બૉસ્પોરસની સામુદ્રધુની

January, 2001

બૉસ્પોરસની સામુદ્રધુની : એશિયાઈ અને યુરોપીય ટર્કીના વિસ્તારો વચ્ચે આવેલી, કાળા સમુદ્ર અને માર્મરા સમુદ્રને જોડતી સામુદ્રધુની. માર્મરા સમુદ્રને બીજે છેડે ડાર્ડેનલ્સની સામુદ્રધુની પણ આવેલી છે, જે ભૂમધ્ય સમુદ્રના ભાગરૂપ એજિયન સમુદ્રને જોડે છે. કાળા સમુદ્રમાંથી ભૂમધ્ય સમુદ્રમાં જવા-આવવાના જળમાર્ગ તરીકે તે ઉપયોગમાં લેવાય છે. તે 41° 06´ ઉ. અ. અને 29° 04´ પૂ. રે.ની આજુબાજુ ઉત્તર-દક્ષિણ 30 કિમી.ની લંબાઈમાં તથા સ્થાનભેદે 0.8થી 3 કિમી.ની પહોળાઈમાં વિસ્તરેલી છે. સામુદ્રધુનીને દક્ષિણ છેડે ઇસ્તંબુલ (જૂનું કૉન્સ્ટન્ટિનોપલ) શહેર વસેલું છે.

બૉસ્પોરસની સામુદ્રધુનીનું ઘણા લાંબા સમયથી વ્યાપારી તથા વ્યૂહાત્મક મહત્વ રહ્યું છે. તે રશિયા માટે તો વહાણો અને સબમરીનોની અવરજવરનો એકમાત્ર નિર્ગમમાર્ગ છે. શિયાળા દરમિયાન તેનાં જળ ઠરી જતાં ન હોવાથી આખું વર્ષ આ જળમાર્ગ ખુલ્લો રહે છે. સામુદ્રધુનીની બંને બાજુ પરની ભૂમિ પર ટર્કીની માલિકી છે. 1841માં સામુદ્રધુનીઓના ઉપયોગ માટે ભરાયેલી પરિષદમાં એવું ઠરાવવામાં આવેલું કે ટર્કીની મંજૂરી વિના બૉસ્પોરસ અને ડાર્ડેનલ્સની સામુદ્રધુનીઓમાં થઈને યુદ્ધ-જહાજો લઈ જઈ શકાશે નહિ. 1923માં થયેલી લૉસેનની સંધિ અન્વયે બધા જ દેશોનાં વહાણો માટે આ જળમાર્ગ ખુલ્લો મુકાયેલો. 1936ની મૉન્ટ્રેક્સ (Montreux) પરિષદમાં ટર્કીએ આ જળમાર્ગ પર ફરીથી અંકુશ મેળવી લીધો છે.

બૉસ્પોરસની સામુદ્રધુની

‘બૉસ્પોરસ’ શબ્દ ગ્રીક ભાષાના બૉસ (ox) અને પોરસ (Ford) શબ્દોમાંથી ઊતરી આવેલો છે, કારણ કે તે અમુક સ્થળો પર એટલી તો સાંકડી છે કે ઢોર પણ તેને પાર કરી શકે.

ગ્રીક દંતકથા મુજબ આયો નામની એક સુંદર કન્યા સફેદ ગાયનું સ્વરૂપ લઈને આ સામુદ્રધુની તરી ગયેલી. ઈરાની રાજા દરાયસ પહેલાએ ઈ. સ. પૂર્વે 513ના અરસામાં થ્રેઇસનું એક અભિયાન આદરેલું, તેમાં તેણે સામુદ્રધુનીની આરપાર હોડીઓનો એક પુલ બાંધેલો. ત્યારપછી પહેલી વાર 1973માં તેના પર જે પુલ બાંધવામાં આવ્યો છે તે ‘બૉસ્પોરસ પુલ’ – એવા નામે ઓળખાય છે. આ પુલ ઇસ્તંબુલના એશિયાઈ-યુરોપીય વિભાગોને સાંકળે છે. 1988માં બીજો એક પુલ ફતીહ સુલતાન મહેમત બ્રિજ પણ બંધાયો છે, તે પણ ઇસ્તંબુલના બંને વિભાગોને જોડે છે.

ગિરીશભાઈ પંડ્યા