બોરકર, બાળકૃષ્ણ ભગવંત (જ. 30 નવેમ્બર 1910, કુડચડે, ગોવા; અ. 1984) : મરાઠી કવિ અને નવલકથાકાર. એમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ધારવાડ ખાતે. 1928માં મેટ્રિક થયા બાદ પૉર્ટુગીઝ ટીચર્સ ટ્રેનિંગ કૉલેજની પ્રમાણપત્ર પરીક્ષા 1929માં પાસ કરી. 1929–46 દરમિયાન જુદી જુદી શાળાઓમાં શિક્ષક તરીકે કામગીરી કરી. થોડાક સમય માટે તેમણે મુંબઈમાં ‘વિવિધવૃત્ત’ નામના મરાઠી વૃત્તપત્રમાં પણ નોકરી કરી. 1946માં તેઓ ગોવા મુક્તિ-આંદોલનમાં જોડાયા. તેના સંદર્ભમાં તેમણે મુંબઈથી 1948માં મરાઠીમાં ‘આમચા ગોમાંતક’ અને 1955માં કોંકણી ભાષામાં ‘પોર્ચેજો આવાજ’ વૃત્તપત્રોનું સંપાદન કર્યું. 1955–70 દરમિયાન આકાશવાણીના પુણે-પણજી કેન્દ્રના સાહિત્યવિષયક વિભાગમાં સેવા આપી. 1970માં ત્યાંથી નિવૃત્ત થયા.

બાળકૃષ્ણ ભગવંત બોરકર

1957માં ગોમાંતક મરાઠી સાહિત્ય સંમેલનની સ્વાગત સમિતિના અધ્યક્ષ, 1958માં સોલાપુર ખાતે આયોજિત અખિલ ભારતીય મરાઠી કવિસંમેલનના અધ્યક્ષ અને 1963માં શ્રીલંકામાં ભરાયેલ લેખક-સંમેલનમાં ભારતીય લેખકોના પ્રતિનિધિ તરીકે હાજર રહ્યા. 1971માં મહાબળેશ્વર ખાતે આયોજિત અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના પ્રમુખપદે તેમની વરણી થઈ હતી.

વિદ્યાર્થી અવસ્થામાં જ તેમણે મરાઠી અને કોંકણી એ બંને ભાષાઓમાં કાવ્યલેખનની શરૂઆત કરી હતી. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રતિભા’ તેઓ માત્ર 20 વર્ષના હતા ત્યારે 1930માં મડગાંવ ખાતે આયોજિત મહારાષ્ટ્ર સાહિત્ય સંમેલનમાં પ્રગટ થયો હતો. ત્યારબાદ ‘જીવનસંગીત’ (1937), ‘દૂધસાગર’ (1947), ‘આનંદભૈરવી’ (1950), ‘ચિત્રવીણા’ (1960), ‘ગિતાર’ (1966), ‘ચૈત્રપૂનમ’ (1970) અને ‘કાંચનસંધ્યા’ (1981) એ 7 કાવ્યસંગ્રહો ક્રમશ: પ્રકાશિત થયા છે. ‘સાસાય’ શીર્ષક હેઠળનો તેમનો કોંકણી કાવ્યસંગ્રહ પણ 1981માં પ્રગટ થયો હતો જેને એ જ વર્ષે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એનાયત થયો હતો. તે જ વર્ષે મહાકવિ કાલિદાસકૃત ‘મેઘદૂત’નો તેમણે મરાઠીમાં કરેલ સમશ્લોકી અનુવાદ પ્રગટ થયો હતો. ગાંધીજીના જીવન પર ‘મહાત્માયન’ નામક મહાકાવ્ય પણ તેમણે રચ્યું છે.

તેમના 2 વાર્તાસંગ્રહો : ‘પ્રિયદર્શની’ (1960) અને ‘સમુદ્રકાઠચી રાત્ર’ (1981); 3 નવલકથાઓ : ‘માવળતા ચંદ્ર’ (1938), ‘અંધારાતીલ વાટ’ (1943) અને ‘માવીણ’ (1950); ‘કાગદી હોડ્યા’ (1938) એ લઘુ-નિબંધસંગ્રહ; ‘ચાંદણ્યાંચે ક વડસે’ (1981) લલિતનિબંધોનો સંગ્રહ; ‘આનંદયાત્રી રવીન્દ્રનાથ’ (1963) નામનું રવીન્દ્રનાથ ટાગોરનું ચરિત્ર; સ્ટીફન ઝ્વાઇગની નવલકથા પરથી ‘જળતે રહસ્ય’ (1945) તથા ‘બાપુજીંચી ઓઝરતી દર્શને’ (1950), ‘આમ્હી પાહિલેલે ગાંધીજી’ (1950), ‘કા્યેચી કિમયા’ (1951), ‘ગીતાપ્રવચને’ (1958), ‘માઝી જીવનયાત્રા’ (1960) અને ‘ઈશાવાસ્યોપનિષદ’ – એ અનુવાદો તેમના વિપુલ સાહિત્યસર્જનના દ્યોતક છે. વળી કોંકણી ભાષામાં 2 અલાયદા  કાવ્યસંગ્રહો ‘ગીતાય’ અને ‘પાંચ જણાં’ (1960) પણ પ્રગટ થયા છે.

તેમના સાહિત્યસર્જન માટે તેમને ઘણાં પારિતોષિકો તથા ઍવૉર્ડો મળ્યાં છે. તેમાં ‘માવીણ’ નવલકથા માટે ગોમાંતક મરાઠી સાહિત્ય સંમેલનનો સુવર્ણચંદ્રક (1950), ‘આનંદભૈરવી’, ‘ચિત્રવીણા’, ‘ગિતાર’ અને ‘આનંદયાત્રી રવીન્દ્રનાથ’ ગ્રંથો માટે મહારાષ્ટ્ર રાજ્ય પુરસ્કાર તથા કોંકણી ભાષાના તેમના કાવ્યસંગ્રહ ‘સાસાય’ માટે સાહિત્ય અકાદમીના પુરસ્કારનો સમાવેશ થાય છે. 1967માં ભારત સરકારે ‘પદ્મશ્રી’ના ખિતાબથી તેમને સન્માન્યા હતા.

પરંપરાને અનુસરનારા આ સાહિત્યકારને સ્વાતંત્ર્યસંગ્રામમાં તેમણે ભજવેલ ભૂમિકા બદલ ભારત સરકાર તરફથી તામ્રપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

ચન્દ્રકાન્ત મહેતા