બૉસ્ટન (1) : યુ.એસ.ના મૅસેચુસેટ્સ રાજ્યનું પાટનગર, ન્યૂ ઇંગ્લૅન્ડ વિસ્તારનું મોટામાં મોટું શહેર, યુ.એસ.ના ઈશાન વિભાગનું મહત્વનું ઔદ્યોગિક મથક તથા બંદર. ભૌગોલિક સ્થાન ; તે 42° 20´ ઉ. અ. અને 71° 20´ પૂ. રે. પર, મૅસેચુસેટ્સ ઉપસાગરને મથાળે ચાર્લ્સ અને મિસ્ટિક નદીઓના મુખભાગ પર આવેલું છે. તે ન્યૂ ઇંગ્લૅન્ડ વિસ્તારનું રાજકીય, આર્થિક, ધંધાકીય, ઔદ્યોગિક, શૈક્ષણિક, સંશોધન તેમજ પરિવહનક્ષેત્રે આગળપડતું મથક હોવાથી તથા ઉત્તર આટલાન્ટિક મહાસાગરના અહીંના દરિયાઈ ફાંટાથી આરક્ષિત હોવાથી આનું બારું બારે માસ ખૂબ જ વ્યસ્ત રહે છે. આ શહેરનો કુલ વિસ્તાર 132 ચોકિમી. જેટલો છે.
નગરરચના : શહેરની પૂર્વમાં આટલાન્ટિક મહાસાગર પથરાયેલો છે, જ્યારે અગ્નિકોણ તરફ નેપનસેટ નદી શહેરની સીમા બની રહે છે. પશ્ચિમ તથા વાયવ્યમાંથી આવતી ચાર્લ્સ અને મિસ્ટિક નદીઓ શહેરને પૂર્વ અને પશ્ચિમ તરફના બે વિભાગોમાં વહેંચી નાખે છે, બારા નજીક આ બે નદીઓ જ્યાં ભેગી થાય છે ત્યાં વચ્ચેના પહોળા ખુલ્લા વિભાગથી પશ્ચિમ તરફ ચાર્લ્સટાઉન અને પૂર્વ તરફ પૂર્વ બૉસ્ટન જેવી બે નગરરચનાઓમાં શહેર વિભાજિત થાય છે.
1630માં જ્યારે અંગ્રેજોએ આ સ્થળ વસાવેલું ત્યારે તે માત્ર 316 હેક્ટર જેટલી ભૂમિ ધરાવતું હતું. એ વખતે અહીં જે આદિવાસીઓ વસતા હતા તેમણે આ નાનકડા દ્વીપકલ્પને ‘શૉમૅટ’ (Shawmat) નામ આપેલું. ઓગણીસમી સદીના મધ્યકાળમાં તેના દરિયાકિનારાનાં છીછરાં ભરતી-મેદાનોને નવસાધ્ય કરી કરીને આશરે 1,200 હેક્ટર જેટલી ભૂમિ તૈયાર કરવામાં આવી. આજ સુધીમાં તો નજીકનાં નગરો તેમાં ભળી જવાથી હવે મૂળ ભૂમિવિસ્તાર કરતાં તે ચાલીસગણા મોટા વિસ્તારવાળું શહેર બની ગયું છે.
આબોહવા : બૉસ્ટન સમશીતોષ્ણ કટિબંધના વિસ્તારમાં આવેલું છે. સામાન્યપણે તો તેની આબોહવા ઉનાળામાં મધ્યમસરની ગરમ અને શિયાળામાં ઠંડી રહે છે. તેનાં જુલાઈ અને જાન્યુઆરીનાં સરેરાશ તાપમાન અનુક્રમે 22° સે. અને –1° સે. જેટલાં રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 762 મિમી. જેટલો પડે છે. નજીકના ઉપસાગરની અસર રહેતી હોવા છતાં ક્યારેક હવામાનમાં ઝડપી પલટો પણ આવી જાય છે.
