બોડોલૅન્ડ પ્રાદેશિક પ્રદેશ : અસમ વિભાગમાં ઈશાન ભાગમાં આવેલો સ્વાયત્ત પ્રદેશ.
ભૌગોલિક સ્થાન : તે 26 7´ ઉ. અ.થી 26 47´ ઉ. અ. અને 89 47´ પૂ. રે.થી 92 18´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. ભુતાન અને અરુણાચલ પ્રદેશના તળેટીના ભાગમાં બ્રહ્મપુત્ર નદીના કિનારાના ભાગમાં આવેલા કોકરાઝગર, બાકસા, ઉદલગિરિ, ચિરાંગ અને ટમાલપુર — એમ પાંચ જિલ્લાઓને આવરી લેતો આ પ્રદેશ છે. તેનો વિસ્તાર આશરે 8,970 ચો.કિમી. છે. સમદ્રસપાટીથી આશરે 200થી 500 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે.
ભૂપૃષ્ઠ – આબોહવા : આ પ્રદેશ જંગલઆચ્છાદિત ટેકરીઓથી છવાયેલો છે. તેનો 2 ભાગ ગીચ જંગલોથી ઘેરાયેલો છે. હિમાલયનો હિમ પીગળવાથી અનેક નદીઓએ પોતાનો માર્ગ ધારણ કર્યો છે અને બધી જ નાની નદીઓ અંતે બ્રહ્મપુત્ર નદીમાં સમાઈ જાય છે.
ઉષ્ણકટિબંધીય મોસમી વરસાદી જંગલ પ્રકારની આબોહવા છે. અહીં ભેજનું પ્રમાણ અધિક હોય છે પરિણામે અતિવૃષ્ટિ અહીં થતી રહે છે. ઉનાળો પ્રમાણમાં હૂંફાળો રહે છે. જ્યારે શિયાળો પ્રમાણમાં સામાન્ય અનુભવાય છે. ચિરાંગ, કોકરાજાર, ઉદાલગિરિ અને બકસા જિલ્લાઓમાં અવારનવાર પૂર આવતાં રહેતાં હોય છે, પરિણામે અહીંની ખેતી ઉપર માઠી અસર થાય છે.
અર્થતંત્ર : આ પ્રદેશમાં વસતા લોકોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી છે. ખેતીકીય પાકોમાં ડાંગર, શણ, રાઈ જેમાં વિશિષ્ટ સાલી(Sali) ડાંગરનું વાવેતર વધુ થાય છે તેમજ અહુ (Ahu), બાઓ (Bao) પ્રકારના ડાંગરની ખેતી લેવાય છે. આ સિવાય શણ, રાઈ શાકભાજી, (બટાટા, કોબીજ, ફ્લાવર, શક્કરિયા, કઠોળ, હળદર, તરબૂચ, કેળાં, મરચાં, ડુંગળી, આદુ, લસણ), કપાસ, તમાકુ, પામની ખેતી થાય છે. મશરૂમની પણ ખેતી લેવાય છે. આ મશરૂમની ખેતીમાં મહિલાઓનું યોગદાન વધુ છે. આ પ્રદેશની પ્રાકૃતિક પરિસ્થિતિને કારણે ઉદ્યોગો સ્થાપી શકાયા નથી. અસમના ઉત્તર ભાગમાં ખનીજતેલ, કુદરતીવાયુ ઉપર આધારિત ઇન્ડસ્ટ્રીઝ સ્થપાયેલી છે. અહીં જરૂરિયાત પૂરતા ગૃહઉદ્યોગો વિકસ્યા છે. ખેતી ઉપર આધારિત પશુપાલન પ્રવૃત્તિ જોવા મળે છે. જેમાં મુખ્યત્વે ભૂંડનું પ્રમાણ અધિક છે. નદીઓને કારણે મીઠા પાણીના મત્સ્ય પણ મેળવાય છે.

