બ્રાઝિલિયન ઉચ્ચપ્રદેશ : બ્રાઝિલના આટલાન્ટિક કિનારાથી અંદર દક્ષિણ તરફનો દેશના કુલ વિસ્તારનો 50 % જેટલો ઊંચાણવાળો ભૂમિભાગ. બહોળા અર્થમાં તેને બ્રાઝિલનો ઉચ્ચપ્રદેશ કહે છે. વિશાળ વિસ્તારમાં પથરાયેલા આ ઉચ્ચપ્રદેશમાં દેશની મૂલ્યવાન ખનિજસંપત્તિ તેમજ સમૃદ્ધ ખેતરો આવેલાં છે. દેશની મોટાભાગની વસ્તી પણ આ ઉચ્ચપ્રદેશની પૂર્વ કિનારી પર પારાના નદીથી પૂર્વ ભાગમાં વસે છે; બાકીનો અર્ધો અંતરિયાળ ભૂમિભાગ સરતાવ નામથી ઓળખાતા સરહદી વિસ્તારનો બનેલો છે. આ વિસ્તારની ભૌગોલિક માહિતી ઉપલબ્ધ નથી.
રિયો દ જાનેરોથી ઉત્તર તરફના આ ઉચ્ચપ્રદેશના આટલાન્ટિકના કિનારા પર પર્વતશ્રેણી આવેલી છે. અહીં પર્વતોની ઊંચાઈ એક પછી એક વધતી જાય છે, તેમના મહાસાગર તરફના પૂર્વ ઢોળાવો ઉગ્ર છે. તે ભેખડો અથવા અવરોધી દીવાલોના સ્વરૂપના ભૂમિઆકારો રચે છે. ઉચ્ચપ્રદેશની પૂર્વ ધારથી અંદર પશ્ચિમ તરફ દરિયાકિનારાને સમાંતર સંખ્યાબંધ પર્વતમાળાઓ આવેલી છે. આ પૈકી સેરા દ માન્ટિક્વેરા અને સેરા દ કેપારાવ ઊંચી પર્વતશ્રેણીઓ ગણાય છે. અહીંનું સર્વોચ્ચ શિખર 2,890 મીટર ઊંચાઈ ધરાવે છે. મિનાસ જેરાઇસ રાજ્યના મધ્ય ભાગમાં આવેલો સેરા દ ઍસ્પિન્હાકો વિસ્તાર બ્રાઝિલનો ખનિજ-ભંડાર કહેવાય છે. અહીંના ઊંચા સમુત્પ્રપાતો ઊંડી નદીખીણોથી કોતરાયેલા છે.
જેક્વિતાઈન્હોન્હા, દોસ અને પારાઇબા નદીઓ પૈકી એકમાત્ર દોસ નદી જ અંદરના ભૂમિભાગોમાં જવા માટેનો સુલભ માર્ગ બનાવે છે. રિયો દ જાનેરો અને સાઓ પાવલો વચ્ચે પથરાયેલી પારાઇબા નદીખીણ દરિયાકિનારાને સમાંતર હોવાથી હેરફેર માટે અનુકૂળ પડે છે. નૈર્ઋત્ય તરફ પારાના તેમજ તેની સહાયક નદીઓ પહોળા ખીણભાગોમાં થઈને વહે છે. અહીં ડાયાબેઝ બંધારણના લાવાના થરોથી બનેલો પારાના ઉચ્ચપ્રદેશ આવેલો છે, તેને વીંધીને પારાના નદી તથા તેની શાખાઓ પહોળી છીછરી ખીણોમાં થઈને પસાર થાય છે. ઉચ્ચપ્રદેશની ધાર પરથી નીચે ખાબકતા બે ભવ્ય ધોધ આવેલા છે : પરાગ્વે-બ્રાઝિલ સરહદે ગ્વાઇરા ધોધ તથા આર્જેન્ટિના-બ્રાઝિલ-પરાગ્વે સરહદ પરનો ઇગ્વાકુ ધોધ.
વધુ પશ્ચિમ તરફ જતાં માટોગ્રોસો અને ગોઇયાસ રાજ્યોમાં પણ ઉચ્ચપ્રદેશો આવેલા છે. તેમની ઊંચાઈ 600થી 1200 મીટરની છે. અહીં વસવાટનું પ્રમાણ ઓછું છે, વસાહતીઓ અહીં તેમના જીવનનિર્વાહ માટે ઝૂઝે છે; અગાઉના સમયમાં અહીં જ સોના તેમજ હીરાનું ખનનકાર્ય થતું હતું, પણ આજે ત્યાં મુખ્ય પ્રવૃત્તિ ઢોરઉછેરની છે.
વધુ ઉત્તર તરફના ઉચ્ચપ્રદેશો ઍમેઝોન-થાળાનાં અયનવૃત્તીય જંગલોમાં ફેરવાતા જાય છે, દક્ષિણ તરફ નૈર્ઋત્યના માટોગ્રોસો ઉગ્ર ઢોળાવવાળા સમુત્પ્રપાતોમાં ફેરવાતા જાય છે, પરાગ્વેમાં થાળાનાં નીચાણવાળાં મેદાનો આવે છે.
ગિરીશભાઈ પંડ્યા