ઉદ્યોગો : બૉસ્ટન એ ન્યૂ ઇંગ્લૅન્ડ વિસ્તારનું મોટામાં મોટું ઔદ્યોગિક મથક છે અને દેશનાં છ જેટલાં અગ્રણી ઔદ્યોગિક મથકો પૈકીનું એક ગણાય છે. બીજા વિશ્વયુદ્ધ બાદ તો તે ખૂબ વિકસ્યું છે. બૉસ્ટન તેના કારીગરોની કુશળતા માટે, પેદાશોની વિવિધતા માટે તથા પ્રગતિકારક ટૅકનૉલૉજી માટે દેશભરમાં જાણીતું બન્યું છે. તેનાં મોટાભાગનાં કારખાનાં શહેરની બહારના ભાગમાં આવેલાં છે, જોકે શહેરની અંદરના ભાગમાં પણ 5 % શ્રમિકો ઉત્પાદન-એકમોમાં કામ કરે છે. બધી જ જાતની ઔદ્યોગિક પેદાશોનું મૂલ્ય અબજો ડૉલરમાં મુકાય છે. શહેરના મધ્યભાગમાં લોકો વેપાર, નાણાકીય હેરફેર, સરકારી વહીવટી કાર્યો, શિક્ષણ, વૈજ્ઞાનિક સંશોધન, પરિવહન, સંદેશાવ્યવહાર વગેરે જેવી પ્રવૃત્તિઓમાં રોકાયેલા રહે છે. બૃહદ્ બૉસ્ટનમાં આશરે 5,000 જેટલાં કારખાનાં આવેલાં છે, જે શહેરના 20 % લોકોને જીવનનિર્વાહ માટે ઉપયોગી બની રહ્યાં છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં વીજસાધનસામગ્રી, વીજાણુ-સામગ્રી, કમ્પ્યૂટરો, ધાતુમાળખાં અને તેને લગતી ચીજવસ્તુઓ, મોટરવાહનો, જહાજો, કાપડઉદ્યોગ અને કપડાં, રબર, ઔષધીય તેમજ પ્રકાશીય સાધનો અને ઉપકરણો, ખાદ્યપ્રક્રમણ વગેરેનો સમાવેશ થાય છે. અહીં 115 જેટલા પુસ્તક-પ્રકાશકો છે, તેમાં યુનિવર્સિટી પ્રેસનો પણ સમાવેશ થાય છે.
વેપાર : દર વર્ષે 2.5 કરોડ ટન જેટલો માલસામાન જહાજી સેવા દ્વારા બૉસ્ટન બંદરેથી હેરફેર થતો રહે છે. નિકાસ કરતાં આયાતનું પ્રમાણ વધી જાય છે. મુખ્ય નિકાસી ચીજોમાં યંત્રસામગ્રી, કમ્પ્યૂટરો, કાગળની પેદાશો, ચામડાં, ધાતુભંગાર, પ્લાસ્ટિક અને વીજસાધનોનો તથા આયાતી ચીજોમાં ખનિજ અને વાયુ જેવાં ઇંધન, ઊન, મોટરવાહનો, ખાદ્યસામગ્રી અને પીણાં તેમજ પગરખાંનો સમાવેશ થાય છે. આયાત-નિકાસનું મૂલ્ય અબજો ડૉલરમાં મુકાય છે.
પરિવહન-સંદેશાવ્યવહાર : બૉસ્ટન શહેર માટે તથા આજુબાજુના ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ તરફના ભાગો માટે મૅસેચુસેટ્સ બે ટ્રાન્સ્પૉર્ટેશન ઑથોરિટી તરફથી બસ, ટ્રૉલી, ભૂગર્ભમાર્ગ-સેવા અને રેલસેવા ઉપલબ્ધ છે. ઝડપી પરિવહન માટે મોટા માર્ગો બંધાયા છે. બૉસ્ટનની જાણીતી ‘ફ્રીડમ ટ્રેલ’ શહેરની મધ્યમાંથી શરૂ થઈ ઉત્તર છેડા સુધી વિસ્તરે છે. આ 24 કિમી. લાંબો માર્ગ ફેનિલ સભાખંડ, બૉસ્ટન હત્યાકાંડ-સ્થળ, બૉસ્ટન ટીપાર્ટી-સ્થળ વગેરે જેવાં ઐતિહાસિક સ્થળો નજીકથી પસાર થાય છે. ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ માર્ગગૂંથણી હોવા છતાં અહીં વાહનવ્યવહાર-અવરજવરની સમસ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. બૉસ્ટન ધીકતું બંદર બની રહેલું છે. મધ્ય બૉસ્ટનથી નજીકને જ અંતરે લોગન આંતરરાષ્ટ્રીય મથક આવેલું છે, જ્યાંથી 46 હવાઈ સેવાઓ ઉપલબ્ધ રહે છે. આ શહેરમાં ‘ધ બૉસ્ટન ગ્લોબ’, ‘ધ હેરાલ્ડ અમેરિકન’ અને ‘ધ ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર’ જેવાં ત્રણ દૈનિક સમાચારપત્રો બહાર પડે છે. અહીં 20 જેટલાં રેડિયોમથકો અને 9 જેટલાં ટેલિવિઝનમથકો છે.
