બ્રુન્ટન હોકાયંત્ર (Brunton Compass) : નમનદર્શક સહિતનું હોકાયંત્ર. એ ભૂસ્તરીય તેમજ સર્વેક્ષણક્ષેત્રના અભ્યાસકાર્યમાં નીચે મુજબના જુદા જુદા હેતુઓ માટે ઉપયોગમાં લેવામાં આવતું ઘણું જ જાણીતું, અનુકૂળ સાધન ગણાય છે :
(1) સામાન્ય હોકાયંત્ર કે નમનદર્શક હોકાયંત્ર તરીકે –
(અ) જેમાં ર્દષ્ટિરેખા ક્ષિતિજસમાંતર હોય અથવા સહેજ ઢળતી હોય;
(બ) જેમાં ર્દષ્ટિરેખા ઉપર કે નીચે તરફ વધુ ઢળતી હોય.
(2) ઊંચાઈ માપવા માટે, એબ્ની લેવલ તરીકે.
(3) દિશાકોણ માપવા માટે ત્રિપાર્શ્વકાચી હોકાયંત્ર તરીકે.
(સંબંધિત માહિતી માટે જુઓ હોકાયંત્ર, નમનદર્શક, ત્રિપાર્શ્ર્વકાચી (હોકાયંત્ર)
(1) દિગંશ અથવા ક્ષિતિજસમાંતરતા સમતલમાં કોઈ પણ નિયત વસ્તુ(object)નો ખૂણો માપવા માટેના સાધનને આકૃતિ 1માં દર્શાવ્યા મુજબ બેઠકને સમતલ સ્થિતિમાં, ર્દષ્ટિપટ્ટિકાને ઊર્ધ્વ-લંબસ્થિતિમાં અને ઢાંકણને 135° કે 140°ની સ્થિતિમાં ગોઠવી, કમરની ઊંચાઈએ હાથમાં રાખી, હાથને ન ફેરવતાં, વસ્તુ તરફ સીધી રેખામાં પોતે ફરતા જઈને ર્દષ્ટિસંધાન કરવામાં આવે છે. આ પ્રમાણેની ર્દષ્ટિ-સ્થિતિ યોગ્ય રીતે ગોઠવાયેલી ત્યારે જ ગણાય જ્યારે અરીસામાં રહેલી મધ્યરેખા સાથે પટ્ટિકાનું પ્રતિબિંબ બરોબર મળી જાય.
અરીસામાં જોતી વખતે, ચંદા પરના ગોળાકાર સપાટીદર્શક (Bull’s eye level)માં ક્ષિતિજ-સમાંતરતાની ખાતરી કરતા રહીને, કિનારી પરની અંકિત પટ્ટી પર, ચુંબકીય સોયની મદદથી દિશાકોણ મેળવાય છે. આ કોણ 0°થી 360°ના પૂર્ણઅંકમાં અથવા ઉત્તર કે દક્ષિણના સંદર્ભમાં કોણ-મૂલ્યમાં મેળવી શકાય. આ પદ્ધતિ અપનાવવામાં એક બાબતનો ખ્યાલ રહેવો જોઈએ કે ર્દષ્ટિરેખા ક્ષિતિજસમાંતરતાથી ઉપર તરફ 45°થી વધુ નહિ અને થોડાક અંશથી વધુ નીચે તરફ નહિ હોવી જોઈએ. અર્થાત્ દિશાકોણ માપવા માટે પસંદ કરાતાં ક્ષેત્રીય સ્થાનબિંદુઓ પ્રમાણસરની ઊંચાઈ કે ઊંડાઈવાળાં હોવાં જોઈએ.
જ્યારે ર્દષ્ટિરેખા ક્ષિતિજસમાંતરતાના સમતલથી 15°થી વધુ નીચે તરફ ઢળેલી રાખવાની હોય ત્યારે સાધનને ઉપર મુજબની સ્થિતિથી ઊલટી રીતે પકડવાનું હોય છે (જુઓ આકૃતિ 2), જેમાં ર્દષ્ટિપટ્ટિકા નિરીક્ષક તરફ અને ઢાંકણ સામેની તરફ દૂર રહે તેમ પકડવાનું હોય છે. આ સ્થિતિમાં વસ્તુ તરફ ર્દષ્ટિપટ્ટિકાના રંધ્રમાંથી ઢાંકણના અરીસાની નીચેના ગોળાકાર છિદ્ર મારફતે અવલોકન કરવાનું રહે છે અને દિશાકોણ મેળવાય છે.
(2) નમનદર્શક તરીકે : સ્તરરચનાવાળી કોઈ પણ શ્રેણીના સ્તરોનાં નમન માપવા માટે અરીસાયુક્ત ઢાંકણ(L)ને અને ર્દષ્ટિપટ્ટિકાને (V) પૂરેપૂરા ક્ષિતિજસમાંતર સ્થિતિમાં રાખીને સાધનની બાજુની ધારને નમેલી સ્તરસપાટી પર ગોઠવવાનાં હોય છે (આકૃતિ 3). બેઠકની પાછળના બટનની મદદથી ચંદા પરના લોલકને તેની સાથે જોડેલા નલિકા-સપાટીદર્શકનો પરપોટો મધ્ય સ્થિતિમાં આવે ત્યાં સુધી ખેસવવાનું હોય છે. લોલકના વર્નિયરની મધ્યરેખા નમનકોણ દર્શાવે છે. ત્યારપછી સાધનને તે જ નમનરેખા પર ક્ષિતિજસમાંતર સ્થિતિમાં રાખવાથી ચુંબકીય સોય નમનદિશા આપે છે.
(3) ઊંચાઈમાપક તરીકે : બ્રુન્ટન હોકાયંત્રનો ઊંચાઈમાપક તરીકે ઉપયોગ કરવાનો હોય ત્યારે ઊર્ધ્વકોણ માપવો પડે છે, જેમાં ર્દષ્ટિપટ્ટિકા (V) પૂરેપૂરી ખોલીને સાધનને સમાંતર ગોઠવવાની રહે છે. ર્દષ્ટિપટ્ટિકાના છેડા પરના નાના રંધ્રવાળા જોડાણ(P)ને તેનાથી લંબ સ્થિતિમાં અને ઢાંકણને સાધનની બેઠક સાથે 45°ને ખૂણે ગોઠવવાનું હોય છે (આકૃતિ 4). સાધનને ધાર પર ઊભું પકડી, ઢાંકણના ગોળ છિદ્રમાંથી ર્દષ્ટિપટ્ટિકાના જોડાણના રંધ્ર મારફતે ઊંચાઈ ધરાવતી વસ્તુ તરફની રેખામાં રાખી, પાછળના બટનની મદદથી લોલક ફેરવતા જઈને સપાટીદર્શક ગોઠવાઈ જાય ત્યારે ઊંચાઈનો (કે ઊંડાઈનો) આંક મેળવી શકાય છે.
આ ઉપરાંત આ સાધન ત્રિપાર્શ્વકાચી હોકાયંત્રની ગરજ પણ સારે છે. આકૃતિ 5માં બતાવ્યા મુજબ ગોઠવીને ઢાંકણના છિદ્રમાંથી અને પટ્ટિકાના જોડાણના રંધ્રમાંથી વસ્તુ તરફ જોઈને દિશાકોણ મેળવવામાં આવે છે.
ગિરીશભાઈ પંડ્યા