બ્રિજેસ કૅલ્વિન બ્લૅકમન (જ. 1889 શુલ્ઝર ફૉલ્સ; અ. 1938, લૉસ ઍન્જેલિસ) : રંગસૂત્રોના આધારે આનુવંશિકતા અને લિંગ (heredity+sex) વિશેની માહિતી આપનાર અમેરિકન જનીનવિજ્ઞાની (geneticist).
તેઓ મૉર્ગન ટૉમસ હંટના પ્રયોગશાળા-સહાયક તરીકે કોલંબિયા યુનિવર્સિટીમાં જોડાયા. મૉર્ગન સાથે તેમણે ફળમાખી (fruit fly) ડ્રોસોફાઇલા મેલાનોગૅસ્ટરના પરીક્ષણ માટે પ્રયોગને લગતી એક રૂપરેખા તૈયાર કરી અને તેમણે યોજેલ પ્રયોગોના આધારે રંગસૂત્રોમાં દેખાતાં પરિવર્તનોનાં પરામર્શનથી ફળમાખીમાં દેખાતી આનુવંશિક વિવિધતાનું ચિત્રલેખન થઈ શકે તેની સાબિતી આપી. રંગસૂત્રો પર જનીનિક ચિત્રાંકન (mapping) કરવામાં તેઓ સફળ નીવડ્યા. ઉપરના પ્રતિચિત્રણના આધારે વારસાગત રંગસૂત્રીય સિદ્ધાંતને તેઓ સમજાવી શક્યા. આ સિદ્ધાંતને વિસ્તારથી સમજાવતો સંશોધનલેખ, મૉર્ગન, હેન્રી સ્ટુટેવર્ટ અને બ્રિજેસની ત્રિપુટીએ 1925માં પ્રસિદ્ધ કર્યો. તે જ વર્ષે તેમણે ‘રંગસૂત્ર અને જનીન સંકલિત લિંગનિશ્ચયન’ (chromosome and gene linked sex determination) નામનો એક બીજો લેખ પ્રસિદ્ધ કર્યો. આ લેખ દ્વારા બ્રિજેસે લિંગનિશ્ચયન માત્ર ‘X’ અને ‘Y’ રંગસૂત્રો પૂરતું મર્યાદિત નથી હોતું, પણ દૈહિક (somatic) રંગસૂત્રો પણ લિંગનિશ્ચયનમાં મહત્વનો ભાગ ભજવે છે તેવું બતાવ્યું.
મૉર્ગન સાથે બ્રિજેસ 1928માં પાસેદેનાની ‘કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી’માં જોડાયા. ત્યાં ફળમાખીના બૃહત્કાય (giant) રંગસૂત્રનું સવિસ્તર ચિત્રાંકન કર્યું. સમય જતાં જનીનોના દ્વિગુણનથી ઉદભવતા પરિવર્તકો(mutants)ની તેમણે શોધ કરી.
મ. શિ. દૂબળે