જોવાલાયક સ્થળો : બૉસ્ટન શહેરમાં ઐતિહાસિક ભૂમિચિહ્નો, ફેનિલ સભાખંડ, ઓલ્ડ સ્ટેટ-હાઉસ, બૉસ્ટન હત્યાકાંડ તથા બૉસ્ટન ટીપાર્ટીનાં સ્થળો, જૂનાં કારખાનાં, મધ્યભાગને ઉત્તર છેડે 24 હેક્ટર ભૂમિ આવરી લેતું સરકારી કેન્દ્રીય મથક, કાર્યાલયો-કચેરીઓનું સંકુલ, દુકાનો અને પ્લાઝા તથા કાચની અને પોલાદની ગગનચુંબી ઇમારતો જેવાં ઘણાં જોવાલાયક સ્થળો આવેલાં છે.
વસ્તી-વસાહતો-લોકો : 1990 મુજબ બૉસ્ટનની વસ્તી આશરે 41,72,000 જેટલી છે. 1630માં આ શહેર વસ્યું ત્યારથી 200 વર્ષના ગાળા સુધી અહીંની બધી જ વસ્તી અંગ્રેજ પ્યુરિટનો અને તેમના વંશજોથી બનેલી હતી. આ પૈકીનાં ધનિક કુટુંબો ધંધા, શિક્ષણ તેમજ સાહિત્યક્ષેત્રે આગળ પડતાં હતાં. તેઓ ‘બૉસ્ટન બ્રાહ્મિન’ કહેવાતાં હતાં. (આ નામ ભારતીય ઉચ્ચવર્ણની બ્રાહ્મણ જ્ઞાતિ પરથી ઊતરી આવેલું છે.) આજે પણ આવાં ‘બ્રાહ્મિન’ કુટુંબો અહીં વસે છે. 1840–50 સુધી આ શહેર યુરોપમાંથી આવેલા સ્થળાંતરવાસીઓથી બનેલું હતું. હજી આજે પણ અહીંની 15 % વસ્તી અન્ય દેશમાં જન્મેલા લોકોની છે. યુ.અ ગ્ટને અહીંનાં લશ્કરી દળોની રક્ષણ-હરોળ મજબૂત બનાવી અને બ્રિટિશ અધિકારીઓને હાંકી કાઢી બૉસ્ટનનો કબજો લીધો. 1775–1783ની અમેરિકી ક્રાંતિના શ્રીગણેશ બૉસ્ટન ખાતેના વિજયથી મંડાયા. આ કારણે જ બૉસ્ટનને ‘સ્વાતંત્ર્યનું પારણું’ કહેવામાં આવે છે. 1783માં અમેરિકી ક્રાંતિનો અંત આવ્યો.
ત્યારપછી બૉસ્ટનના વેપારીઓએ વિદેશો સાથે વેપાર ખેડવાનું શરૂ કર્યું. 1822માં બૉસ્ટનને શહેરનો દરજ્જો મળ્યો. 1824–1858 વચ્ચેના ગાળામાં નવસાધ્ય કરાતી જતી ભૂમિથી તેનો વિસ્તાર વધ્યો. તે દરમિયાન આયર્લૅન્ડમાં બટાટાની ખેતી નિષ્ફળ જવાથી, ભૂખમરાથી બચવા વતન છોડીને 5 લાખ જેટલા આયરિશ લોકો સ્થળાંતર કરીને અહીં આવીને વસ્યા. તેઓ અહીંનાં કારખાનાંમાં, રેલમાર્ગોનાં કાર્યોમાં તથા અન્ય કામગીરીમાં ઓછા દરથી નોકરીએ લાગી ગયા.
