બૉનર, યેલેના (જ. 1923, મૉસ્કો) : નાગરિક હક માટેનાં મહિલા ઝુંબેશકાર. 1937માં સ્ટાલિનની મોટા પાયા પરની વ્યાપક સાફસૂફી દરમિયાન, તેમનાં માબાપની ધરપકડ થઈ, પછી તેમનાં દાદીમાએ તેમને લેનિનગ્રાડમાં ઉછેર્યાં.
1965માં તેઓ સોવિયેત કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયાં. જોકે 1968માં ચેકોસ્લોવાકિયાના આક્રમણ પછી પક્ષની વિચારધારા વિશેનો તેમનો ભ્રમ ભાંગી ગયો અને તેઓ પક્ષવિરોધી પ્રવૃત્તિ તરફ વળી ગયાં.
તેમણે 1971માં આન્દ્રે સખારૉવ સાથે લગ્ન કર્યાં અને એક વર્ષ પછી પક્ષમાંથી રાજીનામું આપ્યું. પછીનાં 14 વર્ષ દરમિયાન, પતિ-પત્નીએ પક્ષવિરોધી ઝુંબેશની આગેવાની સંભાળી.
કે.જી.બી.નાં વર્તુળોએ ખૂબ વ્યાપક ધોરણે સાફસૂફી ચલાવી તેમાં સખારૉવને ગૉર્કી ખાતે કેદ રાખવામાં આવ્યા. 1984માં બૉનરને પણ તે જ પ્રકારે સજા કરવામાં આવી. 1986માં ગૉર્બાચેવના વહીવટી તંત્રે બંને જણાંને મુક્તિ આપી. ત્યારબાદ એ દંપતી વિશેષ લોકશાહીકરણ માટેની ઝુંબેશમાં અગ્રેસર બની રહ્યાં.
મહેશ ચોકસી