બોનસ-શૅર : કંપનીના એકત્રિત થયેલા વર્ષોવર્ષના નફાનું મૂડીકરણ કરીને તેના પ્રત્યેક શૅરહોલ્ડરને વિના મૂલ્યે અને વરાડે આપવામાં આવેલાં શૅર-સર્ટિફિકેટ. મોટાભાગની પ્રગતિશીલ કંપનીઓ પોતાનો બધો જ નફો શૅરહોલ્ડરોને ડિવિડન્ડ તરીકે વહેંચતી નથી; પરંતુ નફાનો અમુક ભાગ અનામત ખાતે લઈ જાય છે જેથી ભવિષ્યમાં કોઈ આફત કે આકસ્મિક જરૂરિયાત ઊભી થાય તો તેનો સામનો કરી શકાય. આમ કરવાથી કંપનીની આર્થિક નીતિ તથા સ્થિતિ સધ્ધર બને છે. જ્યારે આ રીતે નફામાંથી અનામત ખાતે લઈ ગયેલ રકમ સારા એવા પ્રમાણમાં એકઠી થાય ત્યારે કંપની આ પ્રકારની રકમ શૅરહોલ્ડરો વચ્ચે વહેંચી આપે છે. કંપની પોતાની કાર્યશીલ મૂડી ઘટાડવા ઇચ્છતી ન હોય તો તે આ લાભ રોકડમાં આપતી નથી, પરંતુ શૅર સ્વરૂપે આપે છે, જેને બોનસ-શૅર કહે છે. આ રીતે, કંપની પોતાની અનામતનું મૂડીકરણ કરે છે.
બોનસ-શૅર વિવિધ હેતુથી બહાર પાડવામાં આવે છે. (1) જ્યારે કંપની પાસે પૂરતો નફો હોય પરંતુ ડિવિડન્ડ ચૂકવવા માટે રોકડ પૂરતા પ્રમાણમાં ન હોય ત્યારે ડિવિડન્ડ બોનસ શૅરના રૂપમાં વહેંચવામાં આવે છે. (2) જ્યારે કંપની પોતાનો બધો જ નફો ડિવિડન્ડ તરીકે નહિ વહેંચતાં તેનો અમુક ભાગ બોનસ-શૅર તરીકે વહેંચે ત્યારે કંપનીનો મુખ્ય આશય પોતાનો ધંધો વિકસાવવાનો કે જવાબદારી ચૂકવી શકાય તે માટે નાણાં ફાજલ રાખી મૂકવાનો હોય છે. (3) જ્યારે કંપનીએ ઘણું અનામત એકઠું કર્યું હોય અને નફાનું પ્રમાણ વધારે દેખાતું હોય ત્યારે કંપની તેની મૂડીના પ્રમાણમાં બહુ જ નફો કરે છે, એવો ખોટો વિચાર ઉદભવે છે અને કંપની ટીકાપાત્ર બને છે. આ ઉપરાંત, કંપનીના કામદારો પણ કંપનીના નફામાં વધુ હિસ્સા માટે માગણી કરે છે. તેથી, કંપનીની કમાવાની સાચી શક્તિ દર્શાવવા માટે અનામતને બોનસ-શૅર તરીકે વહેંચવામાં આવે છે.
કંપનીના સરવૈયામાં જમા બાજુએ એકત્રિત થયેલાં જુદાં જુદાં ભંડોળોમાંથી બોનસ-શૅર આપવામાં આવે છે. આવાં ભંડોળોમાં મુખ્યત્વે : (1) નફાનુકસાન ખાતાની જમા બાકીનો, (2) સામાન્ય અનામતનો, (3) કોઈ પણ અનામત કે જે નફાની ફાળવણીમાંથી ઊભી કરવામાં આવી હોય તેનો, (4) ડિબેન્ચર પરત કરવા ઊભા કરેલ સિંકિંગ ફંડ કે ડિબેન્ચર પરત નિધિનો, (5) મૂડી પરત અનામત ખાતાનો, (6) શૅર-પ્રીમિયમનો તેમજ (7) નોંધણી પહેલાંનો નફો, ધંધો ખરીદતાં થયેલ નફો, કાયમી મિલકતોના વેચાણનો નફો જેવા મૂડીનફા વગેરેનો સમાવેશ થાય છે.
જો કંપનીએ ફક્ત ઑર્ડિનરી શૅર જ બહાર પાડ્યા હોય તો ઑર્ડિનરી શૅરહોલ્ડરોને વરાડે બોનસ-શૅર આપવામાં આવે છે, પરંતુ જો કંપનીએ ઑર્ડિનરી અને પ્રેફરન્સ–એમ બંને પ્રકારના શૅર બહાર પાડ્યા હોય તો પ્રેફરન્સ શૅરહોલ્ડરોને ડિવિડન્ડ પ્રથમ મેળવવાનો અને કંપની ફડચામાં જાય તો મૂડી પ્રથમ પરત મેળવવાનો હક હોવાથી તેમને બોનસ-શૅર મેળવવાનો અધિકાર હોતો નથી. ફક્ત ઑર્ડિનરી શૅરહોલ્ડરોને જ બોનસ-શૅર આપવામાં આવે છે. કંપની બોનસ-શૅર આપવાનો નિર્ણય કરે ત્યારે કેટલીક વાર એવું બને છે કે અમુક સંખ્યાના શૅર ધારણ કરનાર શૅરહોલ્ડરને એક આખો બોનસ-શૅર આપી ન શકાય; ઉદાહરણ તરીકે, કોઈ શૅરહોલ્ડર એક કંપનીના 10 શૅર ધરાવતો હોય અને કંપની દર 4 શૅર દીઠ એક બોનસ-શૅર આપે તો શૅરહોલ્ડરને 2 આખા બોનસ શૅર મળે, એ ઉપરાંત ½ બોનસ-શૅર માટે તે હકદાર છે એટલે, ½ શૅર એ અપૂર્ણ બોનસ-શૅર કહેવાય. આમ તે શૅરહોલ્ડરને 10 શૅરના બદલામાં 2 બોનસ-શૅર અને 2 બોનસ કૂપનો મળે છે ત્યારપછી જો શૅરહોલ્ડર બજારમાંથી ખૂટતી કૂપનો ખરીદીને 4 બોનસ-કૂપનો કંપનીમાં રજૂ કરે તો તેને તેવી કૂપનોના બદલામાં 1 બોનસ-શૅર આપવામાં આવે છે.
પિનાકીન ર. શેઠ