બ્રેકિનરિજ, જૉન સી (જ. 1821, લેક્સિકૉન નજીક, કેનટકી અમેરિકા; અ. 1875) : અમેરિકાના ઉપ-પ્રમુખ. 1847 સુધી તેમણે વકીલાતનો વ્યવસાય કર્યો. તે પછી તેઓ મેક્સિકન યુદ્ધ માટે રચાયેલા સ્વયંસેવક દળના મેજર તરીકે પસંદગી પામ્યા હતા. 1851થી 1855 સુધી તેઓ અમેરિકાની કૉંગ્રેસના સભ્ય રહ્યા. 1856માં તેઓ બુચનાનના શાસનકાળ દરમિયાન ઉપ-પ્રમુખપદે સ્થાન પામ્યા. 1860માં ગુલામીની પ્રથાની તરફેણ કરનારા ઉમેદવાર તરીકે પ્રમુખપદના સ્થાન માટે ચૂંટણી લડ્યા, પરંતુ લિંકન સામે તેમની હાર થઈ. જેફર્સન ડેવિસના પ્રધાનમંડળમાં તેમણે સેક્રેટરી તરીકે ફરજ બજાવી હતી. આંતરવિગ્રહ પૂરો થતાં, તેઓ યુરોપ તરફ નાસી નીકળ્યા હતા અને 1868માં તેઓ પુન:સ્વદેશ પાછા ફર્યા હતા.
મહેશ ચોકસી