બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી શકે તે માટે ઉમાકિશોરી મયમનસિંગમાં રહેવા ગયાં. આનંદમોહન પરીક્ષામાં પ્રથમ ક્રમાંક જાળવતા. 1870માં તેમને કલકત્તા યુનિવર્સિટીની પ્રેમચંદ રાયચંદ શિષ્યવૃત્તિ મળી. તેની સહાયથી તેમણે કેમ્બ્રિજની ક્રાઇસ્ટ ચર્ચ કૉલેજમાં ઉચ્ચ ગણિતશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે એ જ વર્ષે પ્રવેશ મેળવ્યો. તેઓ પ્રથમ ભારતીય રૅંગ્લર થયા અને તે સાથે 1874માં બૅરિસ્ટર પણ થયા.

આનંદમોહન બોઝ
ભારત આવીને તેમણે જાહેર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માંડ્યો. સુરેન્દ્રનાથ બૅનરજી, શિવનાથ શાસ્ત્રી, ઉમેશચંદ્ર દત્ત વગેરે તેમના સાથીઓ હતા. તે સમયે દેવેન્દ્રનાથ ટાગોર અને કેશવચંદ્ર સેનથી તેઓ પ્રભાવિત થયા હતા. 1905ની સ્વદેશી ચળવળ સુધી તેઓ બધી રાજકીય પ્રવૃત્તિઓમાં સુરેન્દ્રનાથના નિકટના સાથી રહ્યા હતા. પોતાની સંગઠનશક્તિ અને સુરેન્દ્રનાથના માર્ગદર્શન મુજબ તેમણે ઘણી સંસ્થાઓ સ્થાપી. 1875માં સ્થાપેલ કલકત્તા વિદ્યાર્થીમંડળ એ રચનાત્મક રાજકીય કાર્યો માટે વિદ્યાર્થીઓને સંગઠિત કરવાનો એમનો પ્રથમ પ્રયાસ હતો. ભારતીયોના હકો અને વિશેષાધિકારો માટે જોરદાર બંધારણીય આંદોલન ચલાવવા અખિલ ભારતીય કક્ષાનું પ્રથમ રાજકીય સંગઠન તેમણે 1876માં ઇન્ડિયન ઍસોસિયેશન નામથી, સુરેન્દ્રનાથના સહકારથી સ્થાપ્યું. તેના ઉપક્રમે 1883માં પ્રથમ રાષ્ટ્રીય પરિષદ યોજવામાં આવી. તે 1885માં સ્થપાયેલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની અગ્રદૂત (pioneer) બની હતી.
કૉંગ્રેસની સ્થાપના થતાં આનંદમોહન તેમાં જોડાયા અને 1898માં ચેન્નાઈની બેઠકના પ્રમુખપદે પણ ચૂંટાયા હતા. પ્રમુખપદેથી તેમણે લોકોને દેશભક્તિ દાખવી માતૃભૂમિ માટે બલિદાન આપવા વિનંતી કરી હતી.
શિક્ષણના ક્ષેત્રમાં તેમનું પ્રદાન નોંધપાત્ર હતું. તેમણે 1879માં કૉલકાતાની સિટી કૉલેજની સ્થાપના કરી. તેઓ કલકત્તા યુનિવર્સિટીની સર્વ મહત્વની કામગીરી સાથે 1877થી સંકળાયેલા હતા. તેઓ મહિલા-કેળવણી અને સામાન્ય જનતાના શિક્ષણના હિમાયતી હતા. તેમના સતત પ્રયાસોના ફલસ્વરૂપે યુનિવર્સિટીને માત્ર પરીક્ષા લેવા ઉપરાંત શિક્ષણ આપવાની કામગીરી પણ સોંપવામાં આવી. શિક્ષણક્ષેત્રની તેમની સેવાઓની કદર કરીને 1882ના એજ્યુકેશન કમિશનના સભ્ય તરીકે તેમને નીમવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના સૌપ્રથમ પ્રતિનિધિ તરીકે તેઓ બંગાળની ધારા સમિતિના સભ્યપદે નિમાયા હતા.
સમાજસેવક તરીકે તેમણે મહિલાઓ તથા આમજનતાના ઉત્કર્ષ માટે, મદ્યનિષેધ તથા સામાજિક દૂષણો દૂર કરવા માટે પ્રયાસો કર્યા. તેમનું જીવન સાદું, સૌમ્ય અને સંતસમાન હતું. તેઓ વિનયશીલ, ઉદાર અને પ્રામાણિક હતા. સાધારણ બ્રહ્મોસમાજના તેઓ સહ-સ્થાપક હતા. તેમના માર્ગદર્શન હેઠળ તે સંસ્થા સામાજિક ઉત્કર્ષ અને શિક્ષણના પ્રસાર માટેનું કેન્દ્ર બની.
રાજકારણમાં તેઓ મવાળ અને બંધારણીય ચળવળના પુરસ્કર્તા હતા; તેમ છતાં તેઓ પ્રગતિશીલ ર્દષ્ટિબિંદુ ધરાવતા હતા અને તાંત્રિક શિક્ષણ તથા ઉદ્યોગીકરણના હિમાયતી હતા. અસરકારક અને સફળ વક્તા તરીકે તેમણે નામના મેળવી હતી. બંગાળના વિભાજનનો તેમણે વિરોધ કર્યો હતો.
જયકુમાર ર. શુક્લ