બોગદું
January, 2000
બોગદું (tunnel) : વાહનવ્યવહાર, પાણીના પરિવહન કે ખાણકામ માટે જમીનના અંદરના ભાગે ખોદાણ કરીને તૈયાર કરેલ માર્ગ (passageway) કે અમુક બાંધકામ માટે જમીનની અંદરના ભાગે તૈયાર કરેલ જગ્યા. બોગદાને સુરંગ પણ કહેવાય છે. બોગદું બનાવવાની આધુનિક રીતોમાં શારકામ(drilling)નો, દારૂગોળા દ્વારા વિસ્ફોટનનો કે અગાઉથી તૈયાર કરેલ નળીઓ(prefabricated tubes)નો ઉપયોગ થાય છે. વળી યંત્રો દ્વારા ઝડપી ખોદાણની રીત પણ અજમાવવામાં આવે છે.
સારણી 1 : વિશ્વનાં જાણીતાં મોટાં બોગદાં
બોગદાનું નામ | ક્યારે પૂર્ણ થયું ? | સ્થળ | લંબાઈ | ઉપયોગ/પ્રકાર |
કેનલ ડુ મીડી (લેન્કવેડર) | 1681 | બેઝિયર્સ ફ્રાન્સ | 157 મી. | નહેર |
રૉથરહિથ અને વેપિંગ | 1843 | લંડન | 370 મી. | માણસોની અવર-જવર માટેનો |
મોન્ટસેનિસ (ફ્રીજસ) | 1871 | આલ્પ્સ (ફ્રાન્સ-ઇટાલી) | 14 કિમી. | રેલગાડી માટે |
હૂઝૅક | 1876 | બર્કશાયર પર્વતો (મૅસેચુસેટ્સ) | 7 કિમી. | રેલગાડી માટે |
સેઇન્ટ ગૉટહર્ડ | 1882 | આલ્પ્સ (સ્વિટ્ઝર્લૅન્ડ-ઇચલી વચ્ચે) | 15 કિમી. | રેલગાડી માટે |
સિમ્પ્લોન | 1906 | આલ્પ્સ (સ્વિટ્ઝર્લૅન્ડ-ઇટાલી) | 20 કિમી. | રેલગાડી માટે |
હોલૅન્ડ | 1927 | ન્યૂયૉર્ક શહેર | 26 કિમી. | કાર-ગાડી માટે |
ક્વીન્સવે | 1934 | લિવરપૂલ, ઇંગ્લૅન્ડ | 4,558 મી. | કાર-ગાડી માટે |
ટાના | 1934 | જાપાન | 8 કિમી. | રેલગાડી માટે |
લિન્કોન | 1937 (1957) | ન્યૂયૉર્ક શહેર | 2,500 મી. | કાર-ગાડી માટે |
મૉન્ટ બ્લૅન્ક | 1965 | આલ્પ્સ (ફ્રાન્સ-ઇટાલી) | 11.7 કિમી. | કાર-ગાડી માટે |
સેઇકાન | 1983 | જાપાન (સમુદ્ર નીચે) | 54 કિમી. | રેલગાડી માટે |
કલકત્તા મેટ્રો | 1984 | કલકત્તા | 16.3 કિમી. | રેલગાડી માટે |
બોગદું બનાવવાની રીત યુગપુરાણી છે. બૅબિલોનિયનોએ સિંચાઈકામ માટે અને ઇજિપ્ત તેમજ ભારતવાસીઓએ મસ્જિદો અને મંદિરો માટે બોગદું બનાવ્યાની વાતો નોંધાઈ છે. સત્તરમી અને અઢારમી સદીઓમાં બોગદું બનાવવાની રીત ક્રમશ: વિકસી, પરંતુ રેલમાર્ગના વિકાસ સાથે બોગદાની જરૂરિયાત વધુ પ્રમાણમાં ઊભી થઈ. ભારતમાં ગણનાપાત્ર બોગદાંઓમાં વર્ષ 1916માં પૂરું થયેલું મુંબઈ-કલ્યાણ માર્ગ પરનું 1,317 મી. લાંબું પારસિક બુગદું તેમજ મહારાષ્ટ્ર(કોંકણ)માં મુંબઈ-ગોવાની રેલવે લાઇનને જોડતું કર્બુદે બોગદું ઉલ્લેખનીય છે. કર્બુદે બોગદું 6.5 કિમી. લાંબું છે. આ ઉપરાંત વર્ષ 1984માં પૂરી થયેલ કલકત્તાની ભૂગર્ભ રેલવે લાઇન માટે તૈયાર થયેલ બોગદું 16.3 કિમી. લાંબું છે. તે ભારતનું સૌથી લાંબું બોગદું છે. વિશ્વની મહત્વની બોગદા-રચનાઓ સારણી 1માં આપી છે.
