બ્રૂસાઇટ (brucite) : મૅગ્નેશિયમ હાઇડ્રૉક્સાઇડ બંધારણ ધરાવતું ખનિજ. રાસા. બં. : Mg(OH)2. સ્ફ. વ. : હેક્ઝાગૉનલ (ટ્રાયગૉનલ-કૅલ્સાઇટ પ્રકાર). સ્ફ. સ્વ. : સ્ફટિકો મોટેભાગે પહોળા મેજ આકારના, પ્રિઝમૅટિક; ભાગ્યે જ સોયાકાર (મેંગોનોન). ઘણુંખરું પત્રબંધ રચનાવાળા દળદાર; નીમાલાઇટ પ્રકાર રેસાદાર, ભીંગડા જેવો કે સૂક્ષ્મ દાણાદાર પણ મળે. પારદર્શકથી અર્ધપારદર્શક. સંભેદ : (0001) પૂર્ણવિકસિત. ભંગસપાટી : શક્યતા ઓછી કારણકે પતરીઓ છૂટી પાડી શકાય એવી અને સ્થિતિસ્થાપક, નમનીય હોય છે. તોડ્યા વિના કાપી શકાય એવો ગુણધર્મ આ ખનિજ ધરાવે છે. ચમક : મૌક્તિક, મીણ જેવી, કાચમય; રેસાદાર પ્રકારોમાં રેશમી. રંગ : શ્વેત, આછો લીલો, રાખોડી, રાખોડી-ભૂરો, ભૂરો. મેંગોનોન પ્રકાર પીળાશ પડતો કે ઘેરો કથ્થાઈ રંગ બતાવે છે. ચૂર્ણરંગ : સફેદ. કઠિનતા : 2.5. વિ. ઘ. : 2.39 ± 0.01. પ્રકા. અચ. : ω = 1.559થી 1.59, ε = 1.580થી 1.60. પ્રકા. સંજ્ઞા : +Ve, એકાક્ષી.

બ્રૂસાઇટ

ઉત્પત્તિ : મૅગ્નેશિયન ચૂનાખડક અને ડૉલોમાઇટ ખડકો પર ઉષ્ણતાવિકૃતિ થતાં તેમાં રહેલા પેરિક્લેઝ (MgO) પર પાણીની પ્રક્રિયા થવાથી તે તૈયાર થાય છે. પેરિક્લેઝ અને બ્રૂસાઇટસમૃદ્ધ કાર્બોનેટ ખડકો પ્રેડાઝાઇટ્સ કહેવાય છે.

પ્રાપ્તિસ્થિતિ : ઓછા તાપમાને તૈયાર થયેલી શિરાઓમાં તે મળે છે. સામાન્ય રીતે સર્પેન્ટાઇન, વિકૃતીકરણની અસરવાળા ચૂનાખડકો, ક્લોરાઇટયુક્ત કે ડૉલોમાઇડ-શિસ્ટમાં મૅગ્નેસાઇટ, હાઇડ્રોમૅગ્નેસાઇટ, શંખજીરું, કૅલ્સાઇટ, એરેગોનાઇટ કે ક્રાયસોટાઇલ સાથે મળે છે. પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., કૅનેડા, સ્કૉટલૅન્ડ, સ્વીડન, ઇટાલી, ઑસ્ટ્રિયા અને રશિયા મુખ્ય પ્રાપ્તિસ્થાનો છે. ઉપયોગ : મૅગ્નેશિયમપ્રાપ્તિ માટે તેમજ અગ્નિરોધકો માટે ઉપયોગમાં લેવાય છે.

ગિરીશભાઈ પંડ્યા