બોગનવિલા
January, 2000
બોગનવિલા : દ્વિદળી વર્ગમાં આવેલા નિક્ટેજિનેસી કુળની એક શોભન વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Bougainvillea spectabilis છે.
ડૉ. બોગનવેલ નામના એક ફ્રેન્ચ નાવિકે દક્ષિણ અમેરિકામાંથી આ જાત આણી અને તે પરથી આનું નામ બોગનવિલા પડ્યું છે. આમ તો એ છોડ અને વેલ એ બેની વચમાંની જાત છે. એને કાંટા હોય છે. પર્ણો મધ્યમ કદનાં, થોડાં લંબગોળ અને અગ્રભાગેથી થોડાં અણીવાળાં અને લીલા રંગનાં હોય છે. પણ કેટલીક શોભન જાતોમાં પર્ણોમાં વચ્ચે સફેદ-પીળાં ધાબાં જોવા મળે છે. આ વેલની શોભા એનાં નિપત્રો(bracts)ને કારણે હોય છે. વિવિધ જાતોને આધારે તે લાલ, ગુલાબી, કેસરી, જાંબલી કે સફેદ હોય છે. આ નિપત્રોની વચ્ચે આવેલાં પુષ્પો નાનાં અને સફેદ પીળાં હોય છે. બજારમાં બોગનવિલાની એટલી બધી જાતો મળે છે કે ક્યારેક તેને જુદી પાડવી મુશ્કેલ બને છે. તેનાં નિપત્રો (કહેવાતાં પુષ્પો) ઘણી વખત પોતાની મેળે રંગ બદલે છે અને એવી શાખાના કટકા કરીને છોડ ઉછેરવામાં આવે તો તે જાતનો છોડ તૈયાર થાય છે. તેને નવી ફૂટ ઉપર જ પુષ્પો આવે છે, એટલે પુષ્પનિર્માણ પછી અથવા ચોમાસાની શરૂઆતમાં એનું થોડુંઘણું કૃંતન (pruning) કરવામાં આવે તો પુષ્પો સારા પ્રમાણમાં અને સઘન રીતે આવે છે. પુષ્પો બારેમાસ આવે છે. પરંતુ કેટલીક જાતના અપવાદ સિવાય તે ચોમાસામાં ટકતાં નથી. બોગનવિલાને મોટા કૂંડામાં પણ ઉછેરી શકાય છે. તેને છાંટીને (topiary) જુદા જુદા આકાર પણ આપી શકાય છે. એની વાડ કરી શકાય છે, એને એક થડ ઉપર લઈને ‘સ્ટાન્ડર્ડ’ તરીકે અથવા નાના વૃક્ષ તરીકે પણ ઉછેરી શકાય છે. હવે કેટલીક બહુ નીચી જાતો પણ બજારમાં મળે છે. આની પસંદગી નામ કરતાં પુષ્પ જોઈને કરવી વધારે હિતાવહ છે.
પુષ્પની ર્દષ્ટિએ એને બે જાતમાં વહેંચી શકાય : (1) એકલ (single) પુષ્પવાળી અને (2) દ્વિદલી (double) પુષ્પવાળી, જે ‘માહરા’ના નામથી ઓળખાય છે. એમાં પણ ગુલાબી, સફેદ, પીળી વગેરે જાતો આવે છે.
એકલ પુષ્પવાળી કેટલીક જાણીતી જાતો આ પ્રમાણે છે :
સ્નો-ક્વીન : તેનાં પુષ્પ નાનાં અને તદ્દન સફેદ હોય છે.
શુભ્ર : પુષ્પ મોટાં અને સફેદ આવે છે. લાંબે ગાળે એમાંથી એકાદ શાખા ઉપર ગુલાબી રંગનાં પુષ્પ આવે છે.
લેડી મેરી બેરિંગ : પુષ્પ પીળા રંગનાં આવે છે.
ફૉર્મોસા : પુષ્પ જાંબલી રંગનાં આવે છે. તે સુકાયા પછી વેલ ઉપર ચીપકી રહે છે. એટલે તેને અવારનવાર તોડવાં પડે છે. આ જાતને થોડી કાપકૂપ કરીને નાના વૃક્ષ તરીકે કેળવી શકાય છે. પુષ્પ ચોમાસામાં પણ જોવા મળે છે.
લુઈ વેબ્ધન : તેનાં પુષ્પ કેસરી રંગનાં હોય છે.
બ્લૉન્ડી : તેનાં પુષ્પ ગુલાબી, નારંગી રંગનાં હોય છે.
ડૉ. ભાભા : તેનાં પુષ્પો કેસરી રંગનાં હોય છે.
ડૉ. રાવ : તેનાં પુષ્પો લાલ રંગનાં હોય છે.
મૅગ્નિફિકા : તેનાં પુષ્પો ટમેટો રંગનાં હોય છે.
પાર્થા, જયલક્ષ્મી અને મહાત્મા ગાંધી : તેનાં પુષ્પો ગુલાબી રંગનાં થાય છે.
મહારાજા ઑવ્ માઇસોર : તેનાં પુષ્પો થોડાં નાનાં, જાંબલી, ગુલાબી રંગનાં હોય છે.
મેરી પામર : તેનાં પુષ્પો સફેદ તેમજ ગુલાબી બે રંગનાં અલગ અલગ એક જ છોડ ઉપર થાય છે.
થીમા : તેનાં પુષ્પો ઉપર પ્રમાણે હોય છે. પણ પર્ણો ઉપર સફેદ-પીળાં ધાબાં હોય છે.
મ્હારા : તેની વેલ નાની રહે છે. તેનાં પુષ્પો દ્વિદલી હોય છે. ચોમાસામાં પણ પુષ્પ રહે છે. જુદી જુદી જાતો ઉપર સફેદ, આછો ગુલાબી, આછો પીળો એવા રંગો આવે છે. સૂકાં પુષ્પો ચીપકી રહે છે. એટલે તે અવારનાર તોડવાં જરૂરી છે. કૂંડા માટે આ જાત વધારે અનુકૂળ છે. બધી જાતો તડકામાં જ સારી થાય છે. એને બહુ ખાતર-પાણીની જરૂર રહેતી નથી, એટલે બે રસ્તાની વચ્ચેની પટ્ટીમાં પણ એ સારી રીતે ઉછેરી શકાય છે.
B. spectabilis, ઉપરાંત B. glabra જેવી બોગનવિલાની જુદી જુદી જાતિઓ થાય છે. જોકે એ જાતિઓમાં બહુ ફેર નથી.
મ. ઝ. શાહ