બ્રાઝિલ

દક્ષિણ અમેરિકા ભૂમિખંડના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલો વિશાળ દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 5° 15´ ઉ. અ.થી 33° 45´ દ. અ. અને 34° 52´ પ. રે. થી 74° 0´ પ. રે. વચ્ચે વિસ્તરેલો છે. આ અતિ વિશાળ દેશનું કુલ ક્ષેત્રફળ 55,457 ચોકિમી. જેટલા આંતરિક જળવિસ્તારોસહિત આશરે 85,47,404 ચોકિમી. જેટલું છે. સૌથી મોટા કદનાં રાષ્ટ્રોના સંદર્ભમાં તે દક્ષિણ અમેરિકા ખંડના પ્રથમ, પશ્ચિમ ગોળાર્ધમાં કૅનેડા અને યુ.એસ. પછીના ત્રીજા ક્રમે, તેમજ દુનિયામાં રશિયા, કૅનેડા, ચીન અને યુ.એસ. પછીના પાંચમા ક્રમે આવે છે; વળી તે દક્ષિણ અમેરિકા ખંડનો આશરે 47 % વિસ્તાર રોકે છે; એટલું જ નહિ, પણ સમગ્ર ખંડની 50 % જેટલી વસ્તી ધરાવે છે. આ દેશ ઇક્વેડોર તથા ચિલી સિવાયના દક્ષિણ અમેરિકાના બધા જ દેશોની સીમાઓને સ્પર્શે છે. તેની ઈશાન અને પૂર્વ સીમાઓ પર આટલાન્ટિક મહાસાગર આવેલો છે. તેની સમુદ્રકિનારાની રેખા આશરે 7,491 કિમી. જેટલી લાંબી છે. આ દેશની અંતર્ગત 21 રાજ્યો, પાટનગર સહિતનો જિલ્લો તથા અન્ય પ્રદેશોનો સમાવેશ થાય છે. સાંસ્કૃતિક વિભાજનની ર્દષ્ટિએ તેનો લૅટિન અમેરિકી દેશોમાં સમાવેશ થાય છે. પોર્ટુગીઝોએ આ પ્રદેશ પર આધિપત્ય સ્થાપ્યું તે અરસામાં અહીંનાં જંગલોમાંથી વસ્ત્ર રંગવામાં વપરાતા રંગ બનાવવા માટેનું લાકડું (dyewood) મેળવવામાં આવતું હતું. આ વૃક્ષનું લૅટિન નામ ‘પાઉ બ્રાસિલ’ (pau brasil) હોવાથી તેની પેદાશ આપતા દેશનું નામ ‘બ્રાઝિલ’ પડ્યું છે.

બ્રાઝિલ

ભૂસ્તરીય રચના : દેશનો પૂર્વ અને વાયવ્ય વિભાગ બ્રાઝિલિયન ભૂકવચ (Brazilian shield) તરીકે ઓળખાય છે. તે ભૂકવચ પ્રી-કૅમ્બ્રિયન પ્રાગ્-જીવયુગના અતિપ્રાચીન સખત, સ્ફટિકમય ખડકોથી બનેલું છે તથા દેશની આશરે 1/3 ભૂમિ-સપાટીને આવરી લે છે. તેની ઉપર તે પછીના યુગોના ખડક-સ્તરો પથરાયેલા છે. તેમાં રેતીખડકો અને ચૂનાખડકોનું પ્રમાણ વિશેષ છે. દક્ષિણ બ્રાઝિલનો વિભાગ ‘પારાના ટ્રૅપ’(Parana Trap)ના બંધારણવાળો છે, તેમાં મુખ્યત્વે બેસાલ્ટથી બનેલા લાવાના થરો આવેલા છે.

પ્રાકૃતિક રચના : આ દેશમાં સમુદ્રસપાટીથી 900 મીટરથી વધુ ઊંચાઈવાળા ભાગો તેની આશરે 3 % ભૂમિસપાટીને, 300થી 900 મીટર સુધીની ઊંચાઈવાળા ભાગો તેની આશરે 60 % ભૂમિસપાટીને તથા 300 મીટરથી નીચાં નદીઓનાં અને કિનારાનાં મેદાનો તેની આશરે 36 % ભૂમિસપાટીને  આવરી લે છે. પ્રાકૃતિક રચનાના સંદર્ભમાં આ દેશને મુખ્ય ચાર વિભાગોમાં વહેંચેલો છે :

(1) ગિયાનાનો ઉચ્ચપ્રદેશ : બ્રાઝિલથી ઉત્તર દિશાએ આવેલા ગિયાનાના ઉચ્ચપ્રદેશના માત્ર દક્ષિણ છેડાના  ઊંચી કિનારીવાળા  અને સીધો ઢોળાવ ધરાવતા ભાગો વિસ્તરેલા છે. દેશનો સીમાવિસ્તાર અહીં આ જળ-વિભાજક પ્રદેશ(water-parting)માં આવેલો છે. અહીંનાં અનેક ઊંચાં શિખરો પૈકીનું ‘પિકો દ નેબ્લાઇના’ શિખર 3014 મીટર ઊંચું છે. લાંબા ગાળાથી ચાલી આવતી ધોવાણક્રિયાથી અહીં ઘન આકારનાં સપાટ શિરોભાગવાળાં લાક્ષણિક ભૂમિસ્વરૂપો રચાયાં છે. આ ઉચ્ચપ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓ ઍમેઝોન નદીને મળે છે.

(2) બ્રાઝિલનો ઉચ્ચપ્રદેશ : ઍમેઝોન નદીથાળાથી દક્ષિણ તથા અગ્નિ દિશા તરફ વિસ્તરેલા આ વિશાળ ઉચ્ચપ્રદેશના પાયામાં સખત, સ્ફટિકમય ખડક આવેલા છે. તેની ઉપર તરફ સ્તરરચનાવાળા ખડકો પથરાયેલા છે. વરસાદ અને નદીઓ જેવાં પ્રાકૃતિક પરિબળોની ધોવાણક્રિયાથી તેની ઉપલી સપાટી ખૂબ જ અસમતળ બની રહેલી છે. અહીંના ભૂપૃષ્ઠ પર સાઓ ફ્રાન્સિસ્કો, ટોકેન્ટિન્સ, પારાનાઇબા અને ઍમેઝોનની કેટલીક શાખાનદીઓએ ઊંડી ખીણોની રચના કરી છે. આ ઉચ્ચપ્રદેશ પર અનેક પર્વતશ્રેણીઓ આવેલી છે. પૂર્વ કિનારાનાં સાંકડાં મેદાનો પર સીધા ઢોળાવરૂપે ઊંચકાતા સમુત્પ્રપાત-(escarpment)વાળા ભાગોમાં આવેલી ‘સેરા દા મેન્ટિક્વેઇરા’ (serra de Mentiquerra) અને ‘સેરા દો માર’ (serra do mar) જેવી પર્વતશ્રેણીઓ મહત્વની છે. તેમના પરનું સર્વોચ્ચ શિખર ‘બાન્ડેઇરા’ (Bandeira) 2,890 મીટરની ઊંચાઈ ધરાવે છે.

(3) ઍમેઝોન નદીથાળું : ગિયાનાના ઉચ્ચપ્રદેશ અને બ્રાઝિલના ઉચ્ચપ્રદેશ વચ્ચે ઍમેઝોન નદીનું વિશાળ થાળું આવેલું છે. તેમાં ઍમેઝોન તથા તેની અસંખ્ય શાખા-પ્રશાખાઓએ પૂરનિર્મિત નીચાં મેદાનોની રચના કરી છે. આ મેદાનો પશ્ર્ચિમથી પૂર્વ તરફનો આછો ઢોળાવ ધરાવે છે. આશરે 70,47,000 ચોકિમી. વિસ્તારમાં પથરાયેલો આ થાળા-વિસ્તાર, દેશનો લગભગ 82 % ભૂમિભાગ આવરી લે છે.

