બોલ્ટ : બે અથવા વધારે ભાગોને જોડવા માટે, નટની સાથે વપરાતો યાંત્રિક બંધક. બોલ્ટવાળા સાંધાઓ સરળતાથી જોડી શકાય છે અને છૂટા પાડી શકાય છે. આને કારણે જ બોલ્ટવાળા સાંધાઓ અન્ય પ્રકારના યાંત્રિક બંધકોની સરખામણીમાં વધુ પ્રમાણમાં વપરાય છે. આ પ્રકારના બંધકો સ્ટીલના સાંધાઓના જોડાણમાં વ્યાપક રીતે વપરાય છે.
બે પ્લેટોને જોડતા બોલ્ટ-નટ ઉપરની આકૃતિમાં દર્શાવ્યા છે. આકૃતિ 1માં બોલ્ટનું શિર (head) અને માળખું (body) દર્શાવ્યું છે. આ માળખા ઉપર જરૂરી આંટા પાડવામાં આવ્યા છે. આ આંટા માળખાની અમુક લંબાઈ સુધી સીમિત હોય છે. નટની અંદર આંતરિક આંટા હોય છે જે બોલ્ટના માળખા ઉપરના બાહ્ય આંટાઓની સાથે બરાબર બેસે છે. પ્લેટની જોડે વાઇસર (વૉશર) સામાન્યત: વપરાય છે. આ ધાતુની પાતળી પટ્ટીના સ્વરૂપમાં હોય છે ને તેમાં બોલ્ટનું માળખું સરળતાથી જઈ શકે તેવું કાણું પાડવામાં આવે છે. આ વાઇસર અવભંજન (crushing) ઓછું કરવા માટે વપરાય છે. આ વાઇસર પૂર્વભાર (preload) અથવા પ્રારંભિક પ્રતિબળ (initial stress) વહી શકે છે.
પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