બોકારો
January, 2025
બોકારો (જિલ્લો) : ઝારખંડ રાજ્યના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક.
ભૌગોલિક સ્થાન : તે 23 67´ ઉ. અ. અને 86 15´ પૂ. રે. પર સ્થિત છે. જેનો વિસ્તાર 2,861 ચો.કિમી. છે. આ જિલ્લાની પૂર્વે ધનબાદ જિલ્લો તેમજ પં. બંગાળ રાજ્યનો થોડો ભાગ આવેલો છે. પશ્ચિમે રામગઢ જિલ્લો, દક્ષિણે પ. બંગાળ રાજ્યનો પુરુલિયા જિલ્લો, ઉત્તરે ગિરિદિહ જિલ્લાનો થોડો ભાગ તેમજ હજારીબાગ અને ધનબાદ જિલ્લા સીમા રૂપે આવેલા છે. આ જિલ્લાનું નામ બોકારો શહેર ઉપરથી મળ્યું છે.

બોકારો
પ્રાકૃતિક રચના : આ જિલ્લાની પશ્ચિમે બોકારોનો ઉચ્ચપ્રદેશ આવેલો છે. આ જિલ્લાની મધ્યમાં ઉચ્ચપ્રદેશ આવેલો છે, જે ‘બોકારો ચાસ’ તરીકે ઓળખાય છે. જ્યારે પૂર્વમાં ‘દામોદર બારકર થાળું’ આવેલું છે. આ સમગ્ર ભાગ છોટાનાગપુર ઉચ્ચપ્રદેશના ભાગ સ્વરૂપે ઓળખાય છે. આ જિલ્લાની પૂર્વે આવેલા ઉચ્ચપ્રદેશના મધ્યમાંથી દામોદર નદી વહે છે. અન્ય નદીઓમાં બોકારો, કોનાર અને બારાકાર છે. જે દામોદર નદીને મળે છે. બોકારો અને હજારીબાગની સીમાએ જમુરિયા નદી વહે છે. જે આગળ જતાં દામોદરને મળે છે.
આ જિલ્લો સમુદ્રસપાટીથી આશરે 200થી 450 મીટર ઊંચાઈ ધરાવે છે. અહીં સૌથી વધુ ઊંચાઈ ધરાવતું શિખર ‘લુગા પહાડ’ (1070 મીટર) તરીકે ઓળખાય છે.
આબોહવા – વનસ્પતિ : આ જિલ્લાની આબોહવા ઉપોષ્ણકટિબંધીય પ્રકારની અને ભેજવાળી છે. ઉનાળો પ્રમાણમાં ગરમ અને શિયાળો ઠંડો રહે છે. અહીંનું સરેરાશ મહત્તમ તાપમાન 38 સે. જ્યારે લઘુતમ તાપમાન 25 સે. રહે છે. મોટે ભાગે સરેરાશ વરસાદ 1364 મિમી. જેટલો પડે છે.
આ જિલ્લાની સરહદે આવેલા હજારીબાગ અને ગિરિદિહ જિલ્લાની સીમાએ જંગલો આવેલાં છે. આ જંગલોમાં સાલ, સીસમ, શિરીષ, પલાશ, મહુડો, જાંબડો, સિમલ અને વાંસનું પ્રમાણ અધિક છે.
ખેતી – સિંચાઈ – પશુપાલન : ડાંગર આ જિલ્લાનો મુખ્ય પાક છે; તેમ છતાં ઘઉં, શેરડી અને તેલીબિયાંનું વાવેતર પણ થાય છે. નદીઓ પર પહાડી પ્રદેશોમાં બંધ બાંધેલો છે, વરસાદનું પાણી જળસંચય-સ્થાનોમાં ભરી રાખવામાં આવે છે. બંધનાં જળાશયો તેમજ અન્ય તળાવોમાંથી નહેરો દ્વારા ખેતરોની સિંચાઈ થાય છે. અહીં ભેંસ, ઘેટાં, બકરાં, ડુક્કર અને મરઘાંનો ઉછેર થાય છે. પશુઓની ઓલાદ ઊતરતી કક્ષાની છે. જિલ્લાકક્ષાએ પશુદવાખાનાં, પશુચિકિત્સાલયો તથા ઢોર-કલ્યાણ-કેન્દ્રોની સગવડો ઊભી કરવામાં આવેલી છે.
