બોયું (buoy) : પાણીમાં તરતું અને લંગર સાથે બંધાયેલું તથા નિશ્ચિત આકાર અને કદ ધરાવતું, નૌનયનની સલામતી માટે મૂકવામાં આવતું સાધન. બોયું સામાન્યત: પોલાદ, પ્લાસ્ટિક અથવા ફાઇબર રીઇન્ફૉર્સ્ડ પ્લાસ્ટિક(FRP)નું બનાવાય છે. બોયાના ત્રણ ભાગ હોય છે : (1) પાણી પર તરતો તથા નૌકાઓ દ્વારા દૂરથી દેખાતો ભાગ; (2) તરતા બોયાને નિશ્ચિત સ્થાન પર રાખવા માટેનું લંગર અથવા ભારે વજન; (3) જમીન પર મૂકેલા લંગર તથા પાણી પર તરતા બોયાને જોડતી લોખંડની સાંકળ. સાંકળની લંબાઈ, સામાન્યત: પાણીની ઊંડાઈ કરતાં બેથી ત્રણગણી હોય છે.
બોયાં જરૂરિયાત મુજબ, અ-પ્રકાશિત કે પ્રકાશિત હોય; રડાર પરિવર્તક (reflector) તથા ધ્વનિસંકેતનાં ઉપકરણોથી સજ્જ હોય; તેમજ નિશ્ચિત રંગથી રંગેલાં હોય છે. સામુદ્રિક પ્રવાહથી ખેંચાઈને, નિશ્ચિત સ્થાનથી ખસી ન જાય એ રીતે એને મૂકવામાં આવે છે.
બોયાં મુખ્યત્વે નીચે મુજબના હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છે : (1) નૌકાઓને બારામાં પ્રવેશવાના સલામત જળમાર્ગ દર્શાવવા (channel marking buoys); (2) બારાના જળવિસ્તારમાં નૌકાઓને લાંગરવાની સુવિધા માટે (mooring buoys); (3) બારામાં અથવા બારાની નજીકના જળવિસ્તારમાં, પાણીમાં ડૂબેલા જહાજ કે નૌનયન માટે અન્ય જોખમી અવરોધ દર્શાવવા (wreck buoys); (4) છીછરા સમુદ્ર કે જળમાર્ગના તળિયે મૂકવામાં આવેલ સંદેશાવ્યવહાર માટેના તારનાં દોરડાં (કેબલ) વગેરેનું સ્થાન દર્શાવવા.

આકૃતિ 1 : 1. પેર આકારનું (pear-shaped) બોયું; 2. નળાકાર (barrel or cylindrical) બોયું; 3. પીપ(drum)-આકારનું બોયું; 4. ગોલીય (spherical) બોયું
બોયાંનો આકાર, કદ, રંગ, પ્રકાશિત હોય તો પ્રકાશનો પ્રકાર વગેરે ઉપર દર્શાવેલ હેતુઓને અનુરૂપ હોય છે. ટૂંકમાં તેની વીગતો નીચે મુજબ છે :
(1) નૌકાઓને બારામાં પ્રવેશવાના સલામત જળમાર્ગ દર્શાવતાં બોયાં : નૌનયન માટે સલામત જળમાર્ગની પહોળાઈ દર્શાવતાં આ બોયાં જળમાર્ગની જમણી તથા ડાબી બંને તરફ મૂકવામાં આવે છે અને મુખ્યત્વે નીચે દર્શાવેલ આકારનાં હોય છે : સમુદ્ર તરફથી બારામાં પ્રવેશતી નૌકાની જમણી તરફનાં બોયાં શંકુ આકારનાં તથા ડાબી તરફનાં બોયાં ડબા આકારનાં હોય છે. બોયાં ખાસ પ્રકારના આકાર, રંગ પ્રકાશિત હોય તો પ્રકાશનો આંતરરાષ્ટ્રીય ધોરણે નિશ્ચિત થયેલ પ્રકાર (characteristics) હોય છે. ખરાબ હવામાનમાં પણ નૌચાલકો દૂરથી બોયાંને જોઈ તથા પિછાણી શકે એવાં તે હોવાં જોઈએ.
રાત્રિના સમયે પણ નૌચાલકોને માર્ગદર્શન મળે એ માટે બોયાં પર પ્રકાશનાં ઉપકરણો મૂકવામાં આવે છે. આ ઉપકરણો, બોયાંની અંદર ગોઠવવામાં આવેલ એસિટિલિન ગૅસનાં સિલિંડરો અથવા વિદ્યુત-બૅટરીથી પ્રકાશિત થાય છે.