મશરૂમની ખેતી
પ્રવાસન : આ સમગ્ર વિસ્તાર કુદરતી સૌંદર્યથી સભર છે. વિવિધ પ્રકારની વન્યવનસ્પતિ અને જીવસૃષ્ટિ અહીં રહેલી છે. પરિણામે અહીં બોડોલૅન્ડ પ્રવાસન વિભાગે પ્રવાસીઓ માટે આધુનિક સગવડો ઊભી કરી છે. મનાસ રાષ્ટ્રીય ઉદ્યાન જે પ્રવાસીઓને વધુ આકર્ષે છે. આ સિવાય અહીં વન્યજીવ અભયારણ્ય અને આરક્ષિત જંગલોને પ્રાધાન્ય અપાયું છે. કુદરતી સૌંદર્ય પ્રવાસીઓ નિહાળી શકે તે માટે કેટલાંક સ્થળોએ ‘view point’ ઊભા કરાયા છે. ઉદાલગિરિ જિલ્લામાં ગેથાસેમાને (Gethasemane) માનવરચિત જંગલ પણ નિર્માણ કરાયું છે. બાકુનગિરિ ટેકરી જેને ટ્રૅકિંગ (Trekking) માટે વિકસાવવામાં આવ્યું છે.

ગેથાસેમાને (Gethasemane) માનવરચિત જંગલ
વસ્તી : આ પ્રદેશમાં સૌથી વધુ આદિવાસી જૂથો વસે છે. તેઓની વસ્તી લગભગ 12 લાખ કરતાં પણ વધુ છે. જેમાં મિયા/મઈ (Miya) જાતિના લોકોનું પ્રમાણ અધિક છે. આદિવાસીઓમાં કુલ 44 જાતિનો સમાવેશ થાય છે. જેઓ કુલ વસ્તીના 12.7% જેટલા થવા જાય છે. આદિવાસી જાતિની કુલ વસ્તીના 3% લોકો જ શહેરોમાં વસે છે. આ પ્રદેશમાં કુલ 11 પ્રકારની ભાષા બોલાય છે. જેમાં બોડો 30.4%, આસામી 5.5%, બેંગાલી 20.4% છે. આ સિવાય શાન્તાલી, નેપાળી, રાજબોંગસી, કુરુખ, હિન્દી, રાભા અને અન્ય જેની ટકાવારી 5% કરતાં પણ ઓછી છે. આ પ્રદેશમાં હિન્દુઓનું પ્રમાણ 71.25% છે જ્યારે મુસ્લિમ, ક્રિશ્ચિયન અને અન્ય લોકોનું પ્રમાણ અનુક્રમે 19.25%, 9.25% અને 0.25% છે. 2011 મુજબ અહીં સાક્ષરતાનું પ્રમાણ 71.62% જ્યારે સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 958 મહિલાઓ છે.
બોડોલૅન્ડ ઇતિહાસ : આ વિસ્તારમાં ઐતિહાસિક ર્દષ્ટિએ મૉંગોલિયન મૂળના તથા તિબેટી-જર્મન ભાષાસમૂહ સાથે સંકળાયેલા બોડો આદિવાસીઓ વસે છે. તેમની રહેણીકરણી-રીતરિવાજ, ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, સમાજવ્યવસ્થા – આ બધી જ બાબતોમાં તે અન્ય અસમિયા લોકો કરતાં તદ્દન જુદા પડે છે અને તેથી બારમી સદીથી તેઓ પોતાના અલાયદા રાજ્ય માટે સંઘર્ષ કરી રહ્યા છે. અસમ પર અત્યાર સુધી ઉત્તર તરફથી જેટલાં આક્રમણો થયાં તે ખાળવા આ વિસ્તારના બોડો આદિવાસીઓએ પ્રમુખ ભૂમિકા ભજવી છે; એટલું જ નહિ, પરંતુ ભારતની સ્વતંત્રતાની ચળવળમાં પણ તેમણે સક્રિય ભાગ લીધો છે. ઉપરાંત બાંગ્લાદેશમાંથી ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા હજારો લોકોએ ઊભી કરેલી આર્થિક અને સામાજિક સમસ્યાઓને લીધે બોડો આદિવાસીઓના જીવન પર વિપરીત અસર થઈ છે. બ્રિટિશ શાસનકાળ દરમિયાન વિશેષ રૂપે 1930 પછીના ગાળામાં ખ્રિસ્તી ધર્મપ્રચારકોએ આ વિસ્તારોમાં ધર્મપરિવર્તનની ઝુંબેશ વ્યાપક પ્રમાણમાં ઉપાડી હોવા છતાં ત્યાંના લગભગ 90% આદિવાસીઓ તેનાથી સભાન રીતે અલાયદા રહ્યા છે, જેનો જશ સોળમી સદીના વૈષ્ણવ ધર્મ-પ્રચારક શંકરદેવને ફાળે જાય છે. અસમની પ્રજામાં ધાર્મિક એકતા અને સહિષ્ણુતાનાં બીજ રોપવામાં વૈષ્ણવ ધર્મનો ફાળો મહત્વનો છે.
