બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે.
નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો હોવાથી આવા આકારોને બોજનિર્મિત બીબાં કહે છે. જ્યારે રેતીથી બનતો સ્તર કોઈ પણ નરમ, સુઘટ્ય (plastic) ગુણધર્મવાળા મૃણ્મય સ્તરની ઉપર જામે ત્યારે રેતી નીચેના મૃદુ સ્તરમાં દાબ ઉત્પન્ન કરે છે. ઉપર તરફથી ઉદભવતા આ પ્રકારના અસમાન દાબને કારણે પરપોટા જેવા આકારો તૈયાર થાય છે. આ આકારો ઉપરછલ્લી રીતે જોતાં તો તરંગચિહ્નો જેવા દેખાય છે. ક્યારેક તેમાં પછીથી થતી વિરૂપતાને કારણે ફેરફારો થાય છે.
કચ્છના મધ્યજીવયુગના રેતીખડક-શેલ સ્તરાનુક્રમમાં આ પ્રકારનાં બોજ-બીબાં તૈયાર થયેલાં છે. આ ઉપરાંત દક્ષિણ નૉર્વેના પ્રીકેમ્બ્રિયન ખડકોમાં તેમજ સ્કૉટલૅન્ડના ટોરિડોનિયન રેતીખડકો-પંકપાષાણ વચ્ચે પણ બોજ બીબાં મળે છે.
ગિરીશભાઈ પંડ્યા