ઓગણીસમી સદીમાં બૉસ્ટને સાહિત્યક્ષેત્રે પણ ઘણું પ્રદાન કર્યું છે. લુઇઝા મે આલ્કોટ, રાલ્ફ વૅલ્ડો, એમર્સન, નાથેનિયલ હૉથોર્ન અને હેન્રી વૅડ્ઝવર્થ, લૉંગફેલો અહીં થઈ ગયા. તેઓ અન્યોન્ય મિત્રો પણ હતા. 1830ના દસકામાં વિલિયમ ગૅરિસને ગુલામીની પ્રથા વિરુદ્ધ બૉસ્ટન ખાતે મોટી ચળવળ શરૂ કરેલી. 1834માં આ ગુલામીની પ્રથાનો અંત આવ્યો.
9 નવેમ્બર, 1872ના રોજ મધ્ય બૉસ્ટનની આશરે 24 હેક્ટર ભૂમિ આગથી ખાખ થઈ ગઈ. તેનું પુનર્નિર્માણ થયું. શહેર વિકસતું ગયું. 1897માં અહીં સર્વપ્રથમ ભૂગર્ભીય રેલમાર્ગ શરૂ થયો. 1900 સુધીમાં તો, આ શહેરની વસ્તી આશરે 5,60,000 જેટલી થઈ ગઈ. 1940 અને 1950ના બે દસકાઓમાં ઝડપી તેમજ ધોરી માર્ગો બંધાયા. પરાંઓ વિકસવાથી મધ્ય બૉસ્ટનમાં ધંધા ઘટ્યા, પરંતુ આજુબાજુ વધ્યા. 1950 સુધીમાં વસ્તી 8 લાખ સુધી પહોંચેલી તે આ કારણે 1980 સુધીમાં ઘટીને 5.63 લાખ થઈ ગયેલી. આથી અગાઉથી જ 1960ના દસકા વખતે શહેરીકરણની નવી નીતિઓ અમલમાં મૂકી દીધેલી. આ માટે 1,010 હેક્ટર પડતર ભૂમિને નવસાધ્ય કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું. 1970 અને 1980ના દસકાઓમાં આથી પણ વધુ પુનર્વિકાસની યોજનાઓ મુકાઈ અને વસ્તીને ઘટતી અટકાવી શકાઈ.
બૉસ્ટન હત્યાકાંડ : 1770માં બૉસ્ટનમાં થયેલું હુલ્લડ અને તેમાંથી પરિણમેલો હત્યાકાંડ. 1765માં બ્રિટનની સંસદે કાયદો પસાર કરીને બૉસ્ટનની પ્રજા પર ભારે કરવેરા ઝીંકેલા. બૉસ્ટનવાસીઓએ આ કાયદા સામે હિંસક પ્રતિકાર કરેલો, તેમાંથી હુલ્લડો થયેલાં અને બ્રિટિશ અફસરોનાં ઘર પણ લૂંટાયેલાં. બૉસ્ટનમાં ફરજ બજાવતા અધિકારીઓના રક્ષણ અર્થે તેમજ મદદરૂપ થવા તથા વેપાર અંગેનાં ધારાધોરણો અને કાયદો-વ્યવસ્થા જાળવવાના હેતુથી 1768માં બ્રિટિશ સરકારે બૉસ્ટન ખાતે લશ્કરી દળો મોકલેલાં. અહીં હાજર કેટલાક રાજદ્વારીઓએ બ્રિટિશ દળોની હાજરીમાં જ સરકારી અધિકારીઓના જુલમો વિશે ફરિયાદો રજૂ કરવાની કોઈ તક જતી ન કરી. વૈમનસ્ય વધતું જતું હતું. 1770ના વર્ષની શરૂઆતમાં જ દળો અને નાગરિકો વચ્ચે સંઘર્ષો થવા લાગ્યા. અગ્નિ ભારેલો પડ્યો હતો. માર્ચની પાંચમી તારીખે સાંજે મોટી ઉંમરના કેટલાક લોકો સહિતનું નાનાં છોકરાંનું એક જૂથ બરફના ગોળાફેંકની રમતનો આનંદ માણી રહ્યું હતું. બ્રિટિશ સૈનિકો પણ તેમાં જોડાયા, પણ રમત સંઘર્ષમાં ફેરવાઈ ગઈ. જેને જે હાથમાં આવ્યું તેની ફેંકાફેંક અને મારામારી થઈ, ગોળીઓ છૂટી, સૈનિકોએ પાંચ વ્યક્તિઓની કતલ કરી – આ પ્રસંગ ‘બૉસ્ટનના હત્યાકાંડ’ નામથી જાણીતો બનેલો છે. તે પછીનાં 3 વર્ષ બાદ, આવો જ ‘બૉસ્ટન ટી પાર્ટી’નો પ્રસંગ બનેલો. આ બે ઘટનાઓમાંથી જ અમેરિકી ક્રાંતિ(1775–83)નાં પગરણ મંડાયેલાં.
