બ્રાયેલ્સ : દ્વિઅંગી વનસ્પતિઓમાં આવેલા વર્ગ બ્રાયોપ્સિડાનું એક ગોત્ર. તેને ઉપવર્ગ બ્રાયિડી તરીકેનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. ફલીસ્કરે (1902–1922) આ વનસ્પતિ-સમૂહને ગોત્ર તરીકેની કક્ષા આપી હતી; પરંતુ વાનસ્પતિક નામાભિધાનની આંતરરાષ્ટ્રીય આચારસંહિતા (International code of Botanical Nomenclature) યુટ્રેચ્ટ(1956)ની ભલામણ અનુસાર તેને બ્રાયિડી ઉપવર્ગ ગણવામાં આવે છે. આ ઉપવર્ગ લગભગ 650 પ્રજાતિઓ અને 14,000 જેટલી જાતિઓ ધરાવે છે. તે ઉચ્ચ કક્ષાની વાસ્તવિક (true) શેવાળ(moss)ની જાતિઓનો બનેલો ઉપવર્ગ છે. તેના જન્યુધર (gametophore) પર આવેલાં પર્ણો સ્પષ્ટ મધ્યશિરા અને એકથી વધારે કોષોની જાડાઈ ધરાવે છે. યુગ્મનજ(zygote)નું પ્રથમ વિભાજન અનુપ્રસ્થ હોય છે; જેથી અધિતલ (epibasal) અને અધસ્તલ (hypobasal) કોષોનું નિર્માણ થાય છે. ભ્રૂણવિકાસ દ્વિ-બાહુ (two-sided) અગ્રસ્થ કોષ દ્વારા થાય છે. સ્ફોટીસ્તર (endothecium) દ્વારા સ્તંભિકા (columella) અને આદિબીજાણુક પેશી-(archespoial tissue)નો વિકાસ થાય છે. સ્તંભિકા સામાન્યત: બીજાણુ ધરાવતા નળાકાર સ્તર વડે ઘેરાયેલ હોય છે અને પ્રાવર(capsule)ના અગ્રપિધાનક (operculam) સુધી લંબાયેલી હોય છે. પ્રાવરની દીવાલ અને બીજાણુપટ (sporesac) મોટા આંતરકોષીય અવકાશ વડે જુદાં પડે છે. આ આંતરકોષીય અવકાશ તંતુમય રજ્જુકોષો (trabeculae cells) વડે વિભાજિત થાય છે. કૂટપાદ(pseudopodium)ની ગેરહાજરી હોય છે. સુવિકસિત પ્રાવરદંડ(seta)ની વૃદ્ધિ દ્વારા પ્રાવર પર્ણીય જન્યુધરથી ઊંચે વિકાસ પામે છે. પરિપક્વ પ્રાવરની રચના જટિલ હોય છે અને આંતરિક રીતે તેનું કેટલીક પેશીઓમાં વિભેદન થયેલું હોય છે. મોટાભાગની પ્રજાતિઓમાં પ્રાવર પિધાનક દ્વારા ખૂલે છે. બીજાણુપુટના ઉપરના છેડે આવેલા પરિમુખદંત (peristome) બીજાણુ વિકિરણમાં મદદરૂપ થાય છે. થોડાક અપવાદો બાદ કરતાં પ્રતંતુ (protonema) તંતુમય હોય છે.
ઉપવર્ગ બ્રાયિડી(બ્રાયેલ્સ)નું એક પ્રચલિત વર્ગીકરણ આ પ્રમાણે છે :
ઉપવર્ગ : બ્રાયિડી
(I) યુબ્રાયિડી | ગોત્ર (order) | પ્રજાતિઓ |
1 | (1) ફિઝિડેન્ટેલ્સ | Fissidens |
2 | (2) ડાઇક્રેનેલ્સ | Dicranella |
3 | (3) પોટ્ટિયેલ્સ | Barbula, Hydrogonium |
4 | (4) ગ્રિમ્મિયેલ્સ | Grimmia |
5 | (5) ફ્યુનારિયેલ્સ | Funaria |
6 | (6) સ્કિસ્ટોસ્ટેગેલ્સ | – |
7 | (7) ટેટ્રાફિડેલ્સ | [Tetraphis (EGeorgia)] |
8 | (8) યુબ્રાયેલ્સ | Bryum, Philonotis |
9 | (9) આઇસોબ્રાયેલ્સ | Papillaria, Meteoriopsis |
10 | (10) હૂકેરિયેલ્સ | Hookeria, Leucomium |
11 | (11) હિપ્નોબ્રાયેલ્સ | Taxithelium, Hypnum |
II બક્સબાઉમિડી | ||
(12) બક્સબાઉમિયેલ્સ | Buxbaumia | |
(13) ડાઇફાઇસિયેલ્સ | – | |
III પૉલિટ્રાઇકિડી | ||
(14) પૉલિટ્રાઇકેલ્સ | Atrichum, Lyellia, Pogonatum, Polytrichum | |
(15) ડાઉસોનિયેલ્સ | Dowsonia |
બ્રાયિડીની જાણીતી પ્રજાતિઓમાં Funaria, Grimmia, Tetraphis, Pogonatum, Polytrichum, Bryum, Barbula, Hydrogonium, Tortula, Pottia, Prionidium, Desmatodon, Tortella વગેરેનો સમાવેશ થાય છે. Funariaની લગભગ 117 જાતિઓ પૈકી 15 જાતિઓ ભારતમાં થાય છે. F. hygrometrica બધે થતી સૌથી જાણીતી શેવાળ છે. Pogonatumની કુલ 199 જાતિઓ નોંધાઈ છે. ભારતમાં હિમાલય, પશ્ચિમ ઘાટ, પંચમઢી, ઊટી, કોડાઈકૅનાલ જેવા પર્વતીય વિસ્તારોમાંથી તેની 34 જેટલી જાતિઓ મળી આવે છે. Polytrichumની કુલ 111 જાતિઓ શોધાઈ છે. તે પૈકી 5 જાતિઓ પૂર્વ અને પશ્ચિમ હિમાલય તથા ખાસી પર્વતોમાં સામાન્ય રીતે જોવા મળે છે. તે ઉચ્ચપર્વતીય (alpine) પ્રદેશોમાં અતિ ઊંચાઈએ થાય છે.
હિમાલય શેવાળનું ઉદભવસ્થાન ગણાય છે. તેનો ઉપયોગ સંવેષ્ટન (packing) દ્રવ્ય તરીકે, કૂંડામાં ભેજગ્રાહી તરીકે, લૉન બનાવવા અને ઘાસ-ચારા તરીકે થાય છે. પર્વતીય પ્રદેશોમાં કેટલીક શેવાળની જાતિઓ ઔષધ તરીકે વાપરવામાં આવે છે. ઘામાંથી નીકળતા રુધિર પર શેવાળની રાખ મૂકતાં તે વહેતું બંધ થાય છે.
બ્રાયિડીને કેટલાક દ્વિઅંગી–વિજ્ઞાનીઓ (bryologists) દ્વિઅંગી અને ત્રિઅંગીને જોડતી કડી તરીકે ઓળખાવે છે; તેમના મત પ્રમાણે સુવિકસિત બીજાણુજનક (sporophyte) દ્વારા ત્રિઅંગી વનસ્પતિઓ અસ્તિત્વમાં આવી હશે.
જૈમિન વિ. જોશી
બળદેવભાઈ પટેલ