બોડીવાળા, નંદલાલ ચૂનીલાલ (જ. 9 ઑગસ્ટ 1894, અમદાવાદ; અ. 6 જુલાઈ 1963, અમદાવાદ) : ગુજરાતી પત્રકાર. તેમની મૂળ અટક શાહ. પાછળથી એ કુટુંબ ‘બોડીવાળા’ કહેવાયું. આર્થિક સ્થિતિ નબળી હોવાથી નંદલાલને ભણવા માટે મામાને ત્યાં રહેવું પડ્યું. મૅટ્રિક પાસ થયા બાદ પુસ્તકવિક્રેતાને ત્યાં નોકરી કરીને ઇન્ટર સુધી ભણ્યા. આ ગાળામાં ચારેક સામયિકોનું સંપાદન કરવાનો અવસર સાંપડ્યો. તેથી પત્રકારત્વમાં રુચિ ઉત્પન્ન થઈ. 1919માં ‘સ્વરાજ્ય’ નામે પત્ર કાઢ્યું; પણ તેમાં સફળતા મળી નહિ.
અમદાવાદમાંથી કોઈ દૈનિક વર્તમાનપત્ર પ્રગટ થતું નહોતું. તેથી 1923માં, મિત્ર પાસેથી પાંચ રૂપિયા ઉછીના લઈ નંદલાલે ‘સંદેશ’ નામનું એક પૈસામાં વેચાતું દૈનિક પત્ર પ્રગટ કર્યું. વેચાણની આવકમાંથી બધું ખર્ચ કાઢવાનું, ભૂખ લાગે ત્યારે છાપખાનાના ટેબલ પર ચણા ફાકીને ચલાવવાનું. કોઈ વાર બીબાં કંપોઝ કરનાર પાસેથી વસ્તુ મેળવવાની… પણ, નંદલાલે પુરુષાર્થ છોડ્યો નહિ.
1930માં ગાંધીજીએ દાંડીકૂચની ઘોષણા કરી, ત્યારે ‘સંદેશ’ને પગભર થવાનો સુવર્ણ અવસર મળ્યો. દાંડીકૂચના સમાચાર જાણવા લોકોમાં ઉત્સાહ જોઈને નંદલાલે ‘સંદેશ’ના ‘વધારા’ છાપવા માંડ્યા : બે, ચાર… એક વાર તો દિવસમાં છ વધારા આપ્યા. ગુજરાતમાં ગામે-ગામ લોકો છાપું વાંચતા થઈ ગયા. કૂચ સમાપ્ત થઈ, પણ લોકોમાં છાપું વાંચવાની ટેવ સ્થાયી થઈ ગઈ. એ એટલી ર્દઢ કે છાપું એટલે ‘સંદેશ’ એવો પર્યાય પ્રચલિત થયો. પૂરક આવક માટે નંદલાલે કાપડના અને દવાના વેપારીઓ, સિનેમાવાળા આદિ પાસેથી વિજ્ઞાપનો મેળવવા માંડ્યાં. નંદલાલ 1935માં નગરપાલિકાની ચૂંટણીમાં જીત્યા. તેમણે ‘સ્ટાર’ નામે અંગ્રેજી દૈનિક કાઢ્યું, પણ તેમાં સફળ ન થયા.
શરીરની મર્યાદાઓની અવગણના કરીને તેઓ ‘સંદેશ’ પાછળ શ્રમ કરતા. રાત્રે દોઢ વાગ્યે છાપું છાપવા માટે યંત્ર પર જાય ત્યારે તેની છપાયેલી પહેલી પ્રત લઈને જ ઘેર જવાનો નિયમ. 1941માં પક્ષાઘાતના હુમલાએ એમને આરામ લેવા વિવશ કર્યા. ઉપચારોથી સુધારો થયો; પણ ડાબો પગ ક્ષતિગ્રસ્ત રહી ગયો. ‘સંદેશ’ ટકે તે માટે લિમિટેડ કંપની રચી. કલાકે 40,000 નકલો છાપે એવું ‘સ્ટીરિયો રૉટરી’ મુદ્રણયંત્ર વસાવ્યું. 1947માં ઘીકાંટા નવા ભવનમાં સંદેશ કાર્યાલય ખસેડાયું. પક્ષાઘાતનો બીજો હુમલો સ્થાયી પંગુતા આપી ગયો. પત્ની સરસ્વતીબહેન સંચાલનમાં સહાય આપતાં; પણ તેમનું અવસાન થતાં નંદલાલ ભાંગી પડ્યા. 1958માં ચિમનભાઈ સોમાભાઈ પટેલ(1918–1995)ને ‘સંદેશ’નું સુકાન સોંપી તેઓ નિવૃત્ત થયા.
તેમણે ‘સંદેશ’ના સહારે બીજાં ઉપયોગી પ્રકાશનો આપ્યાં. તેમાં હરિહર પ્રા. ભટ્ટ(1895–1978)ના સંપાદનમાં દર વર્ષે પ્રકાશિત થતું ‘સંદેશ પ્રત્યક્ષ પંચાંગ’ ગુજરાતમાં ઘેર ઘેર પહોંચતું થયું. બાળકો માટે ‘બાલસંદેશ’ સાપ્તાહિક અને જીવરામ જોશી(જ. 1905)ની મિયાં ફૂસકી અને તભા ભટ્ટની અમર જોડીવાળી ‘બાલસાથી ગ્રંથમાળા’, મહિલાઓ માટે ‘સ્ત્રી’ તથા સર્વલક્ષી ‘આરામ’ સાપ્તાહિક અને ‘ગુપ્તચર- ગ્રંથમાળા’, ધાર્મિક પાક્ષિક ‘ધર્મસંદેશ’, જ્યોતિષનું અને સિનેસૃષ્ટિનું સામયિક આદિ પ્રકાશનો ‘સંદેશ’ દ્વારા મળ્યાં.
પત્રકાર તરીકે નંદલાલ બોડીવાળાએ ‘સંદેશ’ દ્વારા જનતાના પ્રશ્નોને વાચા આપી. ઉપરાંત, ‘સંદેશ’ની આવકમાંથી તેમણે સમાજોપયોગી કાર્યોમાં દાન પણ આપ્યાં. રાધા-કૃષ્ણનું મંદિર, સરસ્વતી પ્રસૂતિગૃહ, કન્યાશાળા તથા ભારત સેવાશ્રમમાં કક્ષદાન પણ તેમનું સ્મરણ કરાવે છે.
બંસીધર શુક્લ