બોહેમિયા : ચેકોસ્લોવેકિયામાં આવેલો પશ્ચિમી પ્રાદેશિક વિસ્તાર. વાસ્તવમાં પ્રાચીન મધ્ય યુરોપીય સામ્રાજ્ય શબ્દપ્રયોગ તેના સીમિત અર્થમાં માત્ર બોહેમિયા માટે તથા બહોળા અર્થમાં બોહેમિયા ઉપરાંત મોરેવિયા અને સિલેશિયાના વિસ્તારો માટે વપરાય છે. ભૌગોલિક સ્થાન : તે 49° 50´ ઉ. અ. અને 14° 00´ પૂ. રે.ની વચ્ચેનો આશરે 52,768 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર, પશ્ચિમ અને નૈર્ઋત્ય તરફ જર્મની, ઈશાન તરફ પોલૅન્ડ, પૂર્વમાં સ્લોવેકિયા તથા દક્ષિણ તરફ ઑસ્ટ્રિયા આવેલાં છે.
પ્રાકૃતિક રચના : બોહેમિયાનો પ્રદેશ પર્વતો અને ટેકરીઓથી ઘેરાયેલું રકાબી આકારનું ભૂપૃષ્ઠ ધરાવે છે. ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણમાં પર્વતો આવેલા છે. સુડેટ્સ (સુદેટેન) અને જાયન્ટ પર્વતો તેની ઈશાન દિશામાં આવેલા છે. પશ્ચિમ તરફ ‘બોહેમિયન ફૉરેસ્ટ’ પર્વતમાળા તથા વાયવ્યમાં ઓર પર્વતો આવેલા છે. પર્વતોની ઊંચાઈ આશરે 1,200થી 1,500 મીટર જેટલી છે. પશ્ચિમે બોહેમિયા અને પૂર્વ તરફ મોરેવિયાના વિસ્તારો જંગલથી આચ્છાદિત આછા ઢોળાવવાળી ટેકરીઓથી અલગ પડે છે. દેશના ઉત્તર ભાગમાં વહેતી એલ્બ અથવા લેબ નદી મુખ્ય જળમાર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે; દક્ષિણથી ઉત્તર તરફ વહેતી, રમણીય ગણાતી વલ્ટાવા નદી પ્રાગની ઉત્તરે એલ્બને મળે છે.
બોહેમિયન ઉચ્ચપ્રદેશ : દેશનું આશરે 65 % જેટલું ભૂપૃષ્ઠ આ ઉચ્ચપ્રદેશે આવરી લીધેલું છે. હર્સિનિયન ગિરિનિર્માણને પરિણામે તૈયાર થયેલી હારમાળાઓના ભાગરૂપ આ ઉચ્ચપ્રદેશ ગ્રૅનાઇટ, શિસ્ટ અને આરસ જેવા પ્રાચીન સ્ફટિકમય ખડકોનો બનેલો છે. તેમાંથી એલ્બ અને તેની શાખાનદીઓ નીકળે છે અને વહે છે. જળધોવાણ થવાથી આ ઉચ્ચપ્રદેશનું ભૂપૃષ્ઠ અસમતળ બની રહ્યું છે. તેનો નૈર્ઋત્ય ભાગ 1,500 મીટરની ઊંચાઈ ધરાવે છે. વાયવ્યમાં આવેલા ઓર પર્વતની તળેટીના કેટલાક ભાગોમાં જ્વાળામુખી-પ્રક્રિયા થયેલી જોવા મળે છે. ઈશાનમાં જાયન્ટ અને સુડેટ્સ પર્વતો આવેલા છે. જાયન્ટ પર્વતમાં આવેલું ઊંચું શિખર ‘સ્નો પર્વત’ છે. ઉચ્ચપ્રદેશનો ઉત્તર ભાગ માત્ર 200 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે, તેથી તે વિભાગ બોહેમિયાના મેદાન તરીકે ઓળખાય છે.
ખેતી : પ્રાગથી વાયવ્ય તરફના બોહેમિયાના ઉત્તર ભાગમાં એલ્બ નદીનો ખીણવિસ્તાર ખૂબ જ ફળદ્રૂપ જમીનો ધરાવે છે. ખેતી માટે આ પ્રદેશ બોહેમિયાની સુવર્ણભૂમિ કહેવાય છે. અહીં ઘઉં, શુગરબીટ, રાય, ઓટ, જવ તથા બટાટાની ખેતી થાય છે. ખેડૂતો ઢોર અને ભૂંડનો પણ ઉછેર કરે છે.
