બૉઇસ ટૉમ્પ્સન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પ્લાન્ટ રિસર્ચ ઇન્કૉર્પોરેટ, અમેરિકા
January, 2000
બૉઇસ ટૉમ્પ્સન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પ્લાન્ટ રિસર્ચ ઇન્કૉર્પોરેટ, અમેરિકા : અમેરિકાની વનસ્પતિવિજ્ઞાનના સંશોધન સાથે સંકળાયેલી એક પ્રખ્યાત સંસ્થા. વિલિયમ બૉઇસ ટૉમ્પ્સન નામના અમેરિકને પોતાની અઢળક મિલકત વનસ્પતિની વિવિધ વિષય-શાખાઓ પર સંશોધનો કરવા માટે આ સંસ્થાને સમર્પિત કરી હતી, આમ છતાં આ સંસ્થા સાથે પોતાનું નામ જોડવા બાબતે ઘણી આનાકાની કરી હતી. છેવટે એમનું નામ આ સંસ્થા સાથે જોડવામાં આવ્યું.
તેની વિશાળ પ્રયોગશાળાઓ આધુનિક ઉપકરણોથી સુસજ્જ છે અને સર્વે ઉપકરણો કાર્યરત રહે તે બાબતે ઘણી જ કાળજી રાખવામાં આવે છે.
તેનો એક વૃક્ષોદ્યાન (arboratum) યૉન્કર્સમાં 300 એકર જમીનમાં અને બીજો બી. ટી. સાઉથ વેસ્ટર્ન વૃક્ષોદ્યાન 1,700 એકર જમીનમાં પથરાયેલો છે. વૃક્ષોદ્યાનમાં ફક્ત વિશાળ વૃક્ષો અને ક્ષુપો જ ઉગાડવા તરફ ધ્યાન આપવામાં આવે છે. તેમાં અનાવૃતો સહિત બધી જ વૃક્ષ-જાતિઓ ઉછેરવાનો પ્રયત્ન થયેલો છે. સંસ્થાના મુખપત્ર ‘Contributions from Boyce Thompson Institute of Plant Research’માં માહિતીપૂર્ણ સંશોધનપત્રો પ્રકાશિત થતાં થોડા જ સમયમાં તેણે ગૌરવ પ્રાપ્ત કર્યું.
વનસ્પતિવિજ્ઞાનના પ્રત્યેક ક્ષેત્રમાં આ સંસ્થાનું અનોખું અને મૌલિક પ્રદાન રહેલું છે; જેમાં એંગલશામ, એ. આર.નાં નાઇટ્રોજનસ્થાપન અને જનીનિક ઇજનેરીનાં સંશોધનો નોંધપાત્ર છે. પ્રા. જી. એ. લગે સંપાદિત કરેલા ગ્રંથ ‘વનસ્પતિઓની સુષુપ્ત અવસ્થા’માં બીજ અને કલિકાઓની સુષુપ્ત અવસ્થાનો ઐતિહાસિક પરિચય આપવામાં આવ્યો છે. તેમણે પ્રારંભથી જ વનસ્પતિ-વર્ગીકરણવિજ્ઞાનમાં ઓળખ, પરખ અને નામાભિધાન ઉપર સંશોધનો કર્યાં છે.
આ સંસ્થાના નોબેલ પારિતોષિક વિજેતાઓ વનસ્પતિના સર્વાંગી વિકાસ પર પ્રકાશની અસર વિશે આ પ્રમાણે નોંધે છે :
‘‘…..વનસ્પતિના સર્વાંગી વિકાસમાં પ્રકાશનો ફાળો અત્યંત મહત્વનો હોવાથી તેની ક્રિયાવિધિને પૂર્ણપણે સમજવા માટે ઘણા પડકારો ઝીલવાના બાકી રહે છે. ખરેખર માત્ર હરિતકણો જ નહિ, પરંતુ વનસ્પતિની પ્રત્યેક અવસ્થા અને ફાઇટોક્રોમ, ક્રિપ્ટોક્રોમ અને ફોટોટ્રૉપિન જેવાં પ્રકાશગ્રાહકો(photo receptors)ની ગુણનશક્તિ પ્રકાશના નિયંત્રણ હેઠળ હોય છે…… અને આ બધાંએ પ્રકાશના ચોક્કસ કાર્યને સમજવાના પુરુષાર્થને અત્યંત મુશ્કેલ બનાવ્યો છે…….’’
આ ખાનગી સંસ્થા ફક્ત ધર્મદાનો ઉપર જ નિર્ભર છે. શ્રીમતી બૉઇસે સંસ્થાને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્ત કરવા, એ વ્યાજથી જ ચલાવવા નૈમિત્તિક ખર્ચ(contingency expenses)ને પહોંચી વળવા બાકીની પૂંજી પણ દાન પેટે આપી. વળી આ સંસ્થાના અધ્યક્ષ પચાસ વર્ષ પછી કે આગામી સદીમાં વનસ્પતિવિજ્ઞાનની થનારી પ્રગતિના સંદર્ભમાં નિશ્ચિત લક્ષ્યાંક સિદ્ધ કરવા કૌશલ્યપૂર્ણ આયોજનો કરે છે.
ચંદ્રકુમાર કાંતિલાલ શાહ