1947માં ભારતને આઝાદી મળી ત્યારબાદ આ પ્રદેશના વિકાસ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નક્કર પગલાં લેવામાં આવશે એવી બોડો આદિવાસીઓની અપેક્ષા હતી; પરંતુ તે પરિપૂર્ણ થવાને બદલે બ્રિટિશ શાસકોની જેમ સ્વતંત્ર ભારતની કેન્દ્ર સરકાર અને અસમ રાજ્યની સરકારોએ પણ તેમની અવગણના કરી છે એવી તીવ્ર લાગણી ત્યાંની આદિવાસી પ્રજામાં પ્રબળ થતી રહી. ઔદ્યોગિકીકરણથી તદ્દન વંચિત રહેલા તથા પછાત અને નિભાવ પૂરતી ખેતીમાંથી આજીવિકા પ્રાપ્ત કરવા ઝૂઝનારા બોડો આદિવાસીઓમાંથી લગભગ 80 % લોકો ગરીબીની રેખાથી નીચેની સપાટી પર જીવે છે. દેશને આઝાદી મળ્યા પછી પણ ઘણા લાંબા સમય સુધી જ્યારે તેમની ઉપેક્ષા થતી રહી ત્યારે તેમનામાં હિંસક સંઘર્ષનાં બીજ રોપાયાં. 1967 પછીના ગાળામાં આ સંઘર્ષ ક્રમશ: ઉગ્ર બનતો ગયો. ઇન્દિરા ગાંધી ભારતનાં પ્રધાનમંત્રી હતાં ત્યારે વિવિધ આદિવાસી જમાતોની અપેક્ષા–આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે અસમ રાજ્યનું પુનર્ગઠન કરવામાં આવશે એવી તેમણે જાહેરાત કરી, જેને લીધે બોડો આંદોલનને બળ મળ્યું. 1985માં ‘આસામ કરાર’ના નામે થયેલી ત્રિપક્ષી સમજૂતીમાં બોડો આદિવાસીઓની આકાંક્ષાઓનો પડઘો પણ પડ્યો હતો. બોડોલૅન્ડના પ્રસ્તાવિત અલાયદા રાજ્યના પ્રદેશની કુલ વસ્તીમાં બોડો આદિવાસીઓનું પ્રમાણ માત્ર 30% જ છે અને તેથી તે વિસ્તારના બાકીના 70% લોકો પર બોડોલૅન્ડનું અલાયદું રાજ્ય લાદવા સામે અસમની અન્ય પ્રજા અને તેમનાં સંગઠનો વિરોધ કરી રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી અસમમાં શાસન કરનાર આસામ ગણતંત્ર પરિષદ પણ બોડોલૅન્ડની માગણીનો વિરોધ કરી રહી છે. 1986ની સામાન્ય ચૂંટણીમાં અસમ ગણતંત્ર પરિષદને નોંધપાત્ર સફળતા મળી હતી, પરંતુ વિધાનસભામાં તેમના નેજા હેઠળ ચૂંટાઈ આવેલા પ્રતિનિધિઓમાં આદિવાસીઓને પ્રતિનિધિત્વ મળ્યું નહિ અને તેને લીધે બોડો પ્રજામાં અસંતોષની લાગણી વધુ ઉગ્ર બની હતી. પરિણામે અસમ રાજ્યની આદિવાસી અને બિન-આદિવાસી પ્રજા વચ્ચે કટુતા ફેલાઈ. 1987માં આસામ બોડો સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા અસમના રાજ્યપાલ સમક્ષ બોડો આદિવાસીઓની કુલ 92 માગણીઓનું ખતપત્ર રજૂ કરવામાં આવ્યું અને તેમાં અલાયદા બોડો રાજ્યની માગણીનું પુનરાવર્તન કરવામાં આવ્યું. અસમના બોડો વસ્તી ધરાવતા સપાટ પ્રદેશ માટે ‘સ્વાયત્ત મંડળ’ રચવાની માગણીનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો. 