બોડેનો નિયમ : જુદા જુદા ગ્રહોનાં સૂર્યથી અંતર દર્શાવવા માટેની યોજના. યુરેનસ, નેપ્ચ્યૂન અને પ્લૂટો જેવા ગ્રહોની શોધ થઈ તે પહેલાં, આ યોજનાનો ખ્યાલ સૌપ્રથમ વાર જર્મન ગણિતશાસ્ત્રી જોહાન ડી. ટિટિયસે 1766માં આપ્યો હતો. જર્મન ખગોળવિદ જોહાન ઇ. બોડેએ 1772માં આ નિયમ પ્રસિદ્ધ કર્યો. ત્યારથી આ નિયમ બોડેના નિયમ તરીકે ઓળખાય છે.
ગ્રહ | બોડેના નિયમ મુજબ અંતર | વાસ્તવિક અંતર |
બુધ | 0.4 | 0.39 |
શુક્ર | 0.7 | 0.72 |
પૃથ્વી | 1.0 | 1.00 |
મંગળ | 1.6 | 1.52 |
(લઘુ ગ્રહો) | (2.8) | – |
બૃહસ્પતિ | 5.2 | 5.20 |
શનિ | 10.0 | 9.54 |
યુરેનસ | 19.6 | 19.18 |
નેપ્ચ્યૂન | 38.8 | 30.06 |
પ્લૂટો | 77.2 | 39.30 |
એક સાદા અને સરળ સૂત્ર પ્રમાણે બોડેનો નિયમ કાર્ય કરે છે. તેણે 0, 3, 6, 12, 24, 48, 96, 192 અને 768 જેવા આંક ધરાવતી સંખ્યાઓનો ખ્યાલ રજૂ કર્યો. પ્રથમ સંખ્યા 0ને ધ્યાનમાં ન લે તો, આ સંખ્યાઓની શ્રેણીમાં સંખ્યા 3 પછીની દરેક સંખ્યા આગળની સંખ્યા કરતાં બમણી કરવાથી મળે છે. ત્યારબાદ દરેક સંખ્યામાં 4 ઉમેરીને પ્રત્યેક પરિણામને 10 વડે ભાગવામાં આવે છે. સૂર્યથી ગ્રહોનાં વાસ્તવિક સરેરાશ અંતરો માટે નીચે એક સારણી આપેલ છે. ઉપર દર્શાવેલ ગણતરી પ્રમાણે પ્રત્યેક ગ્રહના બોડેના નિયમ મુજબ મળતા અંતરને સારણીમાં દર્શાવેલા વાસ્તવિક અંતર સાથે સરખાવવામાં આવે છે. આ અંતરો ખગોલીય એકમ(= 15 x 107 એટલે કે 15 કરોડ કિલોમીટર)માં દર્શાવ્યાં છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને ખગોલીય અંતર કહે છે.
નેપ્ચ્યૂન અને પ્લૂટો સિવાય બધા જ ગ્રહોનાં વાસ્તવિક અંતર અને બોડેના નિયમ પ્રમાણે મળતાં અંતરો વચ્ચે ઘણું સામ્ય છે. બૃહસ્પતિ અને મંગળ વચ્ચે જે ગ્રહ હોવો જોઈએ તે હજુ સુધી ખગોળવિદો શોધી શક્યા નથી. આ (2.8), ખગોલીય એકમ અંતરે અસંખ્ય લઘુ ગ્રહો (asteroids) મળે છે. નેપ્ચ્યૂન અને પ્લૂટોનાં અંતર તથા 2.8 ખગોલીય એકમ અંતરે રાબેતા મુજબના ગ્રહની ગેરહાજરી બોડેના નિયમ સાથે વિસંગતતા ધરાવે છે. આથી ગ્રહોના અંતર માટે બોડેના નિયમનું ખગોળવિદોને મન ખાસ મહત્વ નથી.
પ્રહલાદ છ. પટેલ