(4) પરાગ્વે નદીનાં મેદાનો – કિનારાનાં મેદાનો : દેશની નૈર્ઋત્ય સીમા પર પરાગ્વે નદીનાં પૂરનિર્મિત મેદાનોનો થોડોક સપાટ ભાગ આવેલો છે, જે સરેરાશ 200 મીટરની ઊંચાઈ ધરાવે છે. તેના કેટલાક ભાગોમાં દલદલ પંકભૂમિની રચના થયેલી છે. દરિયાકિનારાનાં મેદાનો સાંકડાં છે, પણ જ્યાં નદીમુખ આવેલાં છે ત્યાં મેદાનોની પહોળાઈ વધારે છે.

બ્રાઝિલની લોખંડની સમૃદ્ધ ખાણોમાં ખોદકામ કરતાં તોતિંગ યંત્રો

જળપરિવાહ : વિશાળ વિસ્તાર ધરાવતા આ દેશમાં નાનીમોટી અસંખ્ય નદીઓ આવેલી છે. આ પૈકી ઍમેઝોન, સાઓ, ફ્રાન્સિસ્કો, ટોકેન્ટિન્સ, પારાના અને પરાગ્વે જેવી નદીઓ ગણનાપાત્ર છે. એન્ડીઝ  ગિરિમાળામાંથી ઉદભવીને પૂર્વમાં આટલાન્ટિક મહાસાગરને મળતી ઍમેઝોન નદી, દુનિયાની નાઇલ પછીની બીજા ક્રમે આવતી સૌથી લાંબી (6,437 કિમી.) નદી છે. આ લંબાઈના તેના વહનમાર્ગમાં તેને નેગ્રો, પુરુસ, જાપુરા, જુરુઆ, મદીરા, તાપાજોસ અને ક્ષિન્ગુ જેવી મોટી શાખાનદીઓ મળે છે. આમ વિપુલ પાણીપુરવઠો ધરાવતી ઍમેઝોન નદી દુનિયાભરમાં અજોડ એવી અતિવિસ્તૃત જળપરિવાહ-પ્રણાલી રચે છે. આ બધી નદીઓ જળમાર્ગ તરીકે ઘણી જ ઉપયોગી છે. એ જ રીતે સાઓ ફ્રાન્સિસ્કો (આશરે 2900 કિમી.) તથા ટોકેન્ટિન્સ નદીઓ બ્રાઝિલના ઉચ્ચપ્રદેશમાં દક્ષિણથી ઉત્તર તરફ વહીને આટલાન્ટિક મહાસાગરને મળે છે. આ સિવાય દક્ષિણ તરફ વહેતી પારાના અને પરાગ્વે નદીઓનાં ઉપરવાસનાં ક્ષેત્રો દક્ષિણ બ્રાઝિલમાં આવેલાં છે. વળી બ્રાઝિલના ઉચ્ચપ્રદેશની પૂર્વની ઊંચી કિનારી પરથી અનેક નાની નાની નદીઓ નીકળીને કિનારાનાં મેદાનોમાં થઈને આટલાન્ટિક મહાસાગરને મળે છે.

આબોહવા અને કુદરતી વનસ્પતિ : આ દેશ ઉત્તર-દક્ષિણ તેમજ પૂર્વ-પશ્ચિમ ઘણા મોટા વિસ્તારમાં પથરાયેલો હોવાથી અનેક પ્રાદેશિક વિભિન્નતાઓ ધરાવે છે. અક્ષાંશ, ભૂપૃષ્ઠરચના, ભૂમિસ્વરૂપો અને જળરાશિના સંદર્ભમાં ભૌગોલિક સ્થાન; સમુદ્રસપાટીથી ઊંચાઈ; પવનો વગેરે જેવાં અગત્યનાં ભૌગોલિક પરિબળો અહીં પ્રવર્તતી આબોહવા માટે અસરકારક બની રહેલાં છે.

દેશના ઉત્તર ભાગમાં વિષુવવૃત્ત રેખા પસાર થતી હોવાથી અહીં વર્ષમાં બે વાર સૂર્ય માથા પર આવે છે, મકરવૃત્ત રિયો દ જાનેરો અને સાઓ પાવલો નજીકથી પસાર થાય છે. તેથી ઋતુભેદે સ્થળે સ્થળે તાપમાન, વાતાવરણનું દબાણ, પવનો, વાદળો, વરસાદ અને ભેજના પ્રમાણમાં તફાવતો સર્જાય છે. ઉચ્ચપ્રદેશનાં વધુ ઊંચાં ક્ષેત્રો તથા છેક દક્ષિણે વિષુવવૃત્તથી દૂર આવેલા પ્રદેશોમાં તાપમાન નીચું રહે છે, જ્યારે દેશના બાકીના ભાગોમાં આખું વર્ષ ઊંચું તાપમાન પ્રવર્તે છે. પૂર્વ કિનારાના ભાગો બારે માસ દરિયાઈ લહેરોની અસર હેઠળ રહેતા હોવાથી, ત્યાં એકંદરે હવામાન ખુશનુમા રહે છે. વળી આ પ્રદેશો અગ્નિકોણીય વ્પાયારી પવનોની સીધી અસરથી ભારે વરસાદ મેળવે છે. વિષુવવૃત્ત રેખા પર આવેલા ઍમેઝોન થાળાના (વનસ્પતિ, નદીનાળાં, ભૂમિ તથા સમુદ્રવિસ્તારો સહિતના) આ પ્રદેશો દિવસ દરમિયાન સૂર્યતાપથી ખૂબ તપે છે. ઉષ્ણતાનયનના પ્રવાહો દ્વારા ઊંચે ગયેલી ભેજવાળી હવા, સાંજના ગાળામાં વાદળો રૂપે ઊમટી આવે છે અને ગાજવીજ સાથે અહીં ભારે વરસાદ પડે છે. અહીંના વરસાદનો આ નિત્યક્રમ છે.

