે ઘટીને 3,62,000 થયેલી. પછીથી તેના ઝડપી પુનનિર્માણથી ફરીથી તેની વસ્તી વૃદ્ધિ થતી ગઈ છે. તાજેતરમાં તેની વસ્તી આશરે 6,83,000 (1994) જેટલી છે. તે પૈકી 61 % પ્રોટેસ્ટંટ તથા 10 % રોમન કૅથલિક મુખ્ય છે. બ્રેમનમાં ધંધા રોજગારી આદિની તાલીમી શાળાઓ, જાહેર સ્વાસ્થ્ય-કેન્દ્રો, યુનિવર્સિટી તથા કૉલેજોની સુવિધા છે.

ઇતિહાસ : બ્રેમ અથવા બ્રેમન નામથી ઓળખાતી જૂની ગણાતી વસાહત અહીં વેઝર નદીને પૂર્વકાંઠે વસતી હતી. રહાઇનથી એલ્બ નદીના જળમાર્ગ પર તથા ઉત્તર સમુદ્રથી દક્ષિણ જર્મની તરફ જતા માર્ગ વચ્ચે આવતું આ સ્થળ મોકાનું ગણાતું. 787માં પશ્ચિમ યુરોપના તે વખતના રોમન શહેનશાહ શાર્લમૅને આ સ્થળને પાદરીઓના મથક તરીકે પસંદ કરેલું. 845માં તે પાદરીઓનો મઠ બનેલું. અહીંથી આખા ઉત્તર યુરોપીય વિસ્તારમાં ખ્રિસ્તી ધર્મનાં પ્રસાર-પ્રચારની પ્રવૃત્તિ થતી હતી. ધીમે ધીમે ઉત્તર જર્મનીમાં આ સ્થળનું ધાર્મિક તથા આર્થિક મહત્વ વધતું ગયું. ઈસુની 11મી સદીમાં ત્યાં ગૉથિક શૈલીનું સેન્ટ પીટરનું મંદિર બાંધવામાં આવ્યું હતું. 1358માં તે હેન્સિયાટિક સંઘ(Hanseatic League)નું સભ્ય બન્યું. 1646માં બ્રેમન સ્વાયત્ત શહેર બન્યું. વેઝર નદીની બંને બાજુ કિલ્લેબંધી થઈ. 1618થી 1648 સુધીના ત્રીસ વર્ષીય યુદ્ધમાં આ શહેરે પોતાની સ્વાયત્તતા જાળવી રાખવા ત્યાં થયેલા હુમલાઓ ખાળેલા તથા સ્વીડન અને હેનોવરના હુમલાઓ સામે પણ તે પ્રતિકાર કરતું રહેલું. ત્રીસ વર્ષીય યુદ્ધની સમાપ્તિ વખતે વેસ્ટફેલિયાની સંધિ અન્વયે બ્રેમનનો મોટોભાગ સ્વીડનના શાસન હેઠળ મુકાયો હતો; પરંતુ 1741માં તે ફરીથી સ્વાયત્ત બન્યું. 1810માં નેપોલિયને બ્રેમનને ફ્રાન્સ સાથે જોડ્યું હતું. 1815 સુધી તે સ્વાયત્ત રહ્યું. 1815માં તે જર્મન સમવાયતંત્રમાં જોડાયું. યુ.એસ. સાથે પ્રથમ જર્મન વ્યાપાર કરારનું ભાગીદાર થતાં, તેનો આંતરરાષ્ટ્રીય વેપારી મથક તરીકે વિકાસ થતો ગયો. વળી 1827–30ના અરસામાં બ્રેમન નદીબંદર માટે બ્રેમર-હેમનનો બહારી બંદર તરીકે વિકાસ થવાથી વેપારની ક્ષમતા વધી. 1871માં નવા રચાયેલા જર્મન સામ્રાજ્યમાં તે જોડાયું. 1888માં અહીં બંદરી સુવિધાઓ વધતાં તેમજ અહીં ઉત્પાદકીય ઉદ્યોગોનો વિકાસ થતાં તમાકુ, કપાસ, ડાંગર, ખનિજતેલ જેવી આયાતી પેદાશો માટેનું પ્રધાન બંદર બનવાથી બ્રેમનનું આર્થિક મહત્ત્વ વધી ગયું. 1919ના જાન્યુઆરીમાં સામ્યવાદીઓએ સોવિયેત રાજ્ય તરીકે બ્રેમન માટે દાવો કરેલો. પરંતુ અહીંનાં દળોએ તે દાવાને દબાવી દીધો. ત્યારપછી સમાજવાદી લોકશાહી ઢબના ઉદારતાવાદી બંધારણની રચના થઈ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અહીંની 70 % ઇમારતો નષ્ટ થયેલી, જેનું ઘણી ઝડપથી પુનર્નિર્માણ પણ કરવામાં આવ્યું. આજે 100 સભ્યોની બનેલી સૅનેટ તેનો વહીવટ સંભાળે છે.

ગિરીશભાઈ પંડ્યા

મુગટલાલ પોપટલાલ બાવીસી