બૉસ્ટન (2) : ઇંગ્લૅન્ડના લિંકનશાયર પરગણામાં આવેલો સ્થાનિક મહત્વ ધરાવતો જિલ્લો અને તે જ નામ ધરાવતું નગર. આ જિલ્લો બૉસ્ટન નગરની આજુબાજુ વિસ્તરેલો છે અને ઇંગ્લૅન્ડના પૂર્વકાંઠા પર આવેલો છે.
આ જિલ્લામાં મોટા પાયા પર ખૂબ જ ઉપજાઉ કૃષિયોગ્ય જમીનો આવેલી છે. અહીંના મુખ્ય કૃષિપાકોમાં કંદ, અનાજ, શુગરબીટ અને શાકભાજીનો સમાવેશ થાય છે. અહીંના ઉદ્યોગો વર્ષોથી ખેતી, બાગાયત અને વહાણવટા સાથે સંકળાયેલા રહ્યા છે. અહીંનું બૉસ્ટન બંદર માલવાહક જહાજો, ઢોરોનો ખોરાક, અનાજ, પોલાદ તથા લાકડાંની હેરફેર કરતું રહે છે. આ ઉપરાંત અહીં મશીનોનાં લેબલ બનાવવાનાં તથા નાની નાની ચીજવસ્તુઓ તૈયાર કરવાના એકમો આવેલા છે. બૉસ્ટન આ જિલ્લાનું અગત્યનું શહેર તથા બંદર છે. તેની વસ્તી આશરે 52,000 (1991) છે.
શહેર : પૂર્વ ઇંગ્લૅન્ડમાં લંડનથી આશરે 172 કિમી. ઉત્તર તરફ વિધેમ નદીના મુખ પર આવેલું નગર અને દરિયાઈ બંદર. ભૌગોલિક સ્થાન : 52° 59´ ઉ. અ. અને 0° 1´ પ. રે. આ નગર આજુબાજુના સમૃદ્ધ કૃષિવિસ્તાર માટે ઘણું અગત્યનું બજાર બની રહેલું છે. તે લાટીઉદ્યોગ, નેતરઉદ્યોગ, બિસ્તરા, લેબલો, બૂટની તેમજ અન્ય જાતજાતની દોરીઓ બનાવવા માટેનું મથક બની રહેલું છે.
અહીં સેંટ બોટોલ્ફ દેવળ (1309–1460) અને તેનો ઊંચો મિનારો જોવાલાયક સ્થળ છે. યાત્રી પાદરીઓ પર જ્યાં કામ ચલાવાયેલું તે અદાલત અહીંના સેંટ મેરી ગિલ્ડ હૉલ (1450) ખાતે આવેલી છે. અહીં તેરમી અને સોળમી સદીની જૂની શાળાઓ પણ જોવા મળે છે. ‘બુક ઑવ્ માર્ટિયર્સ’ના લેખક જૉન ફૉક્સ આ નગરના રહેવાસી હતા. સેન્ટ બોટોલ્ફનો મઠ, જેના નામ પરથી આ નગરને નામ અપાયેલું છે, તે 654માં સ્થપાયેલો; પરંતુ 810માં ડેન્સ લોકો દ્વારા તેનો નાશ કરાયેલો. તેરમી સદી દરમિયાન પણ બૉસ્ટન ઇંગ્લૅન્ડનું બીજા ક્રમનું બંદર હતું. એડ્વર્ડ ત્રીજાએ બૉસ્ટનને ઊન અને અન્ય ચીજવસ્તુઓ માટેનું બજારી બંદર બનાવેલું. 1545માં હેન્રી આઠમાએ મુક્ત બરો તરીકે તેને ભેળવી દીધેલું.
1882–1884 દરમિયાન અહીંનો નદીપટ ખોતરાઈને ઊંડો બનેલો. ત્યાં મોટી ગોદીઓ બાંધવામાં આવી અને વેપાર વિકસ્યો.
ગિરીશભાઈ પંડ્યા