આકૃતિ 2 : 1. શંકુ-આકારનું (conical) બોયું; 2. ડબા-આકારનું (can) બોયું; 3. ગોળાકાર (spherical) બોયું; 4. સ્તંભ (spar) બોયું; 5. પ્રકાશિત બોયું
(2) બારાના જળવિસ્તારમાં નૌકાઓને લાંગરવાની સુવિધા માટેનાં બોયાં (mooring buoys) : સામાન્યત: બંદરોમાં નૌકાના ઉપયોગ માટે ધક્કા તથા જેટી હોય છે; પરંતુ ધક્કા કે જેટી પર બર્થ ઉપલબ્ધ ન હોય; અથવા ધક્કા પર પાણીની ઊંડાઈ અપૂરતી હોય; અથવા નૌકાને સમારકામ માટે જ બારામાં સ્થાન જોઈતું હોય – એવાં અનેક કારણોથી, બારાના જળવિસ્તારમાં નૌકાઓને લાંગરવાની સુવિધા માટે નિશ્ચિત સ્થાન પર બોયાં મૂકવામાં આવે છે. આવાં બોયાંનાં કદ, આકાર, લંગરની સંખ્યા તથા વજન, સાંકળની જાડાઈ અને લંબાઈ વગેરે એ બોયાં પર લાંગરનાર નૌકાના કદ પર આધારિત હોય છે. બોયાં પર લાંગરેલ નૌકા પવન તથા સામુદ્રિક પ્રવાહને લીધે, બોયાં પર ઘણું ખેંચાણ કરે છે. એવાં ખેંચાણથી બોયું, પોતાના નિશ્ચિત સ્થાનથી ખસે નહિ, એ આવશ્યક છે. એથી, તરતાં બોયાંને લંગર સાથે જોડતી સાંકળની લંબાઈ, પાણીની ઊંડાઈથી ચારથી પાંચગણી રાખવામાં આવે છે. આવાં મૂરિંગ બોયાં સામાન્યત: આકૃતિ 2માં દર્શાવેલ પ્રકારનાં હોય છે.
(3) બારામાં અથવા બારાની નજીકના જળવિસ્તારમાં પાણીમાં ડૂબેલા જહાજ કે નૌનયન માટે અન્ય જોખમી અવરોધ દર્શાવવા માટેનાં બોયાં (wreck buoys) : ક્યારેક બારામાં અથવા બારાની નજીકના જળવિસ્તારમાં ઊંડાણમાં ભયજનક અવરોધ છુપાયેલો હોય. નૌકાઓ આવા અવરોધથી સલામત અંતરે દૂર રહે એ માટે નૌચાલકોના માર્ગદર્શન માટે, અવરોધ કે ડૂબેલા જહાજ પર યોગ્ય બોયાં મૂકવામાં આવે છે. આવાં બોયાં સામાન્યત: લીલા રંગનાં હોય અને તેના પર સફેદ રંગમાં, મોટા અક્ષરોથી ‘WRECK’ લખાય છે. એ પ્રકાશિત હોય છે અને ધ્વનિ-ઉપકરણોથી પણ સજ્જ હોય છે, જેથી રાત્રે અને ધુમ્મસ વગેરેને લીધે થયેલા પ્રતિકૂળ હવામાનમાં પણ ઉપયોગી થઈ શકે.
(4) છીછરા સમુદ્ર કે જળમાર્ગના તળિયે મૂકવામાં આવેલ સંદેશાવ્યવહાર માટેના તારનાં દોરડાં (cables) વગેરેનું સ્થાન દર્શાવતાં બોયાં : છીછરા સમુદ્ર કે જળમાર્ગના તળિયે ઘણી વાર સંદેશાવ્યવહારના તારનાં દોરડાં મૂકવાનું જરૂરી થાય છે. નજીકથી પસાર થતી નૌકાઓ દ્વારા આવા દોરડાને તથા નૌકાને પણ નુકસાન થઈ શકે. આથી નૌચાલકોના માર્ગદર્શન માટે, આવાં દોરડાં વગેરેનું સ્થાન દર્શાવવા યોગ્ય બોયાં મૂકવામાં આવે છે.
ભ. પ. કૂકડિયા