બ્રેખ્ત, આર્નોલ્ડ (જ. 26 જાન્યુઆરી 1884, લુબેક, જર્મની; અ. 11 સપ્ટેમ્બર 1977, યુટીન, પશ્ચિમ જર્મની) : જર્મનીમાંથી દેશનિકાલ પામેલ લોકસેવક, વિચારક અને અગ્રણી રાજ્યશાસ્ત્રી. રાજ્યશાસ્ત્રના વૈજ્ઞાનિક સિદ્ધાંતોના ગૂઢ અર્થો પ્રગટ કરવા અંગે તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે.
જર્મનીની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યા બાદ તેઓ 1906માં લિપઝિગ યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રના સ્નાતક બન્યા. સરકારી નોકરીમાં સેવા દરમિયાનની તાલીમ લીધા બાદ 1910માં લુબેકમાં તેઓ ન્યાયાધીશ નિમાયા. આ જ વર્ષે બર્લિન ખાતે સરકારના ન્યાયવિભાગમાં તેમણે વહીવટી કારકિર્દીની શરૂઆત કરી અને લગભગ 7 વર્ષ સુધી સેવા આપી. 1918માં તેઓ 3 વર્ષ માટે ચાન્સેલરી એઇડ – પશ્ચિમ જર્મનીના મુખ્ય પ્રધાન – બન્યા. 1921થી 1927 દરમિયાન તેમણે ગૃહ વિભાગમાં નીતિ અને બંધારણ વિભાગના નિયામક અને સુધારાવાદી વડા તરીકે સેવા આપી. 1927ની મધ્યમાં તેમને રાજકીય કારણોસર હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા. ત્યારબાદ રીચસ્ટાગમાં પ્રશિયાના પ્રતિનિધિ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી અને જર્મનીના બંધારણીય પુનર્ગઠનના પ્રયાસોમાં તેમણે ભાગ લીધો. જોકે આ પ્રયાસ નિષ્ફળ નીવડ્યા હતા. હિટલરના ‘રાષ્ટ્રીય સમાજવાદી’ શાસન હેઠળ 1933માં તેમની ધરપકડ કરવામાં આવી, પરંતુ બિનનાઝી પ્રધાનોની દરમિયાનગીરીને કારણે તેમને તુરત જ મુક્ત કરવામાં આવ્યા. નવેમ્બર 1933માં તેમણે અમેરિકામાં આશ્રય લીધો. ત્યાં તેમણે ન્યૂયૉર્ક શહેરની ‘ન્યૂ સ્કૂલ ફૉર સોશિયલ રિસર્ચ’માં અસાધારણ બૌદ્ધિક પ્રતિભા દર્શાવી અને 1954માં ત્યાંથી નિવૃત્ત થતાં સુધી ત્યાં નોંધપાત્ર કામગીરી બજાવી.
રાજ્યશાસ્ત્રનો અભ્યાસ વૈજ્ઞાનિક વિદ્યાશાખા સ્વરૂપે કરવા પર તેમણે પોતાનું ધ્યાન કેંદ્રિત કર્યું હતું. તેમના ખ્યાતિપ્રાપ્ત ગ્રંથ ‘પોલિટિકલ થિયરી’(1959)માં તેમણે રાજ્યશાસ્ત્રના બિનવૈજ્ઞાનિક સિદ્ધાંતોમાંથી વૈજ્ઞાનિક સિદ્ધાંતો અલગ તારવી બતાવ્યા. આ અંગેના તેમના સિદ્ધાંતો ‘સ્ટાન્ડર્ડ વૅલ્યૂ રિલેટિવિઝમ’ તરીકે જાણીતા બન્યા હતા. તે ઉપરાંત, સમવાયતંત્ર અને સર્વસત્તાવાદની સંસ્થાકીય અને બંધારણીય સમસ્યાઓ વિશે પણ બ્રેખ્ટે લેખો લખ્યા, જે પ્રશંસાને પાત્ર બન્યા.
તેમણે વિપુલ લેખનકાર્ય કર્યું હતું : ‘પ્રિલ્યૂડ ટૂ સાયલન્સ : ધી એન્ડ ઑવ્ ધ જર્મન રિપબ્લિક’ (1944); ‘ફેડરાલિઝમ ઍન્ડ રીજિયોનાલિઝમ ઇન જર્મની’ (1945); ‘ધ પોલિટિકલ ફિલૉસોફી ઑવ્ આર્નોલ્ડ બ્રેખ્ટ’ (1954); ‘સેંચ્યુરી થૉટ’ (1959) અને ‘ધ પોલિટિકલ એજ્યુકેશન ઑવ્ આર્નોલ્ડ બ્રેખ્ટ’ (1970) વગેરે તેમના ખૂબ જાણીતા લેખો છે.
રક્ષા મ. વ્યાસ