કુદરતી સંપત્તિ–ઉદ્યોગો : બોહેમિયાનો વાયવ્ય ભાગ કુદરતી સંપત્તિમાં સમૃદ્ધ છે. આ વિસ્તારમાં ઉચ્ચ કક્ષાના સ્ફટિક કાચ અને કાપેલા કાચ, રસાયણો અને યંત્રસામગ્રીના ઉદ્યોગો વિકસ્યા છે. લિબેરેન્સ નગર કાચ-ઉદ્યોગનું જાણીતું મથક છે. એલ્બ પર આવેલું નદી-બંદર ઉસ્તી નાદ લૅબેમ રસાયણ-ઉદ્યોગનું મથક છે. જૅકીમૉવની આજુબાજુ યુરેનિયમના મહત્વના જથ્થા આવેલા છે. મોસ્ત નજીક લિગ્નાઇટનું ખનન ચાલે છે. પ્રાગની પશ્ચિમે ક્લેડનો પાસે કોલસાની ખાણો આવેલી હોવાથી ત્યાં પોલાદના ઉદ્યોગો વિકસ્યા છે. પ્રાગની પૂર્વમાં આવેલું નાનકડું નગર કુતના હોરા એક વખતે ચાંદીની ખાણોનું મથક હતું તથા ત્યાં સિક્કાઓ પાડવાની ટંકશાળ પણ હતી. મધ્યકાલીન યુગમાં આ નગર મહત્વની ર્દષ્ટિએ પ્રાગ પછીના બીજા ક્રમે ગણાતું હતું. બોહેમિયા વિસ્તારનું આજે બીજા ક્રમે અને ચેકોસ્લોવેકિયાનું છઠ્ઠા ક્રમે આવતું નૈર્ઋત્યમાં આવેલું પિલ્સેન શહેર દારૂ ગાળવાની ભઠ્ઠીઓ માટે જાણીતું છે. તે શસ્ત્રો બનાવવાનાં કારખાનાં માટે પણ પ્રખ્યાત છે. પર્વતોની તળેટીમાં આવેલાં કાલ્સબાડ અને મરીએનબાદમાં કાચ, કાપડ અને પગરખાં જેવી સ્થાનિક વપરાશની ચીજોનું ઉત્પાદન લેવાય છે.
લોકો : બોહેમિયાની વસ્તી આશરે 63,00,000 (1991) છે. મોટાભાગના બોહેમિયનો ચેક તરીકે ઓળખાતા સ્લાવિક સમૂહના છે. વસ્તીના 66 % જેટલા લોકો ઉદ્યોગોમાં કામ કરે છે. બોહેમિયા અને મોરેવિયાના લોકો ચેક ભાષા બોલે છે. તે સ્લાવિક ભાષાને ખૂબ મળતી આવે છે. આ ઉપરાંત સ્થાનભેદે અહીં સ્થાનિક બોલીઓનો પણ ઉપયોગ થાય છે. મોટાભાગના લોકો રોમન કૅથલિક છે, કેટલાક પ્રૉટેસ્ટંટ પણ છે. દક્ષિણ અને પૂર્વના વિસ્તારો ગ્રામીણ વસ્તીવાળા છે. બોહેમિયા ચેકોસ્લોવેકિયાનો શહેરી તથા ગીચ વસ્તી ધરાવતો પ્રદેશ ગણાતો હોવા છતાં કેટલાક પ્રદેશોએ મૂળ ગ્રામીણ પરંપરા જાળવી રાખી છે.
બોહેમિયાનો પ્રદેશ કાર્લસ્ટેન, ક્રુમલોવ અને ઝ્વીકોવના પ્રસિદ્ધ કિલ્લાઓ જેવાં સ્મૃતિચિહ્નો માટે ચેકોસ્લોવેકિયામાં જાણીતો બનેલો છે. પ્રાગ મધ્ય યુરોપનું ઐતિહાસિક મહત્વ ધરાવતું અહીંનું સૌથી મોટું શહેર તથા પાટનગર છે. આ શહેરને ‘સો મિનારાનું શહેર’ અથવા ‘સુવર્ણ શહેર’ પણ કહે છે. તેની વસ્તી 12,17,000 (1993) જેટલી છે. પ્રાગ અગાઉ બોહેમિયા સામ્રાજ્યનું પણ પાટનગર હતું તથા અમુક ગાળા માટે ‘હૉલી રોમન એમ્પાયર’નું પણ પાટનગર રહેલું. પાટનગર પ્રાગમાં સાંસ્કૃતિક મથકો પણ આવેલાં છે.