આબોહવા અને વનસ્પતિ અહીં અન્યોન્ય ગાઢ રીતે સંકળાયેલાં છે, તેથી આબોહવાના પ્રકારો મુજબ વનસ્પતિ-પ્રકારો પણ બદલાય છે. તેમના મુખ્ય પ્રકારો આ પ્રમાણે છે : (1) ઍમેઝોન થાળામાં તથા ઍમેઝોન નદીમુખથી સાઓ રૉક(Sao Roque)ની ભૂશિર સુધીના દરિયાકાંઠાના ભાગોમાં ગરમ અને ભેજવાળી વિષુવવૃત્તીય આબોહવા પ્રવર્તે છે. અહીં બારેમાસ અતિશય ઊંચું નહિ, પણ સતત એકધારું મધ્યમસરનું ઊંચું (વાર્ષિક સરેરાશ 26° સે.) તાપમાન રહે છે. લગભગ દરરોજ ઉષ્ણતાનયનનો મુસળધાર વરસાદ (વાર્ષિક સરેરાશ 2000-2500 મિમી.) પડે છે. મોટાભાગના વિસ્તારો ‘સેલ્વા’ નામે ઓળખાતાં સદાહરિત ભેજવાળાં વિષુવવૃત્તીય જંગલોથી છવાયેલા છે. કઠણ લાકડું આપતાં, ઊંચાં, કદાવર, ગીચોગીચ વૃક્ષોની નીચે થતાં ક્ષુપો અને વેલાઓની ગૂંથણીઓથી સમગ્ર જંગલપ્રદેશમાં એક અભેદ્ય છત્ર તૈયાર થાય છે; જેમાં સૂર્યપ્રકાશ પણ પ્રવેશી શકતો નથી. (2) સાઓ રૉકની ભૂશિરથી રિયો દ જાનેરો સુધીનાં પૂર્વ કિનારાનાં મેદાનોમાં 5°થી 23.5° અક્ષાંશ વચ્ચે ઉષ્ણકટિબંધીય દરિયાઈ આબોહવા  અનુભવાય છે. આ આબોહવા પ્રથમ પ્રકાર જેવી જ છે; તફાવત માત્ર એટલો જ છે કે અહીંના પ્રદેશો, અગ્નિકોણીય, વ્પાપારી પવનો દ્વારા સીધો વરસાદ મેળવે છે. કિનારાનાં મેદાનોની પાર્શ્ર્વભૂમિમાં  આવેલી પર્વતશ્રેણીઓ આ પવનોને અવરોધે છે. અહીં પણ સદાહરિત ભેજવાળાં જંગલો છવાયેલાં છે. (3) દેશના ઈશાન ખૂણાના થોડાક ભાગોમાં ઉષ્ણકટિબંધીય અર્ધશુષ્ક આબોહવા જોવા મળે છે. આ પ્રદેશો, ઉચ્ચપ્રદેશ પર પર્વતશ્રેણીઓની વર્ષાછાયામાં આવે છે; તેથી અહીં વરસાદ ઓછો, અનિયમિત અને અવિશ્વસનીય છે. અહીંનું સરેરાશ વાર્ષિક તાપમાન 28° સે. અને વરસાદનું પ્રમાણ 700–800 મિમી. જેટલું રહે છે. આ પ્રકારની આબોહવાવાળા પ્રદેશમાં ઉષ્ણકટિબંધીય કાંટાળાં, ઝાંખરાળાં જંગલો છવાયેલાં છે. આ જંગલોને અહીં ‘કાટિંગા’ કહે છે. (4) બ્રાઝિલના ઉચ્ચપ્રદેશના મોટાભાગના અંતરિયાળ પ્રદેશો ભેજવાળા ઉનાળા અને હૂંફાળા શિયાળાની લાક્ષણિકતાવાળી સુદાન પ્રકારની આબોહવા ધરાવે છે. અહીંનું સરેરાશ વાર્ષિક તાપમાન 23° સે. અને વાર્ષિક વરસાદનું પ્રમાણ 1500–1700 મિમી. રહે છે. થોડાંક ઘાસમિશ્રિત જંગલોને બાદ કરતાં બાકીના મોટાભાગના વિસ્તારોમાં ઊંચું અને બરછટ ઘાસ છવાયેલું છે, જેને ‘સૅવાના’ કહે છે. અહીંની સૅવાના-ભૂમિ ‘campos’ તરીકે ઓળખાય છે. (5) છેક દક્ષિણે પૂર્વ કિનારાને અડીને આવેલાં પહાડી ક્ષેત્રોમાં હૂંફાળા ભેજવાળા શિયાળા તથા ગરમ ભેજવાળા ઉનાળાની લાક્ષણિકતાવાળી ચીન પ્રકારની આબોહવા અનુભવાય છે. અહીંનું સરેરાશ વાર્ષિક તાપમાન 19° સે. તથા વાર્ષિક વરસાદનું પ્રમાણ 1200–1300 મિમી. જેટલું રહે છે. બારે માસ લગભગ સપ્રમાણ વિતરણ પામેલા વરસાદને લીધે પાઇન વૃક્ષો તથા છૂટીછવાઈ ઘાસભૂમિનાં મિશ્ર ઉપોષ્ણીય વન જોવા મળે છે. (6) ઉરુગ્વેની સીમા પાસેના દક્ષિણના પ્રદેશમાં સૌમ્ય તાપમાન (જાન્યુ. 25° સે., જુલાઈ 14° સે.) તથા બારે માસ લગભગ સપ્રમાણ વરસાદવાળી (1200–1300 મિમી.) સમશીતોષ્ણ ભેજવાળી સ્ટેપ પ્રકારની આબોહવા પ્રવર્તે છે, જે ટૂંકાં ઘાસનાં બીડો માટે વધુ માફક આવે છે.

જંગલો : દેશના આશરે અર્ધા ભાગમાં છવાયેલાં જંગલોમાંથી અનેક પેદાશો મેળવાય છે. ઇમારતી લાકડાંના ઉત્પાદનમાં દુનિયામાં પાંચમો ક્રમ અને 7 % ઉત્પાદન ફાળો તેમજ બળતણી લાકડાંના ઉત્પાદનમાં તે દ્વિતીય ક્રમ તથા 10 % ઉત્પાદનફાળો ધરાવે છે. લાકડાં ઉપરાંત બ્રાઝિલનટ, કોચલાવાળાં અન્ય ફળો, ગુંદર, મધ, મીણ, રેસા, ટેનિન, જર્બામૅટ, કાર્નુબા તાડનું મીણ, રબર વગેરેનો પણ જંગલપેદાશોમાં સમાવેશ થાય છે. આજે વધતી જતી માનવપ્રવૃત્તિને લીધે જંગલોને હાનિ થતી જાય છે, તેથી સરકારે વનીકરણના કાર્યક્રમો હાથ ધર્યા છે. વળી જંગલ-વિસ્તારોમાં કૂપ પાડીને વ્યાપારી ધોરણે લાકડાંની ઊપજ મેળવવામાં આવે છે.

ઍમેઝોન નદીથાળામાંથી રોઝવુડ, આયર્નવુડ, મેહોગની વગેરે વૃક્ષોનાં કઠણ લાકડાં નદીઓમાં વહેવડાવીને બેલેમ બંદરે લાવવામાં આવે છે. દક્ષિણ બ્રાઝિલમાં આવેલાં સમશીતોષ્ણ જંગલોમાંથી પાઇન વૃક્ષોનું પોચું લાકડું મેળવાય છે. અહીં આશરે 2,000 જેટલી લાકડાં વહેરવાની મિલો આવેલી છે. આ લાકડાંની નિકાસ થાય છે; તેમાંથી કાગળનો માવો બનાવાય છે તેમજ કાગળનું ઉત્પાદન પણ થાય છે.

મત્સ્યસંપત્તિ : આ દેશ આશરે 7,500 કિમી. લાંબો દરિયાકાંઠો તથા અંદરના ભૂમિભાગોમાં હજારો કિમી. લંબાઈનાં નદીનાળાં ધરાવે છે. તેમાં વિપુલ પ્રમાણમાં મત્સ્યસંપત્તિ આવેલી છે. માછલાંના ઉત્પાદનમાં બ્રાઝિલ દક્ષિણ અમેરિકામાં પેરુ પછીના ક્રમે આવે છે. ઍમેઝોનિયામાં મીઠાં જળનાં માછલાં તથા કાચબા પકડવામાં આવે છે. તેમનો સ્થાનિક વપરાશ પણ થાય છે. દરિયાકાંઠા નજીકની સાંકડી ખંડીય છાજલી અને નદીમુખોમાં ઉષ્ણ તથા સમશીતોષ્ણ કટિબંધીય જળમાં માછલાંની વિવિધ જાતો મળી આવે છે. જોકે ખાદ્ય જાતોમાં અહીં શાર્ક માછલીનો વપરાશ વધુ છે; તેમ છતાં આ દેશમાં મત્સ્યપેદાશોને લગતા ઉદ્યોગોનો ઝાઝો વિકાસ થયો નથી.

ભૂમિ ઉપયોગ, ખેતી અને પશુપાલન : દેશનો આશરે 58 % ભૂમિભાગ જંગલોથી, 15.5 % ભૂમિભાગ ઘાસનાં બીડોથી (આ પૈકી 3.5 % ભૂમિ ખેતીયોગ્ય છે.) છવાયેલો છે; બાકીનો 23 % ભૂમિભાગ બાંધકામ અને માર્ગો હેઠળ તેમજ પડતર છે. માત્ર 3.5 % ભૂમિ પર જ ખેતી થાય છે. મોટાભાગની ખેતભૂમિ પૂર્વકિનારાના પટ્ટામાં આવેલી છે. વળી ઘણીખરી ખેતભૂમિ વિશાળ એસ્ટેટ(latifundia)ના સ્વરૂપમાં જોવા મળે છે.

