બ્રિસ્ટૉલની ખાડી : આટલાન્ટિક મહાસાગરનો વેલ્સ અને નૈર્ઋત્ય ઇંગ્લૅન્ડ વચ્ચે આવેલો ફાંટો. સેવર્ન નદી તરફ તે 130 કિમી.ની લંબાઈમાં વિસ્તરેલો છે, પશ્ચિમ છેડે તેની પહોળાઈ આશરે 70 કિમી. જેટલી અને કાર્ડિફ બંદર નજીકની પહોળાઈ માત્ર 8 કિમી. જેટલી છે.
દરિયા તરફથી આવતાં ભરતી-મોજાં પૂર્વ તરફ સાંકડી થતી ખાડીમાં જોશબંધ ધસી જાય છે; પરિણામે નદીનો જળપ્રવાહ ઊલટી દિશામાં વહે છે. ભરતીનાં મોજાં ક્યારેક 12 મીટર જેટલાં ઊંચે ઊછળે છે. વેલ્સના દક્ષિણ કાંઠે આ ખાડી પર સ્વાન્સી તથા કાર્ડિફ જેવાં મોટાં બંદરો આવેલાં છે. બ્રિસ્ટૉલ આ ખાડીના શીર્ષભાગ પર પૂર્વ તરફ નજીકમાં જ આવેલું છે. બ્રિસ્ટૉલમાં થઈને વહેતી એવન નદી સેવર્ન નદીના મુખ આગળ મળે છે. વેલ્સના સમરસેટ અને ડેવોન અહીંના કૃષિપ્રધાન વિસ્તારો છે. કાંઠાના પ્રદેશો પર કોલસાનાં ક્ષેત્રો આવેલાં છે. અહીં બંદરોને કારણે ઔદ્યોગિક વિકાસ પણ થયો છે. સ્વાન્સી, કાર્ડિફ અને બ્રિસ્ટૉલ આ ખાડીમાં અવરજવર કરતાં રહેતાં વહાણો અને વેપારને કારણે વિકસ્યાં છે. ડેવોનના કિનારાથી થોડે દૂર ખાડીના પૂર્વ ભાગના મુખ પર મધ્યમાં ઇલ્ફ્રાકૉમ્બીથી 19 કિમી.ના અંતરે લુંડી (Lundy) (51° 10´ ઉ. અ. અને 4° 40´ પ. રે.)નો નાનકડો ટાપુ આવેલો છે. વેલ્સ, ડેવોન અને સમરસેટના પ્રદેશો માટે આ ખાડીનું ઘણું મહત્વ છે.
ગિરીશભાઈ પંડ્યા