બૉર્ન, મૅક્સ (જ. 11 ડિસેમ્બર 1882, બ્રેસલાઉ, જર્મની (હવે પૉલેન્ડનું રોકલૉ); અ. 5 જાન્યુઆરી 1970, ગોટિનજેન, જર્મની) : બોથેની સાથે 1954ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સંયુક્ત વિજેતા. આ પારિતોષિક ક્વૉન્ટમ યંત્રશાસ્ત્રમાં તેમના પાયાના સંશોધન અને વિશેષત: તો તરંગવિધેય(wave function)ના તેમના આંકડાકીય (statistical) અર્થઘટન માટે અર્પણ કરવામાં આવ્યું હતું.

મૅક્સ બૉર્ન
તેમના આ કાર્યથી મૂળ ક્વૉન્ટમ સિદ્ધાંતમાં સુધારો કરવામાં આવ્યો અને તેના વડે, ઇલેક્ટ્રૉનને મુખ્યત્વે ગણિતીય વર્ણન ધરાવતા કણ તરીકે સ્વીકારીને તેમની વર્તણૂકને બહુ ચોકસાઈથી પ્રદર્શિત કરી શકાઈ. 1921માં તેઓ ગોટિંગન યુનિવર્સિટીમાં સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક થયા. ઉષ્માગતિશાસ્ત્ર(thermodynamics)ના પહેલા નિયમનું તેમણે પુન:કથન કર્યું; ઉષ્માના જથ્થા માટે નિશ્ચિત (precise) વ્યાખ્યા આપી અને એમ આ નિયમનું અત્યંત સંતોષજનક ગણિતીય વર્ણન આપ્યું. તેમના વિદ્યાર્થી હાઇસનબર્ગે, 1926માં પરમાણુઓ માટે એક નવા જ ક્વૉન્ટમ સિદ્ધાંતના સૌપ્રથમ નિયમો આપ્યા કે તુરત જ, તેનું યથાયોગ્ય વર્ણન કરી શકે તેવું ગણિતીય સૂત્ર મેળવવા બૉર્ન તેની સાથે કામે લાગ્યા. થોડા સમય બાદ શ્રૉડિન્જરે જ્યારે તેમનું ક્વૉન્ટમ યાંત્રિકીય તરંગ સમીકરણ રજૂ કર્યું ત્યારે બૉર્ને દર્શાવ્યું કે સમીકરણનો ઉકેલ આંકડાકીય રીતે, ભૌતિકશાસ્ત્ર માટે મહત્વનો છે. તરંગ-સમીકરણનું તેમનું અર્થઘટન, નવા ક્વૉન્ટમ સિદ્ધાંતમાં ખૂબ અગત્યનું સાબિત થયું છે. બૉર્ને ઉપ-પારમાણ્વિક કણોના સંઘાત માટેના સિદ્ધાંતને પણ વિકસાવ્યો અને ‘બૉર્ન એપ્રૉક્સિમેશન’ જેવી એક ઉપયોગી તકનીકનો પરિચય આપ્યો; જેમાં પારમાણ્વિક કણોના વિખેરણ(scattering)ને લગતા પ્રશ્નોમાં ‘પરટર્બેશન થિયરી’નો ઉપયોગ કરવામાં આવેલો છે. આંતર પારમાણ્વિક બળો માટે ‘બૉર્ન-ઓપનહાઇમર’ અણુ થિયરીની રચના કરવામાં તેમણે સહાય કરી અને સ્ફટિકશાસ્ત્ર તેમજ દ્રવના ગતિવાદ(kinetic theory of fluids)માં પ્રદાન કર્યું. જન્મે યહૂદી હોવાના કારણે 1933માં નાઝીઓથી ભાગી છૂટીને ઇંગ્લૅન્ડમાં આશરો લીધો અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ‘સ્ટૉક્સ વ્યાખ્યાતા’ બન્યા. 1939માં તેમને બ્રિટિશ નાગરિકત્વ મળ્યું અને 1936માં એડિનબરો યુનિવર્સિટીમાં ‘ટેઇટ ચૅર ઑવ્ ફિલૉસોફી’ માટે વરણી પામ્યા. 1953માં નિવૃત્ત થયા બાદ ગોટિનજેન પાછા ફર્યા અને યુદ્ધ તેમજ શાંતિકાળ દરમિયાન, ન્યૂક્લિયર ઊર્જાના ઉપયોગમાં રહેલી વિજ્ઞાનીઓની જવાબદારી વિશે અનેક લેખો તેમજ પુસ્તકો લખ્યાં અને યુદ્ધ માટે સમકાલીન વિજ્ઞાનના ઉપયોગને અપરાધી ઠેરવ્યો. તેમના પસંદ કરેલા વૈજ્ઞાનિક શોધપત્રો (selected papers) 1963માં પ્રસિદ્ધ થયા.
એરચ મા. બલસારા