ખેતીપ્રવૃત્તિ ઘણા લાંબા સમયથી આ દેશનો આધારસ્તંભ રહી છે. ખાણકાર્ય અને ઉદ્યોગોમાં રોકાયેલા લોકોને બાદ કરતાં બાકીના લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી અને પશુપાલન પ્રવૃત્તિમાંથી રોજી મેળવે છે. અહીંના મોટાભાગના ખેડૂતો હજી પણ ચીલાચાલુ ખેતીપદ્ધતિને વળગી રહ્યા છે; આમ છતાં અનેક સ્થળોએ કૃષિયંત્રો, રાસાયણિક ખાતરો, સુધારેલાં બિયારણો તથા જંતુનાશકોના ઉપયોગની સાથે સાથે વૈજ્ઞાનિક ઢબે ખેતી કરીને વિશેષ ઉત્પાદન લેવાય છે.

એમેઝૉન નદી દ્વારા કૉફી, રબર વગેરેના માલવહનમાં કાર્યરત નૌકાઓ

આ દેશમાં સામાન્ય રીતે ઉષ્ણકટિબંધમાં થતા પાકોનું પ્રમાણ વિશેષ છે, પરંતુ દક્ષિણમાં સમશીતોષ્ણ પાકોની ખેતી થાય છે. કસાવા (મેનિઓક) (દુનિયાનું 30 % ઉત્પાદન), મકાઈ (દુનિયાનું 5 % ઉત્પાદન), ડાંગર, ઘઉં વગેરે મુખ્ય ધાન્યપાકો છે. આ ઉપરાંત કૉફી, કપાસ, શેરડી, કોકો, સોયાબીન, સિસલ, દિવેલા, મરી એ દેશના અગત્યના નિકાસલક્ષી પાકો છે. તે પૈકી કૉફીના ઉત્પાદનમાં આ દેશ દુનિયામાં પ્રથમ સ્થાન તથા 25 % ઉત્પાદન-ફાળો ધરાવે છે. દેશના અર્થતંત્રમાં કૉફી-ઉદ્યોગની ભૂમિકા સૌથી વધુ મહત્વની પુરવાર થઈ છે. અહીંની કૉફીની બાગાયત કે એસ્ટેટને ‘ફેઝેન્ડા’ (fezendas) કહે છે. તે એક પ્રકારનું ખેતી સાથે સંલગ્ન સામાજિક તથા આર્થિક સંગઠન છે, જેમાં કૉફી-ઉદ્યોગ ઉપરાંત તેની સાથે બીજી કેટલીક પ્રવૃત્તિઓ સંકળાયેલી છે. આ સિવાય અન્ય પાકોના સંદર્ભમાં જોઈએ તો દુનિયામાં કોકોના ઉત્પાદનમાં તે ઘાના અને નાઇજિરિયા પછીનું સ્થાન તથા 16 % ઉત્પાદનફાળો તેમજ રૂ(કપાસ)ના ઉત્પાદનમાં તે છઠ્ઠો ક્રમ અને 4 % ઉત્પાદનફાળો ધરાવે છે. આ ઉપરાંત દુનિયામાં તે 16 % શેરડી, 39 % સિસલ, 2 % શણ, 6 % તમાકુ, 2 % મગફળીનું તથા 14 % ખાટા રસવાળાં ફળોનું ઉત્પાદન કરે છે. નારંગી, કેળાં, અનેનાસ તથા દ્રાક્ષ અહીંનાં મુખ્ય ફળો છે. નારંગી અને કેળાંના ઉત્પાદનમાં દુનિયામાં તે પ્રથમ ક્રમે આવે છે અને અનુક્રમે 34 % તથા 20 % ઉત્પાદનફાળો ધરાવે છે. દક્ષિણનાં રાજ્યોમાં કૉલોની બનાવી વસવાટ કરતા ઇટાલિયનો દ્રાક્ષની ખેતી કરવામાં અને તેમાંથી દારૂ બનાવવાની કળામાં કૌશલ્ય ધરાવે છે. આ દેશમાં આ ઉપરાંત બટાટા તથા બીજાં વિવિધ પ્રકારનાં શાકભાજી તથા ઘાસચારાના પાકો પણ ઉગાડવામાં આવે છે.

બ્રાઝિલ વિશ્વનો કૉફી પકવતો અગ્રણી દેશ છે.
કૉફીની વાડીમાં કાર્યરત કૃષિકારો – એક ર્દશ્ય

આ દેશમાં આવેલા કામ્પોસના ઘાસના પ્રદેશો આજે શ્રેણીબદ્ધ વિશાળ પશુવાડાઓમાં વહેંચાયેલા છે. જોકે અહીં બરછટ ઘાસ થાય છે; પણ માત્ર કૂણું તથા સુંવાળું ઘાસ જ પશુઓના ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. અહીંના કેટલાક પ્રદેશો માંસ-ઉદ્યોગમાં સ્વાયત્ત બનતા જાય છે. પરાગ્વે નદીના ઉપરવાસમાં પશુસંવર્ધન તથા માંસ-ઉદ્યોગનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. અહીં ઓલાદ-સુધારણાની સાથે સાથે ઢોર અને વાછરાડાંના માંસને પ્રક્રમિત કરવાનાં, ઠારવાનાં અને પૅક કરવાનાં કારખાનાં આવેલાં છે. આ ઉપરાંત મારોજો દ્વીપ(ઍમેઝોનના મુખ આગળ)માં, બ્રાન્કો નદીના ઉપરવાસના ભાગોમાં, સૅન્તારેમથી ઉત્તરના પ્રદેશોમાં પણ ઢોરઉછેર થાય  છે. ડુક્કરની સંખ્યામાં આ દેશ ચીન અને યુ.એસ. પછી ત્રીજું સ્થાન ધરાવે છે. દેશના પૂર્વ કિનારાની પટ્ટીમાં મિશ્ર ખેતી રૂપે પશુપાલનપ્રવૃત્તિ થાય છે. ખાસ કરીને અહીં શહેરી કેન્દ્રોની આસપાસ ડેરી તથા માંસ-ઉદ્યોગનો સારો વિકાસ થયો છે. દક્ષિણની સમોષ્ણ આબોહવામાં સારું પોષકમૂલ્ય ધરાવતાં ટૂંકા ઘાસનાં મેદાનો આવેલાં છે, ત્યાં દેશનાં આશરે 25 % ઢોર અને 66 % ઘેટાં પાળવામાં આવે છે. ઈશાનની શુષ્ક આબોહવા મુખ્યત્વે બકરાંના ઉછેર માટે વધુ અનુકૂળ છે.

ઍમેઝોનિયાની સસ્તી અને વિશાળ જમીનો તથા સસ્તા માનવશ્રમને અનુલક્ષીને ઍમેઝૉનથાળામાં જારી નદીના કાંઠે ઈ. સ. 1960થી લગભગ 10 લાખ હૅક્ટર ભૂમિમાં ડેનિયલ લુડવિગ નામના અમેરિકી કરોડપતિએ ખેત-ઉદ્યોગ સ્થાપીને નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. એવી જ રીતે જર્મન વૉક્સવેગન અને ઇટાલિયન લિક્વીગૅસ કંપનીઓએ પણ ઍમેઝોનિયામાં વિશાળ પશુવાડાની સ્થાપના કરી છે. દેશની સરકારે શેરડી (મોટરવાહનો માટે આલ્કોહૉલ મેળવવા માટે), તથા કસાવા(cassava)ના તેમજ વિદેશી બજાર માટે સોયાબીનના નિકાસલક્ષી ખેત-ઉદ્યોગો શરૂ કર્યા છે.

