બૉલિંજન પ્રાઇઝ ઇન પોએટ્રી : દર બે વર્ષે અમેરિકાની યેલ યુનિવર્સિટી ગ્રંથાલય સમિતિ દ્વારા પસંદગીના શ્રેષ્ઠ કવિને એનાયત કરવામાં આવતું પારિતોષિક. માનવતાપ્રેમી પૉલ મૅલોને જરૂરી ફંડ પૂરું પાડેલું અને તેમની ઇચ્છા મુજબ બૉલિંજન ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી (1948). 1960 સુધી વિજેતાને આપવાની રકમ $ 1,000; 1964 સુધી $ 2,500 અને ત્યારપછી તે રકમ વધારીને $ 5,000 અને પાછળથી $ 25,000 કરવામાં આવી. દર વર્ષે અમેરિકાના કવિતામાં શ્રેષ્ઠ પ્રદાન કરનાર કવિને આ પારિતોષિક આપવામાં આવે છે. જોકે 1963 પછી તે બે-બે વર્ષે આપવામાં આવે છે. સૌપ્રથમ 1949માં કવિ ઍઝરા પાઉંડને ‘પિસાન કૅન્ટોઝ’ માટે આ પારિતોષિક આપવામાં આવેલું. આ માટે ‘ફેલૉઝ ઇન અમેરિકન લેટર્સ ઑવ્ ધ લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસ’ની ભલામણ હતી. આ માટે વિવાદ પણ થયેલો. રૉબર્ટ હિલ્યરે આ વિવાદ ઊભો કરેલો અને તેથી લાઇબ્રેરીએ તેના નેજા નીચે અપાતાં બધાં જ પારિતોષિક બંધ કરેલાં. ત્યારથી શરૂ કરી આ પારિતોષિકનો વહીવટ ‘યૅલ યુનિવર્સિટી લાઇબ્રેરી’ દ્વારા થાય છે. વૉલેસ સ્ટીવન્સ (1950), જે. સી. રેંસમ (1951), મૅરિયૅન મૂર (1952), આર્ચિબાલ્ડ મૅક્લિશ અને ડબલ્યુ. સી. વિલિયમ્સ (1953), ઑડન (1954), લીઓની આદમ્સ અને લૂઈસ બૉગેન (1955), ઍઇકન (1956), ટૅટ (1957), ઇ. ઇ. કમિંગ્ઝ (1958), રૉથ્કે (1959), ડેલ્મૉર સ્ક્વાર્ટ્ઝ (1960), વાયવર વિંટર્સ (1961), જે. એચ. વ્હીલૉક અને આર. એબરહાર્ટ (1962), રૉબર્ટ ફ્રૉસ્ટ (1963), હૉરેસ ગ્રેગરી (1964–65), રૉબર્ટ પેન વૉરન (1966–67), બેરીમૅન અને મોના વાન ડાયન (1968–69), જેમ્સ મૅરિલ (1971 –72), એ. આર. ઍમૉન્સ (1973–74), ડેવિડ ઇગ્નેટૉ (1975–76), ડબલ્યુ. એસ. મૅર્વિન (1977–78), મે સ્પેન્સન અને હાવર્ડ નૅમિરૉવ (1979–80), ઍંથની હેચ્ટ અને જૉન હૉલૅંડર (1981–82) આ પારિતોષિકના વિજેતાઓ બન્યા છે.
કોલંબિયા યુનિવર્સિટીના અંગ્રેજીના પ્રાધ્યાપક કવિ કેનેથ કોચને 6 ફેબ્રુઆરી 1995માં આ પારિતોષિક એનાયત થયું હતું.
અમેરિકાનું આ સર્વશ્રેષ્ઠ સાહિત્યિક માન છે. પ્રથમ પ્રત્યેક વર્ષે અને હવે બે વર્ષે કોઈ પણ હયાત અમેરિકન એક કે બે કવિઓને અગાઉનાં બે વર્ષમાં પ્રસિદ્ધ થયેલ તેમના કાવ્યસંગ્રહ અથવા તેમના જીવનભરના સમગ્ર કાવ્યસર્જનને લક્ષમાં લઈ આ પારિતોષિક એનાયત કરવામાં આવે છે. કવિ કોચને આ પારિતોષિક અપાયું તે તેમના સમગ્ર કાવ્યસર્જન અને સવિશેષ 1994માં પ્રકાશિત ‘વન ટ્રેઇન’ કાવ્યસંગ્રહ માટે.
આ પ્રમાણે ‘બૉલિંજન પોએટ્રી ટ્રાન્સલેશન પ્રાઇઝ’ પણ એનાયત કરવામાં આવે છે. 1963 પછી તેને પણ દ્વિવાર્ષિક બનાવવામાં આવ્યું છે.
વિ. પ્ર. ત્રિવેદી