બોઝ, ભૂપેન્દ્રનાથ (જ. 1859, કૃશનગર, બંગાળ; અ. 1924, કૉલકાતા) : સ્વાતંત્ર્યસેનાની, કૉંગ્રેસપ્રમુખ, મવાળવાદી નેતા. પિતા રામરતન એક જમીનદારના કારકુન હતા. તેઓ કાયસ્થ જ્ઞાતિના હતા. ભૂપેન્દ્રનાથે કૃશનગર અને કૉલકાતામાં અભ્યાસ કર્યો હતો. 1875માં માધ્યમિક શિક્ષણ પૂરું કરી તેમણે કૉલકાતાની પ્રેસિડન્સી કૉલેજમાંથી 1880માં બી.એ., 1881માં એમ.એ. તથા 1883માં એલએલ.બી.ની ડિગ્રી મેળવી. સંસ્કૃત અને ફારસીમાં પણ તેમનો સારો અભ્યાસ હતો. તેમને અર્થશાસ્ત્ર, તત્વજ્ઞાન અને યુરોપના ઇતિહાસના અભ્યાસમાં રુચિ હતી. તેમને મહાભારત અને રામાયણ તથા વૈષ્ણવોના ધાર્મિક ગ્રંથોમાં ઘણો રસ હતો.
પોતાની કારકિર્દીનાં ઘણાં વરસો તેમણે સરકારી નોકરીમાં વિતાવ્યાં હોવા છતાં તેઓ દેશની સ્વતંત્રતાના મહત્વના સેનાની હતા. બંગાળના વિભાજનનું જાહેરનામું રદ કરાવવા 1907માં ઇંગ્લૅન્ડ ગયેલા પ્રતિનિધિમંડળના તેઓ એક સભ્ય હતા. ભારતમંત્રી(સેક્રેટરી ઑવ્ સ્ટેટ ફૉર ઇન્ડિયા)ની કાઉન્સિલના સભ્ય તરીકે 1917માં તેમની નિમણૂક થઈ ત્યારે ફરી વાર તેમણે ઇંગ્લૅન્ડની મુલાકાત લીધી હતી.
તેઓ 1904થી 1910 સુધી બંગાળની ધારાસભાના સભ્ય હતા. આ દરમિયાન તેઓ રાષ્ટ્રવાદી ચળવળમાં પણ ભાગ લેતા હતા. 1905માં મયમનસિંગમાં ભરાયેલ બંગાળ પ્રાંતિક પરિષદનું તેમણે પ્રમુખપદ સંભાળ્યું, વિભાજનવિરોધી આંદોલનમાં જોડાયા અને બ્રિટિશ માલના બહિષ્કાર માટે સમગ્ર બંગાળનો પ્રવાસ ખેડ્યો. 1910માં અખબાર-ધારો પસાર કરતી વખતે તેમણે વિરોધ કર્યો હતો. 1914માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ચેન્નઈ (મદ્રાસ) મુકામે ભરાયેલા અધિવેશનનું તેમણે પ્રમુખપદ સંભાળ્યું. રાષ્ટ્રવાદીઓ જહાલવાદ તરફ ઢળતા ગયા તેમ ભૂપેન્દ્રનાથ સરકારની નિકટ ગયા. 1917માં ભારતમંત્રીની સમિતિના તેઓ એક સભ્ય અને અન્ડરસેક્રેટરી બન્યા. તેમની નિમણૂક બંગાળના ગવર્નરની કારોબારી સમિતિના સભ્ય તરીકે 1923માં કરવામાં આવી ત્યાં સુધી તેમણે ઉપર્યુક્ત હોદ્દા પર કામ કર્યું. તે દરમિયાન 1922માં ભારતની જાહેર સેવાઓની તપાસ કરવા નિમાયેલા રૉયલ કમિશનના સભ્ય તરીકે તેમને નીમવામાં આવ્યા હતા. 1924માં તેમનું અવસાન થયું ત્યારે તેઓ કલકત્તા યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર હતા.
તેઓ બંગાળના શિક્ષણ અને રાજકારણ સાથે ગાઢ સંબંધ ધરાવતા હતા. નૅશનલ કાઉન્સિલ ઑવ્ એડ્યુકેશનના તેઓ સક્રિય કાર્યકર હતા. કારકિર્દીનાં શરૂનાં વરસોમાં કલકત્તા કૉર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર તરીકે તેમણે નોંધપાત્ર સેવાઓ આપી હતી. બંગાળના જાહેર જીવનમાં સુરેન્દ્રનાથ બૅનરજી પછી મવાળ નેતા તરીકેનું બીજું સ્થાન તેમનું હતું.
તેઓ ઉદારમતવાદી હિંદુ હતા અને અસ્પૃશ્યતાના વિરોધી હતા. સમાજમાં સ્ત્રીઓનું સ્થાન ઊંચું લાવવાના તેઓ પુરસ્કર્તા હતા. તેઓ પાશ્ચાત્ય શિક્ષણની તરફેણ કરનાર અને તાંત્રિક શિક્ષણના હિમાયતી હતા. ભારતમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરવાની તેમણે માગણી કરી હતી. કેટલાક દેશી ઉદ્યોગો સાથે તેઓ સંકળાયેલા હતા અને તેઓ માનતા હતા કે સરકારે ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવું જોઈએ. તેઓ રાષ્ટ્રવાદી હતા. ભારતમાં સાંસ્થાનિક દરજ્જાનું સ્વરાજ સ્થાપવાના હિમાયતી હતા; તેમ છતાં તેઓ અંગ્રેજોને ધિક્કારતા નહોતા. સરકારની સંસદીય પદ્ધતિની જેમ અંગ્રેજોની કેટલીક સારી બાબતોના તેઓ પ્રશંસક હતા.
જયકુમાર ર. શુક્લ