ખનિજો-ઊર્જા સંસાધનો : ભૂસ્તરીય રચનાની ર્દષ્ટિએ જોતાં બ્રાઝિલિયન ભૂકવચ અતિપ્રાચીન ખડકો ધરાવતું હોવાથી તેમાંથી વિવિધ ધાતુ-ખનિજો અને રત્નો મળી આવે છે. અહીંથી મુખ્યત્વે લોખંડ, મૅંગેનીઝ, સોનું, નિકલ, ટંગ્સ્ટન, ક્રોમિયમ, સીસું, જસત, કલાઈ, યુરેનિયમ, બૉક્સાઇટ અને અન્ય વિરલ ધાતુમય ખનિજો  તેમજ કોલસા, ખનિજતેલ તથા કુદરતી વાયુ, અબરખ, ઍસ્બેસ્ટૉસ, હીરા, ફૉસ્ફરસ વગેરે જેવાં અધાતુખનિજો મળી આવે છે.

આ દેશ દુનિયાની લોહધાતુ-ખનિજોનો આશરે 19.8 % અનામત જથ્થો ધરાવે છે. મીના જેરાઇસ (Minas Gerais) રાજ્યનું ઇતાબિરા લોહધાતુખનિજોનું પ્રખ્યાત ક્ષેત્ર છે. આ સિવાય કારાજાસ, ઉરુકમ અને આયર્ન ક્વૉન્ડ્રૅન્ગલ તેનાં જેવાં જ બીજાં ક્ષેત્રો છે. વળી માઉંટ ઉરુકમ અને સેરો દ નાવિયો ખાતેથી મૅંગેનીઝ; કૅમ્પો ફૉર્મોસા અને કેના બ્રાવા ખાતેથી ક્રોમિયમ; નિક્વેલૅન્ડિયા ખાતેથી નિકલ; રિયો ગ્રાન્ડ નોર્ટો તથા પારાઇબા ખાતેથી વુલ્ફ્રેમાઇટ (ટંગ્સ્ટન માટે); ટ્રૉમ્બેટાસમાંથી બૉક્સાઇટ (દુનિયાનું 7 % ઉત્પાદન); રૉન્ડોનિયામાંથી કલાઈ; વારાન્તે અને બેક્વિરામાંથી સીસું અને જસત; ઍન્ડોરિન્હાસ તથા મોરો વાલ્હોમાંથી સોનું; સિયેરા અને પોશૂદ કાલ્ડાસમાંથી યુરેનિયમનાં ખનિજો મળી આવે છે. વળી પૂર્વ કાંઠાના વિસ્તારમાંથી મૉનેઝાઇટ રેતી તેમજ ટેન્ટેલમ અને નિયોબિયમનાં વિરલ ખનિજો પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જૅક્વિટાઇનહૉન્હા ખાતેથી હીરા તથા અર્ધકીમતી રત્નો મળી આવે છે.

અહીં મળી આવતો હલકી જાતનો બિટુમિનસ કોલસો મુખ્યત્વે રેલ-એન્જિનોમાં તથા તાપવિદ્યુત પેદા કરવામાં વપરાય છે. જોકે દેશના લોહપોલાદ-ઉદ્યોગ માટે ઉત્તમ જાતના કોલસાની આયાત કરવામાં આવે છે. બાહિયા, સેર્જિપે (sergipe) અને અલગોયાસ રાજ્યોમાં તેમજ કામ્પોસ-થાળામાં ખનિજ તેલક્ષેત્રો આવેલાં છે. દેશના ખનિજતેલ-ઉદ્યોગનું સંચાલન પેટ્રોબાસ નામના સરકારી કૉર્પોરેશન હસ્તક છે. દેશની જરૂરિયાતને પહોંચી વળવા માટે ખનિજતેલની આયાત કરવામાં આવે છે.

ઊર્જા-કટોકટીને પહોંચી વળવા તેના વૈકલ્પિક સ્રોતો અંગે ઘણાં સંશોધનો ચાલી રહ્યાં છે. આ પૈકી શેરડીના રસમાંથી બનતા આલ્કોહૉલથી મોટરવાહન ચલાવવાનો પ્રયોગ સફળ થયો છે. કેટલીક મોટરવાહન બનાવતી કંપનીઓએ તેની યાંત્રિક ગોઠવણીમાં જરૂરી ફેરફારો પણ કર્યા છે. આ સફળ પ્રયોગનું નિદર્શન જોવા માટે કેટલાય દેશોનાં પ્રતિનિધિમંડળો આ દેશની મુલાકાતે આવી ચૂક્યાં છે. એમ કહેવાય છે કે આજે આ દેશનાં 85 % મોટરવાહનો આલ્કોહૉલથી ચાલે છે. બીજા અનેક સંશોધનમાં સ્વદેશી નેસ કંપનીએ ઊર્જાના અન્ય વિકલ્પમાં ‘બાયૉમાસ’ નામનું બળતણ બનાવ્યું છે, જેનો ઉપયોગ કારખાનાં ચલાવવા માટે થાય છે. સરકારે આ કંપનીને ફાળવેલા 15,000 હેક્ટર જંગલવિસ્તારનો ઉપયોગ, કંપની જેટલું કાપશે તેટલું વાવશે તેવી સમજથી કરશે.

દુનિયામાં આ દેશ સવિશેષ સંભવિત જળવિદ્યુતસ્રોત ધરાવતા દેશો પૈકીનો એક છે. સરકારે તિયેતે, સોરોકાબા, રિયો ગ્રાન્ડ, સાઓ ફ્રાન્સિસ્કો (ટ્રેસ માર્યાસ તથા પાવલો આફૉન્સો) અને પારાના (ઉરુબુપંગા જળવિદ્યુત સંકુલ) નદીઓ પર જળવિદ્યુત-પરિયોજનાઓ અમલમાં મૂકી છે. જેમનાથી ખાણો તથા ઔદ્યોગિક નગરોને વિદ્યુત-પુરવઠો ઉપલબ્ધ થાય છે. આ સિવાય પારાનાઇબા તથા ટોકેન્ટિન્સ નદીઓ પર 34 નવાં જળવિદ્યુતમથકો સ્થાપવાનું સરકારનું લક્ષ્ય છે. તેમાં ટોકેન્ટિન્સ નદી પર ટુકુરુઈ જળવિદ્યુતમથકનું બાંધકામ ચાલુ છે, જ્યારે પારાના નદીના હેઠવાસમાં બ્રાઝિલ તથા પરાગ્વે બંને દેશોની સહિયારી ઇતાયપુ નામની દુનિયાની સૌથી મોટી જળવિદ્યુત-પરિયોજના(12,600 મૅ.વૉ.)નું બાંધકામ પૂર્ણ થયું છે. તદુપરાંત આ દેશમાં એક અણુવિદ્યુતમથક તો છે અને બીજાં બે નવાં અણુવિદ્યુતમથકો સ્થાપવાનું સરકારનું આયોજન પણ છે.

ઉદ્યોગો : દેશમાં ઝડપી ઔદ્યોગિકીકરણ થવા માટેનાં મુખ્ય જવાબદાર પરિબળોમાં ઉદ્યોગોને અનુરૂપ કાચા માલની પ્રાપ્તિ; સસ્તી જળવિદ્યુત, ઝડપી શહેરીકરણ અને વસ્તીવૃદ્ધિને લીધે માનવશ્રમ તથા ઘરઆંગણાના વિશાળ બજારની ઉપલબ્ધિ; જીવનધોરણ સુધરતાં લોકોની ખરીદશક્તિમાં થયેલો વધારો; દેશ-વિદેશના મૂડીરોકાણની સગવડો; સંગીન અર્થતંત્રની રચના માટે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની સરકારની નીતિ વગેરેનો સમાવેશ થાય છે.

આ દેશમાં નાના અને મધ્યમ કદના અનેક ઉદ્યોગો છે. તેમાં ખાદ્યચીજોનું પ્રક્રમણ, યંત્રો, કાપડ, સિમેન્ટ, કાચ, સિરેમિક, કાગળ, પ્લાસ્ટિક, રબર, આલ્કોહૉલ, ઍલ્યુમિનિયમ, સિગારેટ, દારૂ અને પીણાં, ચામડાં અને પગરખાં, દવાઓ, લાકડાં વગેરેને લગતા ઉદ્યોગો મુખ્ય છે. વળી વીજળીનો સરસામાન, વીજાણુ ઉપકરણો અને વપરાશી માલને લગતા ઉદ્યોગો તેમજ પ્રવાસન-ઉદ્યોગ પણ અગત્ય ધરાવે છે. સામાન્ય રીતે લોખંડ-પોલાદ, મોટર-વાહનો રસાયણો, રિફાઇનરી, ઇજનેરી તથા જહાજ-બાંધકામ વગેરે અહીંના ભારે ઉદ્યોગો છે.