1987–93 દરમિયાન તેમની માગણીઓ અંગે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નહિ. પરિણામે 1993માં ગોહપુર ખાતે હિંસાના વ્યાપક બનાવો બન્યા. પછી તરત જ ત્રિપક્ષી ‘બોડો કરાર’ કરવામાં આવ્યો અને તે દ્વારા ‘બોડોલૅન્ડ સ્વાયત્ત પરિષદ’ની સ્થાપના કરવાની તથા પ્રયોજિત પરિષદનું સંચાલન બોડો આદિવાસીઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કરવું એવી સમજૂતી થઈ; પરંતુ આજ (2000) સુધી આ કરાર કાર્યાન્વિત કરવામાં આવેલો નહોતો અને તેને લીધે બોડો આંદોલન દિવસે દિવસે વધુ ને વધુ ઉગ્ર અને હિંસક બન્યું હતું. 1994–99ના ગાળામાં લગભગ 2,000 માણસોએ હિંસક બનાવોમાં પોતાના જાન ગુમાવ્યા હતા અને નિર્દોષ નાગરિકોની હત્યા ઉપરાંત અપહરણ, આગ, તેલની પાઇપ- લાઇનો ઉડાડી દેવી, લશ્કરી તથા અર્ધલશ્કરી ટુકડીઓ પર છાપા મારી તેમને હેરાનપરેશાન કરવા જેવા બનાવો સતત બનતા રહ્યા હતા. બોડો ઉગ્રવાદીઓએ સ્વાયત્ત પરિષદની માગણી પણ ફગાવી દીધી હતી અને અલાયદા બોડો રાજ્ય વિના તે જંપશે નહિ, એવી સ્પષ્ટ જાહેરાત કરી છે. આ આંદોલનમાં ‘ઑલ બોડો સ્ટુડન્ટ્સ યુનિયન’ ઉપરાંત ‘પ્લેન્સ ટ્રાઇબલ કાઉન્સિલ ઑવ્ અસમ’, ‘પીપલ્સ ઍક્શન કમિટી’, ‘પીપલ્સ ડેમૉક્રૅટિક ફ્રન્ટ’, ‘નૅશનલ ડેમૉક્રૅટિક ફ્રન્ટ ઑવ્ બોડોલૅન્ડ’, ‘બોડોલૅન્ડ લિબરેશન ટાઇગર્સ’, ‘યુનાઇટેડ ટ્રાઇબલ નૅશનલ લિબરેશન ફ્રન્ટ’ જેવાં સંગઠનો પણ સક્રિય થયા; જેમાંથી ઘણાં સંગઠનોએ અદ્યતન શસ્ત્રો વડે આ આંદોલન ચલાવ્યું. બોડો સાહિત્ય પરિષદ નામના સંગઠને પણ પરોક્ષ રીતે બોડોલૅન્ડની માગણીને સમર્થન આપ્યું. તેની વધારાની માગણી એ પણ છે કે સૂચિત બોડોલૅન્ડની રાજ્યભાષા માટે રોમન લિપિ અને દેવનાગરી લિપિમાંથી માત્ર એક લિપિની જ પસંદગી થવી જોઈએ. ઝારખંડ અને બોડોલૅન્ડ જેવાં નાનાં રાજ્યોની સ્થાપના માટે જુદાં જુદાં રાજ્યોમાં ચાલતાં આંદોલનોમાં એકસૂત્રતા લાવવા માટે એક ‘નૅશનલ સ્ટુડન્ટ્સ ઍન્ડ યૂથ ફૉરમ ફૉર સ્મૉલ સ્ટેટ્સ’ નામનું સંગઠન પણ રચવામાં આવ્યું.
2003ના વર્ષમાં ‘Bodoland Territoral Council’ની રચના કરવામાં આવી. આ કાઉન્સિલમાં 12 મેમ્બરોની નિમણૂક કરવામાં આવી હતી. 2005માં નવેમ્બર માસમાં 40 મેમ્બરોની વરણી કરવામાં આવી હતી. તે સમયે સૌપ્રથમ વાર ‘Bodoland Territoral Area District’ ની રચના કરવામાં આવી હતી. ત્યાર બાદ 27મી જાન્યુઆરી, 2020માં ભારત સરકાર અને અસમ સરકાર સાથે નવા કરાર કરવામાં આવ્યા હતા. 26મી જાન્યુઆરી,2023ના રોજ આ વિસ્તારમાં નવાં 60 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો. આમ શાંતિ જળવાય તે માટે કેન્દ્ર સરકારે તેને ‘સ્વાયત્ત પ્રદેશ’ તરીકેની માન્યતા આપી છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
નીતિન કોઠારી