બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) :  બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત.

જગદીશચંદ્ર બોઝ

કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી કૉલેજમાં ભૌતિક-વિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા અને 1915 સુધી આ પદ ઉપર રહીને અધ્યાપનકાર્ય કર્યું. 1896માં લંડન વિશ્વવિદ્યાલયે તેમને ડી. એસસી.ની ઉપાધિ આપી. પ્રેસિડેંસી કૉલેજમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે 1917માં બોઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી અને 1937 સુધી તેના નિયામકપદે રહ્યા.

તેમણે વિદ્યુત-વિકિરણનો ઊંડો અભ્યાસ કર્યો, પરિણામે તેમણે વિદ્યુતતરંગોના પરાવર્તન અને ધ્રુવણ(polarisation)ને લગતા કેટલાક નિયમો સ્થાપિત કર્યા. બિનતારી સંદેશાવ્યવહારને લગતી ક્રિયાઓમાં કામ લાગે તેવા ‘કોહિરર (Coherer) તંત્ર’ની તેમણે શોધ કરી હતી. તેમની શોધ ‘Mercury Coherer with telephone’નો માર્કોનીએ ઉપયોગ કર્યો હતો. આ શોધ લંડનના ‘Proceedings of Royal Society’ નામના સામયિકમાં 27 એપ્રિલ 1899ના રોજ પ્રસિદ્ધ થઈ હતી. બે વર્ષ બાદ 12 ડિસેમ્બર, 1901માં માર્કોનીએ પ્રથમ વાર બિનતારી પ્રસારણ કર્યું હતું. બોઝ કૉલકાતામાં રહી વિદ્યુતચંબકીય અને પ્રકાશ ઉપર અવનવા પ્રયોગો કરતા અને તે માટે જરૂરી વૈજ્ઞાનિક ઉપકરણો જાતે જ તૈયાર કરતા હતા. આ રીતે આત્મનિર્ભરતાનો તેમનો ગુણ ર્દષ્ટાંતરૂપ છે. બિનતારી પ્રણાલીના પ્રથમ શોધક બોઝ હતા, પણ તેમણે તેનો એકાધિકાર (patent) લીધો ન હતો; કારણ કે તે પોતાની શોધને કમાણીનું સાધન બનાવવા માગતા ન હતા. યુ.એસ.ના કૉલોરાડો રાજ્યના ડેન્વર ખાતે માઇક્રો તરંગોના સંશોધન અન્વયે મળેલી આંતરરાષ્ટ્રીય પરિચર્ચામાં તેમની બિનતારી પ્રેષણ-ગ્રાહી પ્રણાલીની વિગતો બહાર આવી. એટલે કે આજથી 100 વર્ષ પહેલાં તેમણે માઇક્રોતરંગોનું નવું જ વિજ્ઞાન જગતને અર્પણ કર્યું હતું.

1900ની સાલમાં તેમણે અજોડ પ્રયુક્તિ (device) તૈયાર કરી, જેમાં તેમણે ગેલેના નામના ખનિજ સીસાના સ્ફટિકનો અર્ધવાહક (semi-conductor) તરીકે ઉપયોગ કર્યો. આવો ઉપયોગ કદાચ પ્રથમ વાર જ કરવામાં આવ્યો હતો. આ સ્ફટિકનું વ્યાપારી મહત્વ ઘણું વધારે છે. 1900 બાદ બિનતારી પ્રણાલી ઉપર સંશોધન બંધ કરી દીધું અને વનસ્પતિના અભ્યાસ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. જંતુઓ અને વિશેષે કરી વનસ્પતિના ક્રિયાવિજ્ઞાન બાબતે તેમણે આશ્ચર્યજનક સંશોધન કર્યું. તેમણે પોતાના પ્રયોગોમાં ઘણી નવી રીતો અને પદ્ધતિઓ સામેલ કરી. વળી કેટલાંક નવાં અને અદભુત યંત્રોની રચના કરી. છોડવાઓની વૃદ્ધિ માપવા માટે ક્રેસ્કોગ્રાફ નામનું યંત્ર તૈયાર કર્યું. આ સાધન છોડને એક-કરોડગણો વધારે વિવર્ધિત કરી શકતું હતું. તેમણે એવાં વૈજ્ઞાનિક ઉપકરણો પણ બનાવ્યાં જેના વડે છોડવા ઉપરના નિદ્રા (કાર્યવિરામ), વાયુ (હવા), આહાર અને ઔષધોના પ્રભાવ જાણી શકાય. આ સાધનની મદદથી તેમણે વનસ્પતિ અને જંતુઓના ઉત્તકો(tissue)ની ક્રિયાઓ તાર્દશ કરી બતાવી. અહીં પણ વનસ્પતિ જૈવિક સંવેદનો અનુભવે છે તેવી જગપ્રસિદ્ધ શોધ કરી.

1917માં તેમને ‘સર’નો ઇલ્કાબ આપવામાં આવ્યો. 1920માં તેઓ ઇંગ્લૅન્ડની રૉયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાયા. તેમણે કેટલાક મહત્વના ગ્રંથો લખ્યા છે; દા.ત., ‘સજીવ તથા નિર્જીવની અભિક્રિયાઓ’ (Response in the Living and Non-Living, 1902), ‘વનસ્પતિની અભિક્રિયા’ (Response of Vegetation, 1906), પાદપોની ચેતા-વ્યવસ્થા (Nervous Mechanism of Plants, 1926), અકાલપૌષ, બરદ્વાન મંડલ; ‘છોડવાઓની પ્રેરક યાંત્રિકી’ (1928) વગેરે.

પ્રહલાદ છ. પટેલ