બોડોલૅન્ડ : આસામ રાજ્યના ઉત્તર તરફના બોડો આદિવાસી વિસ્તારને આવરી લેતો પ્રદેશ. તે મુખ્યત્વે દારાંગ, નાવગાંવ, કામરૂપ, કોકરાઝાર અને ગોલપાડા જિલ્લાઓને આવરી લે છે અને તેનો કુલ વિસ્તાર આશરે 25,000 ચોકિમી. જેટલો થાય છે. આ વિસ્તારમાં ઐતિહાસિક ર્દષ્ટિએ મૉંગોલિયન મૂળના તથા તિબેટી-જર્મન ભાષાસમૂહ સાથે સંકળાયેલા બોડો આદિવાસીઓ વસે છે. તેમની રહેણીકરણી-રીતરિવાજ, ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, સમાજવ્યવસ્થા – આ બધી જ બાબતોમાં તે અન્ય અસમિયા લોકો કરતાં તદ્દન જુદા પડે છે અને તેથી છેક બારમી સદીથી તેઓ પોતાના અલાયદા રાજ્ય માટે સંઘર્ષ કરી રહ્યા છે. આસામ પર અત્યાર સુધી ઉત્તર તરફથી જેટલાં આક્રમણો થયાં તે ખાળવા આ વિસ્તારના બોડો આદિવાસીઓએ પ્રમુખ ભૂમિકા ભજવી છે; એટલું જ નહિ, પરંતુ ભારતની સ્વતંત્રતાની ચળવળમાં પણ તેમણે સક્રિય ભાગ લીધો છે. ઉપરાંત બાંગ્લાદેશમાંથી ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા હજારો લોકોએ ઊભી કરેલી આર્થિક અને સામાજિક સમસ્યાઓને લીધે બોડો આદિવાસીઓના જીવન પર વિપરીત અસર થઈ છે. બ્રિટિશ શાસનકાળ દરમિયાન વિશેષ રૂપે 1930 પછીના ગાળામાં ખ્રિસ્તી ધર્મપ્રચારકોએ આ વિસ્તારોમાં ધર્મપરિવર્તનની ઝુંબેશ વ્યાપક પ્રમાણમાં ઉપાડી હોવા છતાં ત્યાંના લગભગ 90 % આદિવાસીઓ તેનાથી સભાન રીતે અલાયદા રહ્યા છે, જેનો જશ સોળમી સદીના વૈષ્ણવ ધર્મ-પ્રચારક શંકરદેવને ફાળે જાય છે. આસામની પ્રજામાં ધાર્મિક એકતા અને સહિષ્ણુતાનાં બીજ રોપવામાં વૈષ્ણવ ધર્મનો ફાળો મહત્વનો છે.
1947માં ભારતને આઝાદી મળી ત્યારબાદ આ પ્રદેશના વિકાસ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નક્કર પગલાં લેવામાં આવશે એવી બોડો આદિવાસીઓની અપેક્ષા હતી; પરંતુ તે પરિપૂર્ણ થવાને બદલે બ્રિટિશ શાસકોની જેમ સ્વતંત્ર ભારતની કેન્દ્ર સરકાર અને આસામ રાજ્યની સરકારોએ પણ તેમની અવગણના કરી છે એવી તીવ્ર લાગણી ત્યાંની આદિવાસી પ્રજામાં પ્રબળ થતી રહી. ઔદ્યોગિકીકરણથી તદ્દન વંચિત રહેલા તથા પછાત અને નિભાવ પૂરતી ખેતીમાંથી આજીવિકા પ્રાપ્ત કરવા ઝૂઝનારા બોડો આદિવાસીઓમાંથી લગભગ 80 % લોકો ગરીબીની રેખાથી નીચેની સપાટી પર જીવે છે. દેશને આઝાદી મળ્યા પછી પણ ઘણા લાંબા સમય સુધી જ્યારે તેમની ઉપેક્ષા થતી રહી ત્યારે તેમનામાં હિંસક સંઘર્ષનાં બીજ રોપાયાં. 1967 પછીના ગાળામાં આ સંઘર્ષ ક્રમશ: ઉગ્ર બનતો ગયો. ઇન્દિરા ગાંધી ભારતનાં પ્રધાનમંત્રી હતાં ત્યારે વિવિધ આદિવાસી જમાતોની અપેક્ષા–આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે આસામ રાજ્યનું પુનર્ગઠન કરવામાં આવશે એવી તેમણે જાહેરાત કરી, જેને લીધે બોડો આંદોલનને બળ મળ્યું. 1985માં ‘આસામ કરાર’ના નામે થયેલી ત્રિપક્ષી સમજૂતીમાં બોડો આદિવાસીઓની આકાંક્ષાઓનો પડઘો પણ પડ્યો હતો. બોડોલૅન્ડના પ્રસ્તાવિત અલાયદા રાજ્યના પ્રદેશની કુલ વસ્તીમાં બોડો આદિવાસીઓનું પ્રમાણ માત્ર 30 % જ છે અને તેથી તે વિસ્તારના બાકીના 70 % લોકો પર બોડોલૅન્ડનું અલાયદું રાજ્ય લાદવા સામે આસામની અન્ય પ્રજા અને તેમનાં સંગઠનો વિરોધ કરી રહ્યાં છે. છેલ્લા દોઢ દાયકા દરમ્યાન આસામમાં શાસન કરનાર આસામ ગણતંત્ર પરિષદ પણ બોડોલૅન્ડની માગણીનો વિરોધ કરી રહી છે. 