મિના જેરાઈસનાં લોખંડનાં ખાણક્ષેત્રોની નજીકના વિસ્તારો તેમજ સાઓ પાવલો, રિયો દ જાનેરો તથા બેલો હોરિઝોન્ટ – આ ત્રણ મહાનગરોને આવરી લેતા વિસ્તારો ‘બ્રાઝિલનો ઔદ્યોગિક પ્રદેશ’ રચે છે. આ સિવાય પોર્ટો આલેગ્રે, રેસિફ, બાહિયા (સૅલ્વાડૉર) તેમજ અન્ય નાનાં અનેક કેન્દ્રોમાં પણ ઔદ્યોગિક પ્રવૃત્તિ થાય છે તે બધાં ઔદ્યોગિક પ્રદેશની બહાર આવેલાં છે.

બ્રાઝિલમાં કાર્યરત અગત્યના ઉદ્યોગો આ પ્રમાણે છે : (1) ઉપભોક્તા ઉદ્યોગો : તેમાં કાપડ ઉદ્યોગ તથા ખાદ્યપ્રક્રમણનો સમાવેશ થાય છે. આ ઉદ્યોગો દેશના ઔદ્યોગિક ઉત્પાદન-મૂલ્યમાં 50 % ફાળો આપે છે. સુતરાઉ કાપડ ઉપરાંત અહીં રેયૉન, રેશમી, ઊની તથા શણના કાપડની ઘણી મિલો છે. વ્યાપક પ્રમાણમાં કામ કરતા ખાદ્યપ્રક્રમણ ઉદ્યોગો પણ ઘણા છે. તેમાં આટાના ઉદ્યોગો, માંસપૅકિંગ, દારૂ, ખાંડ અને ડેરી ઉદ્યોગોનો સમાવેશ થાય છે. સિગારેટ તથા વીજાણુ-સાધનો બનાવતા ઉદ્યોગો પણ આવેલા છે. (2) મોટર-વાહન-ઉદ્યોગ : સાઓ પાવલો આ ઉદ્યોગનું મુખ્ય મથક છે. વિદેશી કંપનીઓ પૈકી વૉક્સવેગન કંપની દેશનાં અર્ધાથી પણ વધુ વાહનો બનાવે છે. ત્યાંથી વાહનો અને છૂટક ભાગોની નિકાસ થાય છે. આ ઉપરાંત ટ્રક, ભારે ટ્રક અને બસ માટે રિયો દ જાનેરો, કૅમ્પિનાસ અને કુરિટીબા; જીપ અને પિકઅપ ટ્રક માટે જાબોઆટોઉ તથા મોટર-વાહન માટે બેલોહૉરિઝોન્ટ અગત્યનાં કેન્દ્રો છે. (3) લોખંડ-પોલાદ-ઉદ્યોગ : પારાઇબા નદી-ખીણમાં આવેલું વૉલ્ટા રેન્ડોડા આ ઉદ્યોગનું મુખ્ય મથક છે. તે આનુષંગિક ઉદ્યોગ માટેની સામગ્રીનું ઉત્પાદન કરે છે. આ ઉદ્યોગનાં અન્ય કારખાનાં ઇપાટિન્ગા, બેલો હૉરિઝોન્ટ, ક્યુબાટોઉ અને સેલ્વાડોર નજીક આવેલાં છે. વળી ટ્યૂબારોઉ ખાતે જાપાન અને ઇટાલીના સહયોગથી એક કારખાનું આકાર લઈ રહ્યું છે. (4) પ્રવાસન-ઉદ્યોગ : આ ઉદ્યોગના વિકાસ માટે સરકાર પ્રયત્નશીલ છે. વિશાળ રેતપટવાળો દરિયાકાંઠો ધરાવતું રિયો દ જાનેરો ઉપરાંત નવું પાટનગર બ્રાઝિલિયા, સાઓ પાવલો અને ઍમેઝોનિયાનો વિષુવૃત્તીય જંગલોનો પ્રદેશ, પ્રવાસીઓ માટેનાં મુખ્ય આકર્ષણકેન્દ્રો છે. ઍમેઝોનિયામાં ઘણાં રાષ્ટ્રીય ઉદ્યાનો પણ આવેલાં છે.

પરિવહન અને વ્યાપાર : આ દેશમાંના વિવિધતાભર્યાં ભૂપૃષ્ઠ અને આબોહવા તથા ગાઢ અને અભેદ્ય જંગલો જેવી કુદરતી પ્રતિકૂળતાઓને લીધે રેલ અને સડકમાર્ગો જેવા ભૂમિપરિવહનના વિકાસમાં અવરોધો પેદા થાય છે. આ અંગેની વહીવટી, આર્થિક તથા તકનીકી સમસ્યાઓ પણ છે.

19મી સદીના ઉત્તરાર્ધ બાદ ખાસ કરીને અગ્નિકોણીય ક્ષેત્રોમાં કૉફીની નિકાસ માટે બાગાયતો અને બંદરોને સાંકળતા સ્વતંત્ર અને છૂટાછવાયા રેલમાર્ગો બાંધવામાં આવ્યા, જે લગભગ છ જેટલાં વિવિધ માપ ધરાવે છે. આજે આ બધા રેલમાર્ગોના છેડાઓને સાંકળતી એક સળંગ રેલપદ્ધતિનું આયોજન કરવામાં આવ્યું છે.

દેશમાં આશરે 28,942 કિમી. લંબાઈના રેલમાર્ગોની જાળ પૂર્વ તથા અગ્નિ દિશા તરફના બધા જ પ્રદેશોને આવરી લે છે. અન્યત્ર ઍમેઝોન થાળામાં માત્ર બે-ત્રણ ટૂંકા રેલમાર્ગો આવેલા છે. આમ અહીંની રેલપરિવહન-પદ્ધતિ અસમાન, અપૂરતી અને એકતરફી છે. દેશના અંતરિયાળ ભાગમાં નવું પાટનગર બ્રાઝિલિયા બનાવ્યું છે. તેને નવા રેલમાર્ગોથી દેશનાં અગત્યનાં શહેરો-નગરો સાથે જોડવામાં આવ્યું છે. દેશની કેટલીક રેલસેવાઓનું વિદ્યુતીકરણ તથા આધુનિકીકરણ પણ કરવામાં આવ્યું છે. વળી ‘મધ્યસ્થ રેલમાર્ગ’ ઉરુગ્વે, આર્જેન્ટિના, બોલિવિયા અને પરાગ્વેની રેલપરિવહન વ્યવસ્થાને સાંકળે છે.

આ દેશમાં આશરે 15,83,172 કિમી. લંબાઈના બધા જ પ્રકારના સડકમાર્ગો છે. દેશમાં ઑટોવાહન ઉદ્યોગના અસામાન્ય વિકાસને લીધે સડકમાર્ગોના બાંધકામમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. સડકમાર્ગે ટ્રક દ્વારા માલસામાન-હેરફેરનું તથા બસ મુસાફરીનું પ્રમાણ ઘણું વધારે છે. વળી નવા પાટનગરની સ્થાપના થતાં આંતરિક ધોરી માર્ગોનું નિર્માણ પણ ફરજિયાત બન્યું છે. દેશના પાટનગર બ્રાઝિલિયાને બધી જ ઋતુઓમાં ઉપયોગી બની રહે એવા સડકમાર્ગોથી રાજ્યોનાં પાટનગરો સાથે સાંકળી લેવામાં આવ્યું છે. સરકારી આયોજન મુજબ દેશના લગભગ બધા જ ભાગોને આવરી લેતા ઘણાખરા ધોરી માર્ગોનું બાંધકામ પણ પૂર્ણ થયું છે. તેમાં બેલેમ–બ્રાઝિલિયા (2,250 કિમી.); ફૉર્તાલેઝા–બ્રાઝિલિયા (1,730 કિમી.); સાઓ પાવલો-કુરિટીબા (400 કિમી.) અને બેલો હૉરિઝોન્ટ–બ્રાઝિલિયા (5,600 કિમી.)નો સમાવેશ થાય છે. વળી ‘ટ્રાન્સ ઍમેઝોનિયા ધોરી માર્ગ’ રેસિફથી શરૂ થઈ પેરુની સીમા સુધી લંબાય છે, જ્યારે ‘રિયો બ્રાન્કો–મૅનોસ–બોઆ વિસ્ટા ધોરી માર્ગ’ વેનેઝુએલાને જોડે છે. આ ઉપરાંત, ‘સૅન્તારામ–કુયાબા’ તેમજ ‘સધર્ન પેરિમીટર’ ધોરી માર્ગો પણ ઉલ્લેખનીય છે. ‘નૉર્ધન પેરિમીટર ધોરી માર્ગ’નું નિર્માણકાર્ય ચાલુ છે.

બંદરો સાથેના દરિયાઈ માર્ગો દ્વારા નિયમિત જહાજી સેવાઓ ઉપલબ્ધ છે. રિયો દ જાનેરો, સેન્ટસ, રેસિફ, સૅલ્વાડોર, ફૉર્તાલેઝા, બેલેમ વગેરે દેશનાં અગત્યનાં બંદરો છે. વળી અંતરિયાળ ભાગોમાં આવેલી નદીઓ પણ જળમાર્ગ તરીકે ઘણી જ ઉપયોગી છે. આ દેશની હવાઈ સેવાઓ વધુ કાર્યક્ષમ છે. દેશના બધા જ ભાગો માટે વ્યાપારી તથા નાગરિક હવાઈ સેવાઓ ઉપલબ્ધ છે. દેશમાં નિયત ઉડ્ડયન યોજતાં 154 આંતરિક તેમજ 21 જેટલાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો આવેલાં છે. તે રાષ્ટ્રના રાજકીય, આર્થિક તથા સામાજિક માળખાની જાળવણી તથા વિકાસનું મહત્વનું સાધન બની રહેલાં છે.

આ દેશના આયાત-નિકાસ-વ્યાપારનું મુખ્ય ભાગીદાર યુ.એસ. છે. તે અન્ય દેશો સાથે પણ વ્યાપારી સંબંધો ધરાવે છે. યંત્રસામગ્રી, વાહનો, રસાયણો, ખનિજતેલ તથા અન્ય જરૂરિયાતનો વિવિધ પ્રકારનો માલ તેની મુખ્ય આયાતો છે; જ્યારે કૉફી સહિતની ખેતપેદાશો (આશરે 85 % નિકાસમૂલ્ય), ખનિજો, ધાતુપેદાશો, લાકડાં, કાપડ-ઉદ્યોગની સામગ્રી વગેરે તેની નિકાસો છે.

વસ્તી-વસાહતો : બ્રાઝિલની વસ્તી 1993 મુજબ આશરે 15 કરોડ 65 લાખ જેટલી છે. શરૂઆતમાં આ દેશમાં ઇન્ડિયનો, ગોરાઓ (યુરોપિયનો) અને નિગ્રો (હબસી ગુલામો) – એમ માત્ર ત્રણ મુખ્ય વંશીય (જાતિ) ઘટકો હતાં, પરંતુ તે પછીથી તેમાંથી મિશ્ર પ્રજા ઉદભવી છે. આજે  અહીં આશરે 70 % યુરોપિયનો (મુખ્યત્વે પોર્ટુગીઝો); 15 % ટકા નિગ્રો તેમજ બાકીના 15 % સંયુક્ત રીતે મેસ્ટિઝો (ગોરા તથા ઇન્ડિયનોનું મિશ્રણ), મ્યૂલેટો (ગોરા તથા નિગ્રોનું મિશ્રણ), કાફુઓ (નિગ્રો તથા ઇન્ડિયનોનું મિશ્રણ) અને ઇન્ડિયનો છે. દક્ષિણનાં રાજ્યોની તુલનાએ અહીં પોર્ટુગીઝવંશી ઓછા છે; પરંતુ સ્થળાંતરિત જર્મન, ઇટાલિયન, પોલ, સ્લાવ, એઝોરિયન, ડચ, ચૅક, યુક્રેરિયન, જાપાની વગેરે લોકો તેમની અલગ અલગ કૃષિવસાહતો સ્થાપીને વસે છે. આ પૈકી જર્મન પ્રજા આગળ પડતું સ્થાન ધરાવે છે.

પૂર્વ અને દક્ષિણના પહાડી પ્રદેશોમાં ઊંચાઈને લીધે તથા ત્યાંના દરિયાકિનારાનાં મેદાનોમાં દરિયાઈ પ્રભાવને લીધે આબોહવા એકંદરે ખુશનુમા રહે છે, તેથી વધુ લોકો અહીં વસે છે. વળી આ ભાગોમાં આર્થિક પ્રવૃત્તિઓ, ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણનો પણ વિકાસ થયો છે. શહેરો અહીં મહાનગરોમાં ફેરવાયાં છે. સમગ્ર દેશમાં શહેરી વસ્તીનું પ્રમાણ 77 % (1990) સુધી પહોંચ્યું છે. સ્થાન અને સંજોગભેદે વસ્તીગીચતા પણ જુદી જુદી છે. મહાનગરોમાં તે સરેરાશ દર ચોકિમી. મુજબ 200 વ્યક્તિઓથી વધુ છે, કિનારાપટ્ટીમાં તે 25થી 200 વચ્ચેની છે, પશ્ચિમનાં જંગલો અને ઘાસના પ્રદેશોમાં તે 1થી 25 વ્યક્તિઓની થઈ જાય છે.

આ દેશમાં ઝડપી શહેરીકરણ થયું છે. લાખો ગ્રામવાસીઓનો શહેરો તરફનો ઝોક વધ્યો છે; તેથી તેમની બધાની પાયાની જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થતી ન હોવાથી અનેક સમસ્યાઓ ઊભી થતી ગઈ છે. થોડાક અપવાદોને બાદ કરતાં લગભગ દરેક શહેરમાં પરાવિસ્તારો સાથે ગંદી, અસ્તવ્યસ્ત ઝૂંપડપટ્ટીઓ વધી છે. બ્રાઝિલમાં નવ જેટલાં મહાનગરો વિકસ્યાં છે. આ પૈકી સાઓ પાવલો સૌથી મોટું ઔદ્યોગિક મથક અને સૌથી મોટું મહાનગર છે. તેની વસ્તી 1 કરોડ 48 લાખ છે. સાઓ પાવલો પછીના ક્રમે આવતાં નગરોમાં રિયો દ જાનેરો (1 કરોડ 11 લાખ), બેલો હૉરિઝોન્ટ (38 લાખ), પોર્ટો આલેગ્રે (31 લાખ), રેસિફ (27 લાખ), સેલ્વાડૉર (22 લાખ), ફૉર્તાલેઝા (17 લાખ), કુરિટીબા (15 લાખ), બ્રાઝિલિયા (12 લાખ) અને સેન્ટસ વગેરેનો સમાવેશ થાય છે. 1960 સુધી રિયો દ જાનેરો આ દેશનું પાટનગર હતું. તે પછીથી તેને ખેસવીને નવા વસાવેલા બ્રાઝિલિયા ખાતે લઈ જવાયું છે.

