બ્રિજ ઑન ધ રિવર ક્વાઈ, ધ (ચલચિત્ર, 1957) : માનવીય પાસાંઓને ઉજાગર કરતું અને યુદ્ધની નિરર્થકતા નિરૂપતું યશસ્વી બ્રિટિશ ચલચિત્ર. રંગીન. ભાષા : અંગ્રેજી. નિર્માતા : સેમ્સ સ્પાઇગલ. દિગ્દર્શક : ડેવિડ લીન. કથા : પિયરી બોઉલની નવલકથા પર આધારિત. પટકથા : કાર્લ ફૉરમૅન અને માઇકલ વિલ્સન. છબિકલા : જૅક હિલયાર્ડ. સંગીત : માલ્કમ આનૉર્લ્ડ. મુખ્ય કલાકારો : વિલિયમ હોલ્ડન, એલેક ગિનેસ, જૅક હૉકિન્સ, સંસુ હાયાકાવા, જ્યૉફ્રી હૉર્ન, જેમ્સ ડોનાલ્ડ.
ખ્યાતનામ દિગ્દર્શક ડેવિડ લીનને શ્રેષ્ઠ દિગ્દર્શનનો પ્રથમ ઑસ્કાર ઍવૉર્ડ અપાવનાર આ યુદ્ધચિત્રે શ્રેષ્ઠ ચલચિત્ર, શ્રેષ્ઠ અભિનેતા (એલેક ગિનેસ), શ્રેષ્ઠ છબિકલા, શ્રેષ્ઠ સંકલન (પીટર ટેલર), શ્રેષ્ઠ સંગીત અને શ્રેષ્ઠ પટકથાના કુલ સાત ઑસ્કાર ઍવૉર્ડ મેળવ્યા હતા.
મજબૂત કથા–પટકથા ધરાવતું આ યુદ્ધચિત્ર છે. તેની કથા બ્રહ્મદેશ(મ્યાનમાર)માં આકાર લે છે; પણ તેનું ચિત્રાંકન શ્રીલંકામાં કરાયું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રહ્મદેશ(મ્યાનમાર)માં જાપાની લશ્કર સામે એક બ્રિટિશ રેજિમેન્ટ શરણાગતિ સ્વીકારે છે. યુદ્ધકેદીઓ સાથેના વર્તાવના નિયમો નેવે મૂકીને જાપાની કમાન્ડર બ્રિટિશ સૈનિકો પર જુલમ ગુજારે છે. બ્રિટિશ કર્નલ નિકોલસનને તે અમાનવીય સજાઓ કરે છે. ક્વાઈ નદી પર પુલ બાંધવા માટે બ્રિટિશ સૈનિકોને ફરજ પાડવામાં આવે છે, જેનો સૈનિકો વિરોધ કરે છે; પણ આવી કપરી પરિસ્થિતિમાંય બ્રિટિશ સૈનિકો ગમે તેવો પડકાર ઉપાડી લેવા સક્ષમ હોય છે તે પુરવાર કરી આપવા બ્રિટિશ કર્નલ પોતાના સૈનિકોને સમજાવે છે. સૈનિકો નદી પર એક સુંદર પુલનું નિર્માણ કરે છે, પણ આ પુલ પરથી જ બ્રિટિશ સૈન્ય સામે ઉપયોગમાં લેવાનારો દારૂગોળો ભરેલી ટ્રેન પસાર થવાની હોય છે. બ્રિટિશ સેના આ પુલને ઉડાવી દેવાનું આયોજન કરે છે. આ વાતથી પુલનું નિર્માણ કરનાર બ્રિટિશ ટુકડી બેખબર જ છે. અંતે બ્રિટિશ સેનાને પુલ ઉડાવી દેવામાં સફળતા મળે છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સેનામાં ખૂબ લોકપ્રિય થયેલી મોંએથી સિટીમાં વગાડાતી ‘કર્નલ બૉગી માર્ચ’ ધૂનનો આ ચિત્રમાં સુંદર ઉપયોગ કરવામાં આવ્યો છે. ચિત્રાંકન માટે નદી પર પુલ બનાવતાં નવ મહિના થયા હતા.
હરસુખ થાનકી