વહીવટ : 1918થી 1948 સુધી બોહેમિયા એક અલગ પ્રાંત તરીકેનો દરજ્જો ભોગવતું હતું. 1949ની પહેલી જાન્યુઆરીથી બોહેમિયા, મોરેવિયા, સિલેશિયા અને સ્લોવેકિયાના પ્રાંતોને 19 અલગ અલગ વહીવટી એકમોમાં ફેરવી નાખવામાં આવ્યા છે. મૂળ બોહેમિયાને પાંચ વિસ્તારોમાં વિભાજિત કરેલું છે : (1) મધ્ય બોહેમિયા – પ્રાગ પાટનગર સહિત, (2) દક્ષિણ બોહેમિયા, (3) પશ્ચિમ બોહેમિયા, (4) ઉત્તર બોહેમિયા અને પૂર્વ બોહેમિયા. પ્રાગ શહેરને પોતાનું અલગ વહીવટી એકમ છે.
ઇતિહાસ : બોહેમિયાના સર્વપ્રથમ નિવાસીઓ ગણાતા બોઈ (Boii) લોકો સેલ્ટિક જાતિના હતા. ‘બોહેમિયા’ નામ આ ‘બોઈ’ શબ્દમાંથી ઊતરી આવેલું છે. તેઓ ઈ. પૂ. 300ના અરસામાં અહીં રહેતા હતા. ચેક લોકો અહીં આશરે 500ના ગાળામાં આવીને વસેલા. 1158માં ‘હોલી રોમન એમ્પાયર’ના શહેનશાહ ફ્રેડરિક પહેલાએ બોહેમિયાના ડ્યૂકને રાજાનો દરજ્જો આપેલો. ચૌદમી સદી દરમિયાન જ્યારે ચાર્લ્સ ચોથો (1346–1378) બોહેમિયાનો રાજા તથા ‘હોલી રોમન એમ્પાયર’નો શહેનશાહ હતો ત્યારે બોહેમિયા રાજકીય તથા સાંસ્કૃતિક રીતે તેની સમૃદ્ધિની ટોચ પર હતું. જૉન હસને દેહાંતદંડ અપાયા બાદ ઈ. સ. 1419માં અહીં આંતરવિગ્રહનો યુદ્ધગાળો શરૂ થયો, આ વિગ્રહો મુખ્યત્વે તો ધાર્મિક સંઘર્ષો જ હતા, પરંતુ તે હસ્સાઇટ યુદ્ધો તરીકે જાણીતા બનેલા છે, તેમાં હસના અનુયાયીઓ વફાદાર રોમન કૅથલિકો સામે લડેલા. 1436માં છેવટે બંને પક્ષોનું સમાધાન થયું. ઘણા બોહેમિયનો પ્રૉટેસ્ટંટો બની ગયેલા. 1526માં બોહેમિયા કૅથલિક હબ્સબર્ગ કુટુંબના શાસન તળે આવ્યું. 1618માં પ્રૉટેસ્ટંટ-પંથીઓએ હબ્સબર્ગને ઉથલાવ્યો, પરંતુ 1620માં હબ્સબર્ગે ફરીથી સત્તા હાંસલ કરી. તે પછીથી બોહેમિયન બળવો શરૂ થયો, જે 30 વર્ષીય યુદ્ધમાં ફેરવાયો. હબ્સબર્ગ કુટુંબે આશરે 400 વર્ષ પર્યંત શાસન કર્યું. આ શાસન હેઠળ બોહેમિયાએ તેનું રાજકીય અને ધાર્મિક સ્વાતંત્ર્ય ગુમાવેલું. અઢારમી સદીના છેલ્લા ચરણમાં ચેક નેતાઓએ બોહેમિયામાં દેશભક્તિ અને સંસ્કૃતિના નવનિર્માણ માટે ઘણો ભોગ આપેલો. 1848માં લોકોએ અસફળ બળવો પણ કરેલો. ઓગણીસમી સદી દરમિયાન બોહેમિયા ઔદ્યોગિક વિસ્તારમાં ફેરવાતું ગયું.
ઑસ્ટ્રિયા-હંગેરીનું હબ્સબર્ગ સામ્રાજ્ય પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પોતાનું વર્ચસ્ ગુમાવતું ગયું. 1918માં બોહેમિયા ચેકોસ્લોવેકિયાના સ્વતંત્ર પ્રજાસત્તાકનો એક પ્રાંત બની રહ્યું. 1949માં ચેકોસ્લોવેકિયાની સરકારે દેશમાં પ્રાંતીય વિભાગોના દરજ્જા રદ કર્યા, ત્યારથી તે રાજકીય એકમ મટીને ભૌગોલિક વિસ્તાર બની રહેલું છે.
ગિરીશભાઈ પંડ્યા