બ્યૂટ (Butte) : એકલું, છૂટુંછવાયું ભૂમિસ્વરૂપ. મેસાનો પ્રકાર. મેસાના સતત ઘસારાજન્ય ધોવાણ દ્વારા ઉદભવતી, નાની સપાટ શિરોભાગવાળી ટેકરી. તેની બાજુઓ સીધી, ઊભા ઢોળાવવાળી હોય છે, જેથી તે ખરાબા(badlands)ના ભૂમિભાગોમાં મિનારા જેવું સ્થળર્દશ્ય રચે છે. નરમ ઘટકોથી બનેલા નિક્ષેપોનો શિરોભાગ સખત ખડકોથી આચ્છાદિત હોય તો શુષ્ક આબોહવાના સંજોગો હેઠળ સતત ફૂંકાતા રહેતા પવનના મારાથી નરમ નિક્ષેપભાગો ઝડપી ઘસારો પામે છે. પરિણામે જે લાક્ષણિક આકારનું ભૂમિસ્વરૂપ રચાય છે તેને બ્યૂટ કહે છે. આવાં ભૂમિસ્વરૂપો રણપ્રદેશની લાક્ષણિકતા બની રહે છે. ઊંચાઈમાં તે 100 મીટરની આજુબાજુનાં હોય છે, લંબાઈ-પહોળાઈમાં થોડાક એકરનો વિસ્તાર આવરી લે છે. ‘બ્યૂટ’ મૂળ ફ્રેન્ચ શબ્દ છે, તેનો અર્થ ટેકરો થાય છે.

ગિરીશભાઈ પંડ્યા