1986ની સામાન્ય ચૂંટણીમાં આસામ ગણતંત્ર પરિષદને નોંધપાત્ર સફળતા મળી, પરંતુ વિધાનસભામાં તેમના નેજા હેઠળ ચૂંટાઈ આવેલા પ્રતિનિધિઓમાં આદિવાસીઓને પ્રતિનિધિત્વ મળ્યું નહિ અને તેને લીધે બોડો પ્રજામાં અસંતોષની લાગણી વધુ ઉગ્ર બની. પરિણામે આસામ રાજ્યની આદિવાસી અને બિન-આદિવાસી પ્રજા વચ્ચે કટુતા ફેલાઈ. 1987માં આસામ બોડો સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા આસામના રાજ્યપાલ સમક્ષ બોડો આદિવાસીઓની કુલ 92 માગણીઓનું ખતપત્ર રજૂ કરવામાં આવ્યું અને તેમાં અલાયદા બોડો રાજ્યની માગણીનું પુનરાવર્તન કરવામાં આવ્યું. આસામના બોડો વસ્તી ધરાવતા સપાટ પ્રદેશ માટે ‘સ્વાયત્ત મંડળ’ રચવાની માગણીનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો. 1987–93 દરમિયાન તેમની માગણીઓ અંગે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નહિ. પરિણામે 1993માં ગોહપુર ખાતે હિંસાના વ્યાપક બનાવો બન્યા. પછી તરત જ ત્રિપક્ષી ‘બોડો કરાર’ કરવામાં આવ્યો અને તે દ્વારા ‘બોડોલૅન્ડ સ્વાયત્ત પરિષદ’ની સ્થાપના કરવાની તથા પ્રયોજિત પરિષદનું સંચાલન બોડો આદિવાસીઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કરવું એવી સમજૂતી થઈ; પરંતુ આજ (2000) સુધી આ કરાર કાર્યાન્વિત કરવામાં આવેલો નથી અને તેને લીધે બોડો આંદોલન દિવસે દિવસે વધુ ને વધુ ઉગ્ર અને હિંસક બનતું જાય છે. 1994–99ના ગાળામાં લગભગ 2,000 માણસોએ હિંસક બનાવોમાં પોતાના જાન ગુમાવ્યા છે અને નિર્દોષ નાગરિકોની હત્યા ઉપરાંત અપહરણ, આગ, તેલની પાઇપ- લાઇનો ઉડાડી દેવી, લશ્કરી તથા અર્ધલશ્કરી ટુકડીઓ પર છાપા મારી તેમને હેરાનપરેશાન કરવા જેવા બનાવો સતત બનતા રહ્યા. હવે તો બોડો ઉગ્રવાદીઓએ સ્વાયત્ત પરિષદની માગણી પણ ફગાવી દીધી છે અને અલાયદા બોડો રાજ્ય વિના તે જંપશે નહિ, એવી સ્પષ્ટ જાહેરાત કરી છે. આ આંદોલનમાં ‘ઑલ બોડો સ્ટુડન્ટ્સ યુનિયન’ ઉપરાંત ‘પ્લેન્સ ટ્રાઇબલ કાઉન્સિલ ઑવ્ આસામ’, ‘પીપલ્સ ઍક્શન કમિટી’, ‘પીપલ્સ ડેમોક્રૅટિક ફ્રન્ટ’, ‘નૅશનલ ડેમોક્રૅટિક ફ્રન્ટ ઑવ્ બોડોલૅન્ડ’, ‘બોડોલૅન્ડ લિબરેશન ટાઇગર્સ’, ‘યુનાઇટેડ ટ્રાઇબલ નૅશનલ લિબરેશન ફ્રન્ટ’ જેવાં સંગઠનો પણ સક્રિય છે; જેમાંથી ઘણાં સંગઠનો અદ્યતન શસ્ત્રો વડે આ આંદોલન ચલાવી રહ્યાં છે. બોડો સાહિત્ય પરિષદ નામનું સંગઠન પણ પરોક્ષ રીતે બોડોલૅન્ડની માગણીને સમર્થન આપી રહ્યું છે. તેની વધારાની માગણી એ પણ છે કે સૂચિત બોડોલૅન્ડની રાજ્યભાષા માટે રોમન લિપિ અને દેવનાગરી લિપિમાંથી માત્ર એક લિપિની જ પસંદગી થવી જોઈએ. ઝારખંડ અને બોડોલૅન્ડ જેવાં નાનાં રાજ્યોની સ્થાપના માટે જુદાં જુદાં રાજ્યોમાં ચાલતાં આંદોલનોમાં એકસૂત્રતા લાવવા માટે એક ‘નૅશનલ સ્ટુડન્ટ્સ ઍન્ડ યૂથ ફૉરમ ફૉર સ્મૉલ સ્ટેટ્સ’ નામનું સંગઠન પણ રચવામાં આવ્યું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે