બૉનર, એલિસ (જ. 22 જુલાઈ 1889, લેગ્નાનો, ઇટાલી; અ. 13 એપ્રિલ 1991, ઝુરિક, સ્વિટ્ઝર્લૅન્ડ) : પ્રાચીન ભારતીય સંસ્કૃતિનાં પરમ ચાહક, કલાકાર, શિલ્પ-સ્થાપત્યનાં ગવેષક, શિલ્પી અને કાશીનિવાસી સારસ્વતપુત્રી. બ્રિટિશ માતા એલિસ બ્રાઉન અને સ્વિસ પિતા જ્યૉર્જ બૉનરનાં પુત્રી. તેમને તેમનાં માતાપિતા તરફથી સ્વિસ અને અંગ્રેજી સંસ્કારનો વારસો મળ્યો હતો. ઇટાલીમાં તેમના 22 વર્ષના વસવાટ દરમિયાન તેમણે માતૃભાષા સ્વિસ-જર્મન ઉપરાંત ઇટાલિયન, ફ્રેંચ અને અંગ્રેજીનો અભ્યાસ કરીને તે ભાષાઓમાં પ્રવીણતા મેળવી હતી. વચ્ચે 17 વર્ષની ઉંમરે તેમણે ચિત્રકલાનું તથા જર્મનીના લબ્ધપ્રતિષ્ઠ શિલ્પી કાર્લ-બુર્ખહાર્ટ પાસેથી શિલ્પકલાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું.
1912માં તેઓ સ્વિટ્ઝર્લૅન્ડ આવ્યાં અને ઝુરિક પાસેના બેદન નગરમાં શિલ્પી તરીકે કારકિર્દી શરૂ કરી. 1913માં તેમના મામા ચાર્લ્સ બ્રાઉન ભારતથી ભારતીય કલાના આદિ પુરસ્કર્તા અને પ્રશંસક ઈ. બી. હૅવલનાં પુસ્તકો, એક નંદીનું શિલ્પ અને એક દેવીમૂર્તિ પોતાની સાથે લાવેલા. તેના દ્વારા કુમારી બૉનરને ભારતીય કલાનો પરિચય થયો અને તેમને ભારત આવવાની પ્રેરણા થઈ. પછી તેમણે પ્રાચીન ગ્રીક કલા અને યુરોપનાં ગૉથિક સ્થાપત્યનાં સુપ્રસિદ્ધ કૅથીડ્રલો અને તેની શિલ્પ-શૈલીઓનો અભ્યાસ કર્યો તેમજ ગ્રીક કલાનાં બે પ્રસિદ્ધ શિલ્પો વીનસ (Venus de Mino) અને ઍપોલો(Apollo Belvedere)થી ખૂબ પ્રભાવિત થયાં. પરિણામે તેમનામાં ગ્રીક કલા પ્રત્યે આદર અને અભિરુચિ જાગ્યાં. તેની સાથે ભારતીય કલાનું પણ આકર્ષણ જાગતાં તેમણે યુરોપનાં સંગ્રહાલયોમાં સંગૃહીત ભારતીય ચિત્રો અને શિલ્પ-પ્રતિમાઓનું અધ્યયન કર્યું. ભારતીય પ્રણાલીઓની કલાઓમાં તેમને આત્મા સાથે સીધો સંવાદ થતો હોવાની પ્રતીતિ થઈ.
1923-24માં તેઓએ તેમના મામા સાથે ટ્યૂનિશિયા અને મૉરોક્કોનો પ્રવાસ ખેડીને ત્યાંનાં ગામડાં, જૂની મૂર સંસ્કૃતિ, પ્રાણીઓ અને જનજીવનનું નિરીક્ષણ કરી કેટલાંક ચિત્રો અને શિલ્પોનું સર્જન કર્યું. 1925-26માં તેઓ પૅરિસ ગયાં. 1928માં તેમણે તેમનો આતાલિયે (Atalier) સ્ટુડિયો ખોલ્યો. તે અરસામાં ત્યાં આવેલા ભારતના નૃત્યકાર ઉદયશંકરની નૃત્યકલા તરફ તેઓ આકર્ષાયાં. તેમણે ઉદયશંકરની નૃત્યમુદ્રાઓને રેખાંકનો અને લાખ, પ્લાસ્ટર અને છેવટે ધાતુશિલ્પમાં અંકિત કરી. 1929માં તેઓ ઉદયશંકર સાથે પહેલી વાર ભારત આવ્યાં. 1930માં તેમને ભારતીય કલા અને સ્થાપત્યના જગવિખ્યાત નિષ્ણાત ડૉ. સ્ટેલા ક્રેમરિશ સાથે મુલાકાત થયા બાદ તેમણે અને ઉદયશંકરે સાથે મળીને ભારતીય નૃત્યકલાના પુનર્જીવન અને તેને જગતના તખ્તા પર મૂકવા તથા માન્યતા અપાવવાનું વ્યવસ્થિત આયોજન કર્યું. પછી તેઓ 193031માં ઉદયશંકર, તેમના ભાઈ રવિશંકર, બે બહેનો, માદામ સિમ્કી અને સંગીતનિર્દેશક ઉસ્તાદ અલ્લાઉદ્દીનખાં સાથે જરૂરી પોશાક અને સામગ્રી લઈને પૅરિસ આવ્યાં અને ત્યાંના સૌથી મોટા નાટ્યમંદિર સાલે પ્લેયેલમાં કાર્યક્રમ કર્યો. તેમાં તેઓએ ઇમ્પ્રેસારિયો (impressario) તરીકે કામ કર્યું. તે ઉપરાંત પોશાકોની સજાવટનું દિગ્દર્શન સંભાળીને કાર્યક્રમને ખૂબ સફળતા અપાવી. ત્યારબાદ આ મંડળીએ સ્વિટ્ઝર્લૅન્ડ, ઇંગ્લૅન્ડ, જર્મની, હોલૅન્ડ, બેલ્જિયમ અને અમેરિકામાં કાર્યક્રમો કર્યા. 1933માં કથકલીની પ્રણાલી પર સચિત્ર લેખ લખ્યો.
પછી બે વર્ષ સુધી સ્વિટ્ઝર્લૅન્ડમાં રહીને તેમણે બાલ અને ઝુરિકમાં સ્ટુડિયો સ્થાપી અનેક ચિત્રો અને નોંધપાત્ર શિલ્પો કર્યાં. તેમાં ‘લુકિંગ ઇનટુ ઇટરનિટી’; ‘પૉર્ટ્રૅટ ઑવ્ જે. બી.’ (કાષ્ઠશિલ્પ); ‘વૉકિંગ લેડી’; ‘કૅચિંગ ધ બર્ડ’ બાલ, બેદન અને ઝુરિકનાં સંગ્રહસ્થાનોમાં સંગૃહીત છે. તેમણે એક રશિયન સંગીતકારનું વિખ્યાત કાંસ્ય બસ્ટ પણ બનાવેલું.
1935માં તેમણે ફરીથી ભારત આવીને કથકલી નૃત્યનાં રેખાંકનો અને કોલકાતામાં ઉદયશંકર માટે પોશાકો તૈયાર કર્યાં. ત્યારબાદ બનારસના એક રજવાડી મકાનમાં રહ્યાં. પછી ગંગાઘાટે રોજ ચિત્રો કરવા જવાનું સરળ બને તે સારુ ગંગાઘાટે બીજા એક મકાનમાં વર્ષો સુધી નિવાસ કર્યો. પછી ઉસ્તાદ અલ્લાઉદ્દીનખાં સાથે યુરોપ ગયાં. આલ્પ્સ પર્વત પર 1447.8 મીટર(4,750 ફૂટ)ની ઊંચાઈએ બે મજલાની સુંદર વનકુટિર ‘Da Vos’માં રહીને ભારતમાં કરેલા સ્કેચ પરથી 1937માં ‘માતા અને શિશુ’ અને 1938માં દોરેલા ‘ગંગાઘાટે વેશપરિવર્તન’ ચિત્રોમાં તેમનો શિલ્પી તરીકેનો આત્મા અભિવ્યક્ત થાય છે.
1939માં ફરીથી તેઓ ભારત આવ્યાં. શરૂઆતમાં બનારસમાં વિદ્વાન બાબુ ભગવાનદાસ; કોલકાતામાં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર અને અલ્લાહાબાદમાં પંડિત નહેરુના સંપર્કમાં આવ્યાં. 1942માં તેમણે ગંગાકિનારાની ‘અંતરગૃહયાત્રા’ અને ‘સૂર્યોદય’ એ યુરોપીય શૈલીનાં ચિત્રો સર્જ્યાં. ત્યારબાદ શિલ્પસ્થાપત્યની આંતરિક ખોજ રૂપે છઠ્ઠાથી આઠમા સૈકા સુધીમાં કંડારાયેલ દક્ષિણાપથનાં ગુફામંદિરોનું ધ્યાનપૂર્વક અન્વેષણ કર્યું. તેના ફલસ્વરૂપ તેમણે તેમનો વિશ્વવિખ્યાત બનેલ ગ્રંથ ‘ધ પ્રિન્સિપલ્સ ઑવ્ કૉમ્પોઝિશન ઇન હિંદુ સ્કલ્પ્ચર (કેવ ટેમ્પલ પિરિયડ)’ પ્રગટ કર્યો. આ અન્વેષણ દરમિયાન તેમને ઇલોરામાં દશાવતાર અને કૈલાસ ગુફાઓમાં ભારતીય શિલ્પનાં આધ્યાત્મિક પરિમાણોની તાશ અનુભૂતિ થઈ.
ઉદયશંકરના સંપર્કથી તેમને ભારતીય સંગીતનો સારો એવો પરિચય થયો. ઉસ્તાદ સદ્દનખાંના સિતાર પરના વસંત રાગથી પ્રભાવિત થઈને તેમણે 1944માં ‘રાગ વસંત’નું ચિત્ર દોર્યું; જેમાં ભારતીય મુદ્રાઓ અને પ્રતીકોનો ઘેરો પ્રભાવ પ્રતીત થાય છે.
1949માં ફરીથી ભારત આવીને બગ્લોરનાં પ્રસિદ્ધ નૃત્યકાર શાંતા રાવનાં કથકલી નૃત્યો માટેના પોશાકોનું નિદર્શન કર્યું. ત્યારબાદ ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ સરોજિની નાયડુના સંપર્કમાં આવ્યાં અને તેમની સાથે મિત્રભાવે જોડાયાં. ત્યારબાદ તેમનું મન કૃષ્ણભક્તિ તરફ વળ્યું, અને તેમના ઘરમાં કાષ્ઠના નાનકડા કૃષ્ણમંદિરની સ્થાપના કરી. તે દરમિયાન ડૉ. વાસુદેવશરણે તેમને વાસ્તુ અને શિલ્પશાસ્ત્રોમાં ઊંડું અન્વેષણ કરવા પ્રેર્યાં. એ વિષયને લગતા ગ્રંથોની શોધમાં તેમણે રાજસ્થાન, ગુજરાત, દક્ષિણ ભારત અને ઓરિસાનો પ્રવાસ ખેડ્યો.
થોડાં વર્ષો સ્વિટ્ઝર્લૅન્ડમાં ગાળ્યાં બાદ તેમણે ભારત આવીને કટકમાં કલિંગ સ્થાપત્યના 3 અતિમૂલ્યવાન ગ્રંથો ‘શિલ્પપ્રકાશ’, ‘સૌધિકાગમ’ અને ‘શિલ્પસારિણી’ પર કલિંગ સ્થાપત્યના વિદ્વાન પં. સદાશિવરથ શર્માના માર્ગદર્શન હેઠળ કલિંગની વાસ્તુપ્રણાલીના ગૂઢ સિદ્ધાંતો અંગે સંશોધન કર્યું. તેમની શિલ્પશાસ્ત્રોની ગવેષણાના ફલસ્વરૂપ 1964થી 1972 સુધી અભ્યાસપૂર્ણ અને મનનીય લેખો, વ્યાખ્યાનો, નિબંધો અને ગ્રંથો આપ્યાં. તેમાં સૌથી મહત્ત્વનો લેખ ચેન્નઈની અડ્યાર લાઇબ્રેરીના મુખપત્ર ‘બ્રહ્મવિદ્યા’ના ‘ડૉ. રાઘવન્ અભિનંદન’ ગ્રંથમાં ‘Saudhikagama on Panfaras’ નામે પ્રકાશિત થયો. તેમનાં સંશોધન-પ્રદાનની યશકલગીરૂપ મહાગ્રંથ છે ‘New Light on the Sun Temple of Konark’ (1972).
આવા અત્યંત મહત્ત્વના પ્રદાન બદલ 1969માં ઝુરિક યુનિવર્સિટીએ તેમને સર્વોચ્ચ કોટિનું સન્માન ‘Dr. Honours Causa’ની ડિગ્રી આપીને કર્યું. 1970માં તેમણે તેમનો તમામ કલાસંગ્રહ ઝુરિકના ‘નૅશનલ મ્યુઝિયમ’ને સુપરત કર્યો. 1974માં ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’થી પુરસ્કૃત કર્યાં. બનારસની પ્રમુખ સંસ્થાઓએ પણ તેમનું બહુમાન કર્યું હતું. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયન સ્ટડીઝ તરફથી પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
બળદેવભાઈ કનીજિયા