બ્રૂક, ડી (1905–1913) : જર્મનીની કળાક્ષેત્રની અભિવ્યક્તિવાદી ચળવળ. ઍરિક હેકલ, લુડવિગ, કર્ખનર, કાર્લ શ્મિટ–રૉટલૂફ તથા ફ્રિટ્ઝ બ્લિલ તેના સ્થાપક-ચિત્રકારો હતા. પછીથી મૅક્સ પૅખ્સ્ટિન, ઓટો મુલર, ઍક્સલ ગાલેન–કાલેલા તથા કુનો ઍમિટ તથા થોડો સમય માટે એમિલ નૉલ્ડે તેમાં જોડાયા.

ડી બ્રૂક એટલે સેતુ. આ ચળવળનો હેતુ મધ્યકાલીન જર્મન કલાનો આધુનિક કલા સાથે સંયોગ–સમન્વય કરવાનો હતો. આ રીતે આ ચળવળે કડીરૂપ સેતુની ગરજ સારી અને વચ્ચેના રેનેસાં કાળની કળાને  ટાળવાનો હેતુ સાર્યો છે. આ ચળવળમાં ભાગ લેનાર ચિત્રકારોએ જર્મનીનાં જંગલોમાં ભટકી-રખડીને નવો આવિષ્કાર પામતી સરલતા અને સ્ફૂર્તિલી પ્રેરણા મેળવવાના યત્નો કર્યા. તેમનાં ચિત્રોમાં લાક્ષણિક તેજસ્વી રંગો, પીંછીના વિકૃત લસરકા અને જાડું રંગલેપન જોવા મળે છે. પોલ ગોગાં, વાન ગોઘ તથા ઍડવર્ડ મુંખ તેમના આદર્શરૂપ હતા. ચહેરાની દેખીતી સપાટી નીચેની મનુષ્યની માનસિક (psychic) પરિસ્થિતિ તથા સાચી લાગણીને તેઓ કૅન્વાસ પર વાચા આપવા માંગતા હતા. ઘનવાદ તથા આફ્રિકાની નિગ્રો પ્રજાની કલાની કેટલીક અસરો પણ તેમણે સ્વીકારી. લાકડાના બ્લૉક દ્વારા થતી મુદ્રણક્ષમ કળામાં તેઓ પાવરધા હતા. આ પ્રક્રિયાથી સુલભ થતી કલાકૃતિની સંખ્યાબંધ નકલોનો વિપુલ ફેલાવો કરી પોતાની કલાનો વ્યાપ જનસામાન્ય સુધી વિસ્તાર્યો. આધુનિક ઔદ્યોગિક સમાજ સામેનો તેમનો વિરોધ જાણીતો હતો. 1910થી આ કલાકારો વચ્ચે તણાવ સર્જાવો શરૂ થઈ ગયો અને 1913માં આ ચળવળનો અંત આવ્યો.

કર્ખનરે 1913માં ‘ક્રૉનિકલ ઑવ્ ધ બ્રૂક’ નામે આ ચળવળનો વિવાદાસ્પદ ઇતિહાસ લખ્યો હતો. આ લખાણ સામે પણ ચળવળમાંના જ કેટલાક ચિત્રકારોનો વિરોધ હતો.

અમિતાભ મડિયા