દુનિયાના પ્રથમ મોટા બોગદા તરીકે સેઇન્ટ ગૉટહર્ડ ટનલ (Saint Gothard Tunnel) છે. તે સને 1872થી 1882 દરમ્યાન ઇટાલી અને સ્વિટ્ઝર્લૅન્ડ વચ્ચે બંધાયું. તેની લંબાઈ 15 કિમી. છે. મૂળ ફ્રાન્સના વતની એવા માર્ક બ્રુનલે ટેઇમ્સ નદી નીચે રૉથરહિથ અને વેપિંગને જોડતી ટનલ સને 1825માં શરૂ કરી અને તેમાં સૌપ્રથમ લોખંડના લંબ-ચોરસ આકારના ત્રણમાળીય કવચ-પિંજરા(શીલ્ડ [Shield])નો ઉપયોગ કર્યો. ખોદાણકામ થાય પછી આ કવચને સ્ક્રૂ-જૅક વડે આગળ ધપાવવામાં આવે અને પાછળના ભાગે ખોદાણથી થયેલ પોલાણની સપાટીને ઈંટો વડે ચણવામાં આવે.
પોચી જમીન(soft ground)માં બોગદું (ટનલ) તૈયાર કરવામાં ગોળ આડછેદવાળી લોખંડની ટ્યૂબ(shield)ના આગળના ભાગે કર્તન (cutting) માટે દાંતા આવેલા હોય છે. આ ટ્યૂબને પાવર-જૅક વડે આગળ ધકેલવામાં આવે છે. આગળના ભાગે ખોદાણ થતી માટીને કન્વેયર (canveyor) કે પાટા પર મૂકેલ ટ્રૉલીઓ વડે બહાર લઈ જવાય છે. નદીની નીચે પાણીમાં ટનલ તૈયાર કરવાની હોય ત્યારે દબાણવાળી હવાની ચેમ્બરનો ઉપયોગ કરાય છે. નદીના તળ પર સમતળ લાંબી ખાઈ (trench) તૈયાર કરી કૉંક્રીટના અસ્તરવાળી લોખંડની ટ્યૂબો કે પ્રિસ્ટ્રેસ્ડ કૉંક્રીટની મોટી ટ્યૂબો ઉતારવામાં આવે છે. એક ટ્યૂબને બીજી ટ્યૂબ સાથે જોડીને લાંબો માર્ગ તૈયાર થાય છે.
કઠણ, ખડકાળ-પથરાળ (hard-rocky) જમીનમાં ટનલ તૈયાર કરવામાં યોગ્ય સ્થળે છિદ્રો પાડીને તેમાં વિસ્ફોટક પદાર્થ ભરી વિસ્ફોટ કરવામાં આવે છે અને ત્યારબાદ પોચી પડેલ જમીનનું જરૂર પ્રમાણમાં ખોદાણ કરી માર્ગ તૈયાર કરાય છે. તૈયાર થયેલ પોલાણમાં તેની ફરતી સપાટીમાં જરૂરિયાત પ્રમાણે ઈંટો કે કૉંક્રીટનું અસ્તર આપવામાં આવે છે. કઠણ-ખડકાળ જમીનમાં ટનલ તૈયાર કરવાની આધુનિક રીતમાં વિસ્ફોટનને બદલે આગળની બાજુએ મોટા બોરિંગ મશીન વડે પથરાળ ભાગને કાપીને પોલાણ તૈયાર કરવામાં આવે છે. વિસ્ફોટનને લીધે આજુબાજુની જમીન પોચી થઈ જવાની જે શક્યતા હોય છે તે આ રીતમાં હોતી નથી.
ટનલ તૈયાર કરવી તે ખૂબ લાંબો સમય લેતી અને ઘણી ખર્ચાળ નિર્માણક્રિયા છે – ખાસ કરીને નદીમાં, દરિયામાં કે ખડકાળ જમીનમાં તૈયાર કરવાની હોય ત્યારે.
ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ
મધુકાન્ત રમણીકલાલ ભટ્ટ
રાજેશ માનશંકર આચાર્ય