બૉસ્ટન ટી-પાર્ટી (16 ડિસેમ્બર 1773) : બૉસ્ટનના દેશભક્તોએ બ્રિટિશ સરકાર વિરુદ્ધ કરેલ સાહસ. અમેરિકન સ્વાતંત્ર્ય-યુદ્ધ તરફ દોરી જતા બનાવોમાંનો આ એક બનાવ હતો. બ્રિટિશ પાર્લમેન્ટે ઘડેલા ટાઉનશેન્ડ ધારા હેઠળ વિવિધ વસ્તુઓ પર નાખવામાં આવેલ કરવેરા 1770માં નાબૂદ કરવામાં આવ્યા, પરંતુ કર નાખવાનો પાર્લમેન્ટનો અધિકાર જાળવી રાખવા માત્ર ચા ઉપર નામનો કર રાખવામાં આવ્યો. 16 ડિસેમ્બર, 1773ના રોજ બ્રિટિશ ઈસ્ટ ઇંડિયા કંપનીએ મોકલેલ ચાની પેટીઓ ભરેલ વહાણ બૉસ્ટન બંદરે આવ્યું. બ્રિટિશ પાર્લમેન્ટમાં પ્રતિનિધિત્વ ન હોવાથી તેના કર નાખવાના અધિકાર સામે લોકોને સખત વાંધો હતો. ત્યાંના કેટલાક વેપારીઓને ઈસ્ટ ઇંડિયા કંપનીની ઇજારાશાહી સામે વાંધો હતો. તેથી તે દિવસે સાંજે રેડ ઇન્ડિયનોના વેશમાં કેટલાક દેશભક્ત યુવાનો વહાણમાં ચડ્યા અને ચાની 342 પેટીઓ દરિયામાં નાખી દીધી. આ બનાવ બૉસ્ટન ટી-પાર્ટી તરીકે જાણીતો બન્યો. આ સમાચાર ઇંગ્લૅન્ડ પહોંચ્યા બાદ, ત્યાંની પાર્લમેન્ટે બૉસ્ટનને સજા કરવાના હેતુથી જૂન 1774માં કેટલાક જુલમી કાયદા પસાર કર્યા. તેનો હેતુ બૉસ્ટનને પાઠ ભણાવવાનો હતો. દરિયામાં નાખી દીધેલી ચાની કિંમત ભરપાઈ ન કરે ત્યાં સુધી બૉસ્ટન બંદરને વાણિજ્ય માટે બંધ કરવામાં આવ્યું. વળી બ્રિટિશ અધિકારીઓ દોષિત બતાવે તેમના પર કાનૂની કાર્યવાહી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું અને તે સાથે મૅસેચુસેટ્સના કોઈ પણ નગરમાં લશ્કર રાખવાની મનાઈ કરવામાં આવી. આ બધાનો પ્રતિકાર કરવા માટે ફિલાડેલ્ફિયામાં મળેલી સંસ્થાનોની કૉંગ્રેસે સંસ્થાનોના અધિકારોની માગણી કરી, અને ઇંગ્લૅન્ડથી કોઈ પણ ચીજ
આયાત નહિ કરવાનો અને ત્યાં કોઈ પણ ચીજની નિકાસ નહિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
મીનળ શેલત