બ્રાઝાવિલ : મધ્ય-પશ્ચિમ આફ્રિકાના કોંગો દેશનું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 4° 16° દ.અ. અને 15°.17’ પૂ.રે. તે કોંગો નદીના કાંઠે ઝાયરના પાટનગર કિન્શાસાની સામેના ભાગમાં સ્ટેનલી જળાશય નજીક ઝાયર-કોંગોની સરહદ પર વસેલું છે. તેની વસ્તી 9,37,579 (1992) છે. તે ઔદ્યોગિક મથક તથા આજુબાજુના વિસ્તારનું પરિવહનકેન્દ્ર છે. અહીં બાંધકામ-સામગ્રી, ખાદ્યપદાર્થો, સિગારેટ, રાચરચીલું, દીવાસળી, પગરખાં તથા સુતરાઉ કાપડનું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત અહીં ચામડાં કમાવવા માટેના પણ ઘણા એકમો આવેલા છે.
515 કિમી. લાંબો રેલમાર્ગ બ્રાઝાવિલેને આટલાન્ટિક કિનારા પરના પૉઇન્તે નૉઇર બંદર સાથે જોડે છે. મધ્ય આફ્રિકી પ્રજાસત્તાક તથા ચાડ વિસ્તારની મોટાભાગની આયાત-નિકાસ પૉઇન્તેનૉઇર-બ્રાઝાવિલે મારફતે થાય છે. આ કારણે જ તે મધ્યસ્થ પરિવહનકેન્દ્ર બનેલું છે.
1880માં પિયર સવોગ્નન દ બ્રાઝા નામના ફ્રેન્ચ સાહસખેડુએ આ સ્થળ વસાવેલું. 1958 સુધી તે જૂના ફ્રેન્ચ ઇક્વેટોરિયલ આફ્રિકાનું પાટનગર રહેલું, તે ઉપરાંત બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આફ્રિકામાંનાં ફ્રેન્ચ મુક્તિદળોનું મુખ્ય મથક પણ હતું.
1960 પછી બ્રાઝાવિલેની વસ્તીમાં ત્રણગણો વધારો થયો છે. આ કારણે અહીં બેકારીની સમસ્યા પણ ઊભી થયેલી છે.
ગિરીશભાઈ પંડ્યા