બોઅર યુદ્ધો : દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજો અને બોઅરો વચ્ચે થયેલાં યુદ્ધો. ઈ.સ. 1815ના વિયેના-સંમેલનમાં થયેલી સમજૂતી મુજબ ઇંગ્લૅન્ડને દક્ષિણ આફ્રિકાનું કેપ કૉલોની નામનું ડચ સંસ્થાન મળ્યું હતું. ત્યાં રહેતા ડચ ખેડૂતો બોઅરો કહેવાતા. તેમને અંગ્રેજોની સત્તા હેઠળ રહેવાનું પસંદ ન હોવાથી, તેમણે પોતાની ડચ સંસ્કૃતિનું રક્ષણ કરવા ત્યાંથી સ્થળાંતર કરી, ઉત્તર તરફનાં જંગલો સાફ કરી, ત્યાં નાતાલ અને ઑરેન્જ ફ્રી સ્ટેટ નામનાં સંસ્થાનો વસાવીને રહેવા માંડ્યું. સન 1841માં સામ્રાજ્યવાદી અંગ્રેજોએ તે બંને ડચ સંસ્થાનો કબજે કર્યાં.
બોઅરો (ડચ ખેડૂતો) અંગ્રેજોની સત્તા હેઠળ રહેવા માગતા નહોતા; તેથી ફરીવાર ઉત્તર તરફ સ્થળાંતર કરી, વાલ નદી ઓળંગીને ટ્રાન્સવાલ નામે સંસ્થાન વસાવીને ત્યાં રહેવાનું શરૂ કર્યું. સન 1877માં ઇંગ્લૅન્ડના સામ્રાજ્યવાદી રૂઢિચુસ્ત વડાપ્રધાન ડિઝરાયલીએ બોઅરો પર આક્ષેપ મૂક્યો કે તેઓ ટ્રાન્સવાલના આદિવાસી ઝૂલુ લોકો પર જુલમ ગુજારે છે. તેમના રક્ષણ માટે અંગ્રેજોએ ટ્રાન્સવાલ ઉપર હુમલો કર્યો અને એથી પ્રથમ બોઅર યુદ્ધ શરૂ થયું. બોઅરો અંગ્રેજો સામે બહાદુરીથી લડ્યા. આ યુદ્ધ લગભગ સાત વર્ષ ચાલ્યું. ઇંગ્લૅન્ડના ઉદારમતવાદી વડાપ્રધાન ગ્લૅડસ્ટને 1884માં બોઅરો સાથે સંધિ કરી અને ટ્રાન્સવાલની સ્વતંત્રતાનો સ્વીકાર કર્યો.
ટ્રાન્સવાલમાં 1886માં સોના અને હીરાની ખાણો મળી આવી. તેથી નાતાલ અને કેપ કૉલોનીમાંથી હજારો અંગ્રેજોએ ત્યાં પ્રયાણ કર્યું. અંગ્રેજોની વધતી જતી સંખ્યાથી બોઅરોને ડર લાગ્યો કે કદાચ તેઓ પોતાના જ સંસ્થાનમાં લઘુમતીમાં આવી જશે. તેથી તેમણે નવાગંતુક અંગ્રેજો સામે પ્રતિબંધાત્મક ધારા ઘડ્યા. તેના ફલસ્વરૂપે અંગ્રેજો અને બોઅરો વચ્ચે વિરોધી વાતાવરણ વધ્યું. તે સમયે કેપ કૉલોની અને નાતાલ(અંગ્રેજોનાં સંસ્થાનો)નો વડોપ્રધાન સેસિલ રહોડ્ઝ પણ સામ્રાજ્યવાદી હતો અને ટ્રાન્સવાલ જીતી લેવા ઉત્સુક હતો. તેની ઉશ્કેરણીથી 1895માં જૅક્સને બોઅરો પર હુમલો કર્યો, જેને ત્યાંના પ્રમુખ પોલ ક્રૂગરે પાછો હઠાવ્યો. બોઅરો અને અંગ્રેજો વચ્ચે તંગદિલી વધતી ગઈ. આખરે 1899માં બ્રિટિશ સૈન્યે ટ્રાન્સવાલમાં પ્રવેશ કરતાં બોઅરો અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ શરૂ થયું. તેને દ્વિતીય બોઅર યુદ્ધ કહે છે. આ યુદ્ધ ત્રણ વર્ષ ચાલ્યું. તેમાં બોઅરોએ પોતાના સેનાપતિઓ જનરલ બોથા તથા જનરલ વેટેની આગેવાની હેઠળ અંગ્રેજોનો સખત સામનો કર્યો; તેમ છતાં છેવટે બોઅરોનો પરાજય થયો. તેથી તેમણે વસાવેલાં ટ્રાન્સવાલ અને ઑરેન્જ ફ્રી સ્ટેટ નામનાં સંસ્થાનો અંગ્રેજોએ કબજે કર્યાં.
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આ યુદ્ધ મહત્વનું ગણાય છે. યુરોપના રાજકારણ ઉપર તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. યુરોપની ઘણીખરી સત્તાઓ બોઅરો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતી હોવાથી ઇંગ્લૅન્ડ યુરોપના રાજકારણમાં એકલું પડી ગયું.
મોહન વ. મેઘાણી