બોનસ : કામદારોને માલિકો દ્વારા ચૂકવવામાં આવતું વધારાનું વળતર. ઔદ્યોગિક કામદારોને તેમની કામગીરીના બદલામાં અમુક નિશ્ચિત રકમનું વેતન ચૂકવવામાં આવતું હોય છે; પરંતુ જ્યારે કામદારો સારી કામગીરી બજાવે અને તેને લીધે કારખાનાનો નફો વધે ત્યારે આવો વધારાનો નફો રળી આપવામાં કામદારોએ પણ મહત્વનું પ્રદાન કરેલું છે તેવી લાગણી વ્યક્ત કરવા માટે કારખાનાંના માલિકો કામદારોને તેમના નિયમિત વેતન ઉપરાંત કેટલીક વધારાની રકમ ચૂકવે છે, જેને બોનસ તરીકે ઓળખવામાં આવે છે. બોનસ આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીની બહેતર ઉત્પાદકતાની કદર કરવાનો તથા તેને પ્રોત્સાહન આપવાનો છે. ઔદ્યોગિક કામદારોને નિયમિત હાજરી માટે, વધુ ઉત્પાદન કરવા માટે, કાર્યક્ષમતાપૂર્વક કામ કરવા માટે કે પછી કારખાનાની સુરક્ષા જાળવવા માટે અલગ અલગ પ્રકારનાં બોનસ ચૂકવવામાં આવે છે. કેટલીક વાર અમુક ચોક્કસ પ્રકારના કર્મચારીઓની વ્યક્તિગત ઉત્પાદકતા માપવાનું શક્ય નથી હોતું ત્યારે સારી કામગીરી કરનાર કર્મચારીઓના આખા જૂથને જૂથ-બોનસ આપવામાં આવે છે; દા.ત., મૅનેજરો, અમુક ઉચ્ચકક્ષાના અધિકારીઓ કે કાર્યાલયમાં કામ કરતા કર્મચારીઓની ઉત્પાદકતા માપવાનું અઘરું હોવાથી એવા કર્મચારીઓને અમુક નક્કી કરેલા માપદંડને આધારે જૂથ-બોનસ અપાય છે. વીમો ઉતરાવનાર વ્યક્તિ કે સંસ્થા જો પોતાની સુરક્ષા અંગે સાવચેત રહે અને તેને પરિણામે તેમને વીમાનો દાવો કરવાનો પ્રસંગ ઊભો ન થાય તો વીમા કંપનીને આર્થિક લાભ થાય છે અને તેથી આવા વીમાધારકોને વીમાનું પ્રીમિયમ ઘટાડીને તેમને વીમાનો દાવો નહિ મૂકવા બદલનું બોનસ (no-claim bonus) વીમા કંપનીઓ ચૂકવતી હોય છે.
જાપાનમાં સામાન્ય રીતે એકથી પાંચ મહિનાના પગારની રકમ જેટલું બોનસ ચૂકવવાની પ્રથા છે. જ્યારે કોરિયા અને સિંગાપુરમાં તે રકમ એકથી ત્રણ માસના પગાર જેટલી હોય છે. સિંગાપુર અને મલયેશિયામાં જાહેર ક્ષેત્રના કર્મચારીઓને પણ બોનસ ચૂકવાય છે. દેશની કાચી ગૃહપેદાશમાં જેટલા ટકાનો વધારો થાય તેટલા ટકાનું બોનસ તેમને ચૂકવાય છે. ભારતમાં 1965માં પસાર થયેલો બોનસ-ચુકવણીનો કાયદો હાલ અમલમાં છે. આ કાયદાની વર્તમાન જોગવાઈઓ પ્રમાણે પેઢી નફો કરતી હોય કે ન કરતી હોય તોપણ માસિક રૂ. 3,500 સુધીનું વેતન મેળવનાર પ્રત્યેક કર્મચારીને તેના પગારના 8.33 % જેટલું લઘુતમ બોનસ ચૂકવવું ફરજિયાત છે. નફો કરતી પેઢીઓ પોતાના નફાને ધ્યાનમાં રાખીને ઉપર દર્શાવેલી 8.33 %ની લઘુતમ મર્યાદા કરતાં વધુ બોનસ ચૂકવી શકે છે. કાયદા હેઠળ બોનસની મહત્તમ મર્યાદા 20 % છે.
અનિલ સોનેજી