બૉન્ડ, રસ્કિન (જ. 1934, કસોંલી, સિમલા પર્વત) : અંગ્રેજીમાં લેખનકાર્ય કરતા ભારતીય લેખક. તેમને તેમની કૃતિ ‘અવર ટ્રીઝ સ્ટિલ ગ્રો ઇન ડેહરા’ માટે 1992ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
તેમણે શાળાશિક્ષણ સિમલામાં લીધું. થોડો વખત ઇંગ્લૅન્ડમાં નિવાસ કર્યા બાદ મસૂરીમાં રહેવા લાગ્યા. 58 વર્ષની ઉંમર સુધીમાં તેમણે 40 થી વધુ પુસ્તકો પ્રગટ કર્યાં છે. ચાર્લ્સ ડિકન્સ ઉપરાંત ટાગોર, ચેખૉવ અને જેમ્સ બૅરી જેવા મહાન લેખકોથી તે ખૂબ પ્રભાવિત થયા હતા. તેમની પ્રથમ નવલકથા ‘ધ રૂમ ઑન ધ રૂફ’(1957)ને જૉન લેવેલિન રાઇસ પુરસ્કાર મળ્યો હતો. વસ્તુત: આત્મકથારૂપે લખેલ આ કૃતિમાં લેખકે વર્ણન માટે કલ્પિત ઘટનાઓ અને પાત્રોની સૃષ્ટિ ઊભી કરી છે. તેમની 200 થી વધુ વાર્તાઓ પ્રગટ થઈ છે. ‘ધ નાઇટ ટ્રેન ઍટ દેવલી’ (1989), ‘ટાઇમ સ્ટૉપ્સ ઍટ શામલી’ (1990); ‘ધ પૅન્થર્સ મૂન’ (1992) તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે. પ્રકૃતિ પ્રત્યે અદમ્ય આકર્ષણ અને ખાસ કરીને પહાડી પ્રદેશનાં સીધાં, ભોળાં, શાંતચિત્ત પાત્રોના ચિત્રાંકનને કારણે તે સંગ્રહો લોકપ્રિય બન્યા છે. તેઓ બાળકોના પ્રિય લેખક છે. તેમના બાલસાહિત્યમાં ‘અર્થક્વેક’, ‘એડ્વેન્ચર્સ ઑવ્ રામ ઍન્ડ સીતા’, ‘ટાઇગર્સ ફૉર એવર’ મુખ્ય છે. તેમનાં પ્રવાસવર્ણનોમાં ‘ગંગા ડિસેન્ડ્ટિ’ અને ‘બ્યૂટીફુઝ ગઢવાલ’ જાણીતાં છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘અવર ટ્રીઝ સ્ટિલ ગ્રો ઇન ડેહરા’ 14 વાર્તાઓ અને ‘અ ફ્લાઇટ ઑવ પિજન્સ’ નામની લઘુનવલનો સંગ્રહ છે. દહેરાદૂનની આસપાસની ખીણો અને ટેકરીઓના પરિવેશ સાથે જોડાયેલી આ વાર્તાઓ તેમના સૂક્ષ્મ સંવેદનના પ્રતિનિધિરૂપ છે. સ્થાનિક પરિવેશની આત્મીય ઓળખ અને તેની સાથે ઘેરો લગાવ, માનવીય જીવન તથા ચરિત્રનું સૂક્ષ્મ નિરીક્ષણ, સ્વાનુભવનું બળ તથા સૌમ્ય વૈચારિક શૈલીને કારણે આ કૃતિ આધુનિક ભારતીય સાહિત્યમાં એક વિશિષ્ટ પ્રદાન મનાય છે.
બળદેવભાઈ કનીજિયા