ઉદ્યોગ–વેપાર : ભારતના લોખંડ-પોલાદ ઉદ્યોગક્ષેત્રે બોકારો મહત્વનું સ્થાન ધરાવે છે. વળી BASF India Ltd. તથા મૅકનલ્લી ભારત એંજિનિયરિંગ કું. લિમિટેડ પણ અહીંના અગત્યના ઉદ્યોગો છે. અહીં થરમોકોલ, ચામડાં અને તેની સંલગ્ન ચીજવસ્તુઓ, કોલસો, લોખંડ-પોલાદ તેમજ સંબંધિત લોહપેદાશો, લાકડાનું રાચરચીલું વગેરેનું ઉત્પાદન લેવાય છે તથા તેની નિકાસ કરવામાં આવે છે; જ્યારે ખાદ્યાન્ન, ખાદ્યતેલ, દવાઓ, કઠોળ, ચોખા, ઘઉં, શાકભાજી અને પેટ્રોલની આયાત થાય છે.
પરિવહન : આ જિલ્લામાં રેલમાર્ગો અને સડકમાર્ગો સારી રીતે વિકસેલા છે. ગ્રાન્ડ ટ્રંક રોડ અહીંથી પસાર થાય છે. ગોવિંદપુર–ચાસ–જમશેદપુર માર્ગ, રઘુનાથપુર–ચંદનકિયારી–ચાસ માર્ગ અને પથરદિહ–ચંદનકિયારી-બારામારિયા માર્ગ આ જિલ્લામાં થઈને પસાર થતા મુખ્ય માર્ગો છે. આ જિલ્લામાંથી પૂર્વીય રેલવિભાગનો ગ્રાન્ડ કૉર્ડ રેલમાર્ગ પસાર થાય છે.
પ્રવાસન : બાબુડી, બન્સા, થિંજિપહાડી અને તોપચાંચી અહીંનાં અગત્યનાં પ્રવાસમથકો છે. બાબુડી ખાતે 2 મીટર જાડી દીવાલોવાળો અને 3 મીટર વ્યાસવાળો 22 મીટર ઊંચો એક જૂનો ટાવર આવેલો છે. બન્સા ખાતે પથ્થરની દીવાલોવાળું 200 વર્ષ જૂનું સતીસ્થાન આવેલું છે. થિંજિપહાડી ગામમાં મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. તોપચાંચી ગામ ગ્રાન્ડ ટ્રંક માર્ગ પર આવેલું છે, પારસનાથ ટેકરી અહીં નજીકમાં જ છે. તોપચાંચી જળસંચયસ્થાન 214 એકર વિસ્તારમાં પથરાયેલું છે. તે અહીંનું ઘણું જાણીતું ઉજાણીસ્થાનક ગણાય છે. કાર્તિકી પૂર્ણિમા, મકરસંક્રાંતિ, વસંતપંચમી, દશેરા અને દિવાળીના તહેવારો નિમિત્તે અહીં મેળા ભરાય છે.
વસ્તી : આ જિલ્લાની વસ્તી (2025 મુજબ) આશરે 24,30,000 છે. અહીં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધ, શીખ, જૈન તેમજ અન્ય ધર્મી લોકો વસે છે, પરંતુ હિન્દુઓનું પ્રમાણ અધિક છે. જિલ્લાના લગભગ બધાં જ નગરોમાં પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણની પૂરતી સુવિધા છે. મોટાં શહેરોમાં કૉલેજો આવેલી છે. આ ઉપરાંત જિલ્લાનાં બધાં જ નગરોમાં તબીબી સગવડો ઉપલબ્ધ છે. આ જિલ્લાને વહીવટી સરળતા માટે ઉપવિભાગો અને સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે.
