બ્રાન્ટિંગ, કાર્લ (જ. 23 નવેમ્બર 1860, સ્ટૉકહોમ; અ. 24 ફેબ્રુઆરી 1925, સ્ટૉકહોમ) : સ્વિડનના અગ્રણી મુત્સદ્દી તથા 1921ના વર્ષ માટેના નોબેલ શાંતિ પુરસ્કારના સહવિજેતા. સ્ટૉકહોમ અને ઉપસાલા ખાતે વિજ્ઞાનવિદ્યાશાખાનો અભ્યાસ કર્યા પછી ‘ટાઇડેન’ વૃત્તપત્રમાં જોડાયા અને ટૂંક સમયમાં તેના તંત્રી બન્યા. 1886માં ‘સોશિયલ ડેમૉક્રૅટ’નું તંત્રીપદ સ્વીકાર્યું. 1889માં સ્વીડિશ સોશિયલ ડેમૉક્રૅટિક પક્ષની સ્થાપનામાં સક્રિય ભૂમિકા ભજવી. 1896માં દેશની સંસદમાં ચૂંટાયા. 1896–1902 દરમિયાન સંસદમાં તેઓ સોશિયલ ડેમૉક્રૅટિક પક્ષના એકમાત્ર સભ્ય હતા. 1917માં સ્વિડનમાં લિબરલ સોશિયાલિસ્ટ સરકારની રચના થતાં તેમાં તેઓ નાણાપ્રધાન બન્યા. 1918માં દેશમાં બંધારણીય સુધારાની પહેલ કરી. પૅરિસ શાંતિ પરિષદ તથા આલૅન્ડ ટાપુઓ અંગે સ્વિડન અને ફિનલૅન્ડ વચ્ચેના વિવાદનું સમાધાન શોધવા માટે લંડન ખાતે યોજાયેલ મંત્રણાઓમાં તેમણે ભાગ લીધો. માર્ચ 1920માં તેમના નેતૃત્વ હેઠળ સ્વીડનમાં પ્રથમ સોશિયલ ડેમૉક્રૅટિક પક્ષની સરકારની રચના કરવામાં આવી. ત્યારબાદ તુરત જ થયેલી ચૂંટણીમાં તેમના પક્ષનો પરાજય થયો. છતાં સપ્ટેમ્બર 1921માં ફરી સત્તા પર આવ્યા. એપ્રિલ 1923ની ચૂંટણીમાં તથા ઑક્ટોબર 1924માં પણ વિજય મેળવી તેમણે સરકારની રચના કરી, પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે રાજીનામું આપ્યું. સ્વીડનમાં સોશિયલ ડેમૉક્રૅટિક પક્ષની આગેકૂચમાં તેમનો ફાળો મહત્વનો રહ્યો છે.
1919માં લીગ ઑવ્ નેશન્સની સ્થાપના થતાં આ સંસ્થામાં સ્વીડનના પ્રથમ પ્રતિનિધિ તરીકે તેમણે કામ કર્યું. સ્વિટ્ઝર્લૅન્ડના પાટનગર બર્ન ખાતે આયોજિત સેકન્ડ ઇન્ટરનૅશનલ પરિષદનું અધ્યક્ષ-સ્થાન તેમણે શોભાવ્યું. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન સ્વિડનને તટસ્થ રહેવાની તેમણે તરફેણ કરી હતી. તેઓ સાર્વત્રિક પ્રત્યક્ષ અને સમાન પુખ્ત મતાધિકારના હિમાયતી હતા.
વીસમી સદીના પ્રથમ બે દાયકા દરમિયાન યુરોપમાં શાંતિ સ્થપાય તે માટે તથા 1905માં સ્વીડન અને નૉર્વેના સંઘમાંથી નૉર્વે અલગ થતાં બંને દેશોની પ્રજા વચ્ચે જે કડવાશ ઊભી થઈ હતી તે દૂર કરવામાં તેમણે જે ભૂમિકા ભજવી તે માટે તેમને 1921નું નોબેલ શાંતિ પારિતોષિક નૉર્વેના ક્રિશ્ચિયન લૂઈ લૅન્ગ સાથે – સરખે ભાગે એનાયત થયું હતું.
પુષ્કર ગોકાણી