ઇતિહાસ : ઈ. સ. 1492માં કોલંબસે નવી દુનિયાની શોધ કરી. 1500માં પોર્ટુગલ તરફથી ભારત જવા માટે રવાના થયેલા પેદ્રો આલ્વારેઝ કેબ્રાલ નામના નાવિકે બ્રાઝિલના દક્ષિણ બાહિયાના કિનારાની મુલાકાત લીધી. આ પ્રદેશ પર આધિપત્ય સ્થાપવા માટે સ્પેન અને પોર્ટુગલ વચ્ચે સ્પર્ધા ચાલ્યા કરતી હતી. 1500 પછીથી પોર્ટુગલ સરકારે અહીંના કિનારે વ્યાપારી થાણાં સ્થાપ્યાં તથા તેના રક્ષણ માટે લશ્કરની વ્યવસ્થા પણ કરી. તે પછી અંતરિયાળ પ્રદેશોને ખૂંદીને અભિયાનો થયાં. શરૂઆતમાં માત્ર નદીઓના જળમાર્ગો જ પ્રવેશ માટે અનુકૂળ હતા. ઘાસભૂમિ અને ઍમેઝોનના થાળાનાં અભેદ્ય જંગલોની પ્રતિકૂળતા તથા અહીંના આદિવાસી ઇન્ડિયનોનો સામનો કરીને પ્રાદેશિક જાણકારી મેળવવાનું કાર્ય મુશ્કેલ અને જોખમી હતું; તેમ છતાં આ પ્રદેશનાં આંતરિક સંશોધનો કરવામાં સૅમ્યુઅલ ફ્રિત્ઝ, હેન્રી વૉલ્ટર બૅટ્સ, આલ્ફ્રેડ રસેલ વૉલેસ, કર્નલ રૉન્ડેન, થિયૉડોર રૂઝવેલ્ટ, ડૉ. હેમિલ્ટન રાઇસ અને કર્નલ ફૉસેટ વગેરેએ નોંધપાત્ર ફાળો આપ્યો હતો.

શરૂઆતમાં અહીંનાં જંગલોમાંથી કાપડ રંગવા માટે બ્રાઝિલવૂડ નામનું લાકડું (dyewood) એકત્ર કરીને યુરોપ ખાતે મોકલાતું હતું. 1532માં પૂર્વ કિનારાનાં મેદાનોમાં આફ્રિકી નિગ્રો ગુલામો દ્વારા શેરડીની ખેતીનો વિકાસ કરાવ્યો. શેરડીમાંથી બનતી ખાંડ અહીંથી યુરોપ ખાતે નિકાસ થતી હતી. આંતિરક ભાગોમાં થતા ઘાસને કારણે પશુ-ચરિયાણ-પ્રવૃત્તિનો પણ વિકાસ થયો. આ કારણે યુરોપિયન વસાહતીઓ અહીં આવી ધીમે   ધીમે વસવા લાગ્યા. કિનારાના ભાગોમાં શહેરી વસાહતોની સ્થાપના થઈ. 1690માં મિના જેરાઇસના વિસ્તારમાંથી હીરા અને સોનું મળી આવવાથી યુરોપમાંથી સ્થળાંતર કરીને આવતા લોકોનો ધસારો થયો, વસ્તી વધતી ગઈ. ખાદ્ય ચીજોની જરૂરિયાતોને પહોંચી વળવા લોકોએ અહીં ખેતી અને પશુપાલન શરૂ કર્યાં. 1824થી 1870 દરમિયાન પોર્ટુગીઝો ઉપરાંત મોટી સંખ્યામાં જર્મન લોકો દક્ષિણ બ્રાઝિલના પ્રદેશોમાં આવીને વસ્યા. 1870થી 1879 દરમિયાન ઇટાલિયન, પોલ, રશિયન, યુક્રેરિયન લોકો પણ આવ્યા અને વસ્યા. તેમણે બધાએ પોતપોતાની અલગ અલગ કૃષિ-કૉલોનીઓ સ્થાપી.

આ પછી પૂર્વ અને દક્ષિણ બ્રાઝિલમાં કપાસની ખેતી શરૂ થઈ. તે પછીથી યુરોપનાં બજારોમાં મોટર-વાહનોનાં ટાયરો બનાવવા માટે રબરની માંગ વધવાથી 1880માં ઉત્તર ઍમેઝોનના પ્રદેશમાં ઊગતાં રબરનાં વૃક્ષોમાંથી રબર મેળવવાનું કાર્ય શરૂ થયું; જોકે અગ્નિ-એશિયાના દેશો રબરના વૈશ્વિક બજારમાં હરીફ બન્યા. પછી 1912માં અહીં રબરનું ઉત્પાદન લગભગ બંધ થયું. આ સમયગાળા દરમિયાન 1850 પછીથી યુરોપના બજારોમાં બ્રાઝિલની કૉફીની માંગ ઉત્તરોત્તર વધતી ગઈ અને તેથી ક્રમશ: તેનું ઉત્પાદન પણ વધતું ગયું. કૉફી-ઉદ્યોગથી આ દેશે અઢળક કમાણી કરી, અને એ રીતે એ ઉદ્યોગ આ દેશ માટે આર્થિક કરોડરજ્જુ સમાન સાબિત થયો.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ દેશે ઔદ્યોગિકીકરણની દિશામાં કદમ માંડ્યાં. સાનુકૂળ આર્થિક વાતાવરણ સર્જવા માટે દેશે એક પછી એક યોજનાઓ ઘડી. 1949–50 દરમિયાન ધોરી માર્ગોનું બાંધકામ, રેલમાર્ગોની સુધારણા તેમજ વિદ્યુત અને ખનિજતેલ ઉત્પાદન-ક્ષેત્રે આ દેશે પ્રગતિ સાધી તે પછીથી અહીં લોખંડ-પોલાદ, મોટર-વાહન, ઇજનેરી અને વિદ્યુત-સરસામાન વગેરેના ભારે ઉદ્યોગો સ્થપાયા. 1960 પછીથી સિંચાઈ, પરિવહન તથા જળવિદ્યુત-ઉત્પાદન માટે નદીઓ પર બંધોના નિર્માણકાર્યને અગ્રિમતા અપાઈ. જોકે આ બધાં ભગીરથ કાર્યો પાર પાડવામાં તેને માથે વિશ્વબૅંક પાસેથી લીધેલી લોનોનું ભારે મોટું દેવું ચડ્યું છે.

આ દેશના રાજકીય સંદર્ભમાં જોતાં 1,500 પછી તો તે પોર્ટુગલનું દરિયાપારનું એક સંસ્થાન હતું. તેનો વહીવટ નિયુક્ત અધિકારીઓ દ્વારા થતો હતો. 1807માં યુરોપમાં જ્યારે નેપોલિયને પોર્ટુગલ પર ચઢાઈ કરી ત્યારે ત્યાંના રાજકુટુંબને બ્રાઝિલ ખસેડેલું. 1821માં સમ્રાટ જ્હૉન, રાજકુમાર ડોમ પેદ્રોને તેમના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરીને પોર્ટુગલ પરત ગયા. 1822માં તેમણે ફરીથી મુલાકાત લેવા પ્રયત્ન કર્યો, ત્યારે રાજકુમાર પેદ્રોએ બ્રાઝિલને એક સ્વતંત્ર દેશ હોવાનું તથા પોતે તેનો સમ્રાટ હોવાનું ઘોષિત કર્યું; પરંતુ 1832માં ડોમ પેદ્રોને તેનો હોદ્દો ત્યાગવાની ફરજ પડી. તે પછી તેના પુત્ર ડોમ પેદ્રો બીજાએ 1840થી 1889 સુધી બ્રાઝિલ પર શાસન કર્યું. 1889માં રાજાશાહી શાસન-વ્યવસ્થાનો અંત આવ્યો અને બ્રાઝિલ એક સ્વતંત્ર પ્રજાસત્તાક દેશ તરીકે જાહેર થયો. 1964થી તે લશ્કરી શાસન હેઠળ રહેલો, પરંતુ 1985થી અહીં લોકશાહી સરકાર પ્રસ્થાપિત થઈ છે.

બીજલ પરમાર