ઇતિહાસ : બ્રિટિશ શાસન દરમિયાન 1765માં માનભૂમ તરીકે આ જિલ્લો ઓળખાતો હતો. આ ગાળામાં બ્રિટિશરોએ અહીંના જમીનદારો ઉપર પ્રભુત્વ મેળવ્યું હતું. ઈ. સ. 1991માં ધનબાદ જિલ્લાનું વિભાજન કરીને ધનબાદ અને બોકારો જિલ્લાઓની રચના કરવામાં આવેલી. આથી આ જિલ્લાનો વિગતે ઇતિહાસ ધનબાદ જિલ્લા સાથે સંકળાયેલો છે.
બોકારો (શહેર) : બોકારો જિલ્લાનું પહેલું આયોજનવાળું શહેર.
આ શહેર ‘બોકારો સ્ટીલ સિટી’ તરીકે ઓળખાય છે. તે 23 29´ ઉ. અ. અને 86 09´ પૂ. રે. પર આવેલું છે. સમુદ્રસપાટીથી તે 210 મીટર ઊંચાઈએ સ્થિત છે. જે દામોદર નદીના દક્ષિણ કિનારે અને બોકારો નદી પાસે વસેલું છે. તેની ચોતરફ ટેકરીઓ અને નદીના ખીણ વિસ્તારો આવેલાં છે. તેનો બૃહદ વિસ્તાર 183 ચો.કિમી. છે.

બોકારો ખાતેનો સ્ટીલ પ્લાન્ટ
અર્થતંત્ર : આ શહેરમાં આવેલા બોકારો સ્ટીલ પ્લાન્ટની સ્થાપના ‘સ્ટીલ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા’ દ્વારા થઈ છે. આ પ્લાન્ટ રશિયન સરકારના સહયોગથી નિર્માણ પામ્યો છે. આ શહેરમાં વેદાંતા ઇલેક્ટ્રૉસ્ટીલ કાસ્ટિંગ લિ., દાલમિયા સિમેન્ટ ભારત લિ., જે. પી. સિમેન્ટ, Inox Air products જેવા અનેક એકમો આવેલા છે. આ સિવાય SAIL – POSCO JV સ્ટીલ પ્લાન્ટ, ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિ. તેમજ સૉફ્ટવૅર એન્જિનિયરિંગના એકમો ઊભા થઈ રહ્યા છે.
આ શહેર પાસે વ્યાપારિક હવાઈ મથક રાંચી ખાતે આવેલું છે. જેનું નામ Birsa Munda Airport છે. બોકારો ખાતે હવાઈ મથક આવેલું છે પરંતુ તે વ્યાપારિક ધોરણે જ ઉપયોગમાં લેવાય છે. આ શહેર ખાતે ‘બોકારો સ્ટીલ સિટી રેલવેસ્ટેશન’ આવેલું છે. ઝરીયાના કોલસાના ક્ષેત્રે અને બોકારોની આસપાસ રહેતા નાગરિકોની સુવિધા માટે નાની ટ્રેનો કાર્યરત છે. ધનબાદ બોકારો, રાંચી, જમશેદપુર જેવાં શહેરોને સાંકળતા ‘એક્સપ્રેસ-વે’ આવેલા છે. અહીંથી ધોરી માર્ગ નં. 18 પસાર થાય છે.
આ શહેરમાં 43 પ્રાથમિક શાળા, 44 માધ્યમિક શાળા, 45 ઉચ્ચતર માધ્યમિક શાળા, 3 કૉલેજો આવેલી છે. આ સિવાય આદર્શ વિદ્યામંદિર, ચિન્મયા વિદ્યાલય, ગુરુ ગોવિંદસિંહ પબ્લિક શાળા તેમજ સેંટ ઝેવિયર્સ શાળા પણ આવેલી છે.
આ શહેરની કુલ વસ્તી (2025 મુજબ) 6,05,000 છે. સાક્ષરતાનું પ્રમાણ 84.87 છે. બૃહદ શહેરની વસ્તી આશરે 8,22,000 થશે.
આ શહેરમાં વિવિધ ભાષા બોલાય છે. જેમાં હિન્દી (35.4%), ખોરટા (25.5%), મગાહી (10.2%), ઉર્દૂ (6.7%), બંગાળી (6.2%), શાન્તાલી (5.5%), મૈથિલી (3.5%). આ સિવાય અન્ગીકા અને હૉ ભાષા પણ બોલાય છે.
ગિરીશભાઈ પંડ્યા
નીતિન કોઠારી